ટેસ્લાના (Tesla) CEO ઈલોન મસ્કે (Elon Musk) શુક્રવારે (11 ઑક્ટોબર) ‘વી રોબોટ’ ઇવેન્ટમાં (We Robot Event) કંપનીની નવીનતમ બનાવટો રજૂ કરી હતી. જેમાં સ્ટેજ પર ઑપ્ટિમસ રોબોટ્સ (Optimus Robots) પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ટેસ્લા રોજિંદા જીવનમાં રોબોટ્સને એકીકૃત કરવાના પ્રયાસ કરી રહી છે. ત્યારે આ ઇવેન્ટમાં એલોન મસ્કે ટેસ્લા હ્યુમનૉઇડ ઑપ્ટિમસ રોબોટ્સ બતાવ્યા હતા. આ ઉપરાંત કિંમત સહિતની બાબતો અંગે જાણકારી આપી હતી.
ઇવેન્ટમાં રોબોટ્સને રજૂ કરવાની જાહેરાત કરતાં મસ્કે કહ્યું હતું કે, “ઑપ્ટિમસ તમારી વચ્ચે ચાલશે. તમે તેમની પાસે જઈ શકશો અને તે તમને ડ્રીંક્સ પીરસશે.” આ ઉપરાંત મસ્કે ઑપ્ટિમસ રોબોટ્સની ક્ષમતાઓ વર્ણવતાં કહ્યું હતું કે, રોબોટ્સ તમારા શ્વાનને ચાલવા લઇ જઈ શકે છે, બાળકો સાચવી શકે છે, લૉન (ઘાસ) કાપી શકે છે અને પીણાં પણ પીરસી શકે છે.”
ઈલોન મસ્કે ઑપ્ટિમસ રોબોટ્સને અત્યાર સુધીનું સૌથી નોંધપાત્ર ઉત્પાદન ગણાવ્યું હતું અને તેની કિંમત અંગે માહિતી આપી હતી. મસ્કે કહ્યું હતું કે ઑપ્ટિમસ રોબોટ્સ માટે અંદાજ છે કે તેની કિંમત $20,000 થી $30,000ની વચ્ચે હશે. ભારતીય ચલણ અનુસાર, આ રકમ 16થી 25 લાખ રૂપિયા જેટલી થાય. મસ્કે આગળ ઑપ્ટિમસની જરૂરિયાત દર્શાવતાં કહ્યું કે, “મને લાગે છે કે પૃથ્વી પરના 8 અબજ લોકોમાંથી દરેકને એક ઑપ્ટિમસ મિત્ર જોઈએ છે.”
Elon Musk introduces the Optimus robot.. it can talk, dance, pour you a drink and do whatever you want them to.
— Z-DRAGON (@IBZDRAGON) October 11, 2024
We've all seen Avengers: Age of Ultron, A Space Odyssey, The Terminator, The Matrix, iRobot, Ex Machina, Transcendence, Westworld etc and we're still doing this? 💀😂 pic.twitter.com/iDqL2u9a3I
એક વિડીયો પ્રેઝન્ટેશનમાં ઑપ્ટિમસ પેકેટ લેતા દેખાયો હતો તથા પરિવાર સાથે રમતા અને ઘરના કામ કરતા જોવા મળ્યો હતો. ટેસ્લાને આશા છે કે ઘરેલું કામકાજમાં પણ ઑપ્ટિમસ રોબોટ્સ ખૂબ ઉપયોગી બનશે. ઇવેન્ટમાં રોબોટ્સ ચાલતા, કપ પકડતા અને નાની ગિફ્ટની થેલીઓ આપવા જેવી મૂળભૂત ક્રિયાઓ કરતાં થોડી વધારે ક્રિયાઓ કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક ઑપ્ટિમસ રોબોટ હજારો લોકો સાથે રોક-પેપર-સિઝરની રમત રમતો જોવા મળ્યો તો અન્ય રોબોટ્સ નાચતા પણ જોવા મળ્યા હતા.
NEW: Elon Musk introduces an army of Optimus robots, says people will be able to buy them to complete tasks.
— Collin Rugg (@CollinRugg) October 11, 2024
Epic.
Musk then said attendees could walk up to the Optimus robots who would do things like serve drinks.
"At scale, you should be able to buy an Optimus robot for… pic.twitter.com/zsGF4zzhaR
રોબોટેક્સી અને રોબોવાન પણ રજૂ કરવામાં આવ્યાં
આ સિવાય ટેસ્લાએ બે નવાં વાહનો પણ લૉન્ચ કર્યાં છે. આ વાહન પણ ટેસ્લાની અગાઉની કારની જેમ જાતે જ ચાલશે, પણ આમાં એક નવીન ચીજ એ છે કે સ્ટિયરિંગ કે પેડલ જવું કશું જ નથી. આ રોબોટેક્સીનું નામ ‘સાયબરકેબ’ રાખવામાં આવ્યું છે. જ્યારે એક રોબોવાન પણ હશે.
તેનું ઉત્પાદન 2026થી શરૂ થવાની ગણતરી છે. જ્યારે કિંમતની વાત કરવામાં આવે તો 30,000 યુએસ ડોલર જેટલી છે.
આ વાહન સંપૂર્ણપણે ઓટોમેટિક હશે. જેમાં બે વ્યક્તિઓ બેસી શકશે. મસ્કે કહ્યું કે, આ વાહન હ્યુમન-ડ્રાઇવ વ્હીકલ કરતાં 10થી 20 ઘણું વધુ સુરક્ષિત હશે. તેને ફેરવવામાં ખર્ચો પણ ઓછો થશે તેવું મસ્કનું કહેવું છે.
આ સિવાય આ જ ટેકનોલોજી પર આધારિત રૉબોવેન પણ લૉન્ચ કરવામાં આવી છે. જેમાં 20 વ્યક્તિઓથી બેસી શકશે અને સામાન લાવવા-લઈ જવા માટે પણ ઉપયોગમાં લઈ શકાશે.
ઉલ્લેખનીય છે કે મસ્કે કહ્યું હતું કે ટેસ્લા લાખો રોબોટ્સનું ઉત્પાદન કરશે. ઉપરાંત ઑપ્ટિમસને વ્યાપકપણે અપનાવવાથી આર્થિક ઉત્પાદનમાં પણ સુધારો થવાની સંભાવનાઓ દર્શાવી હતી. નોંધનીય છે કે ઑપ્ટિમસ પ્રોજેક્ટ 2021માં પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યો ત્યારથી તેમાં ઘણી પ્રગતિ થઈ છે. 2022માં ટેસ્લાએ એક પ્રાથમિક પ્રોટોટાઇપનું પ્રદર્શન કર્યું હતું, જ્યાંથી હ્યુમનૉઇડ રોબોટ વિકસાવવા માટે પ્રયાસની શરૂઆત થઈ હતી.