તેલંગાણા રાજ્ય સરકારનો એક આદેશ હાલ ચર્ચામાં છે. જેમાં ઓફિસના નિર્માણ માટે કમિશનરે ત્રણ હિંદુ મંદિરોને એક-એક કરોડ રૂપિયાનો ફાળો આપવા માટે કહ્યું છે. આ આદેશ સામે આવ્યા બાદ ભારે વિરોધ થઇ રહ્યો છે અને તેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
આ વિચિત્ર આદેશ તેલંગાણા રાજ્યના વારંગલના બંદોબસ્ત વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. અહીં વિભાગના એડિશનલ કમિશનર ઈ શ્રીનિવાસ રાવે ત્રણ હિંદુ મંદિરોને આદેશ જારી કરીને ત્રણ માળની ઓફિસના નિર્માણ માટે દરેક પાસેથી ફાળા તરીકે એક-એક કરોડ રૂપિયા માંગ્યા છે.
આ ખુલાસો ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં થયો છે. જે અનુસાર, આદેશ કરતો પત્ર વારંગલના ભદ્રકાળી મંદિર, કાઝીપેટ શહેરના મડીકોંડા ગામના શ્રી સીતારામચંદ્ર સ્વામી મંદિર અને મુલુગુ જિલ્લાના મેદારમ ગામમાં આવેલ સંમક્કા-સરલમ્મા જટારા મંદિરના આયોજકોને મોકલવામાં આવ્યો છે અને ત્રણેય મંદિરોને રકમ જમા કરવા માટે કહેવામાં આવ્યું છે.
આદેશમાં આ ત્રણેય સંસ્થાઓને બંદોબસ્ત વિભાગના ડેપ્યુટી કમિશનરના નામે સંયુક્ત બેંક ખાતું ખોલાવવા અને તેમાં રકમ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે દરેક મંદિરને એક-એક કરોડનું યોગદાન આપવા માટે પણ આદેશમાં કહેવામાં આવ્યું છે.
આ આદેશ સામે ભદ્રકાળી સેવા સમિતિના આયોજકો બી સુનીલ અને બી વીરન્નાએ વિભાગના નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો. બીજી તરફ, મેટ્ટુ ગુટ્ટા વિકાસ સમિતિના સભ્યોએ પણ રાજ્ય સરકારના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. આ ઉપરાંત, આદિવાસી નેતાઓએ પણ વાંધો ઉઠાવીને વારંગલમાં બંદોબસ્ત વિભાગની ઓફિસના ત્રણ માળના બાંધકામ માટે મંદિરના ભંડોળમાંથી નાણાંની માંગને અયોગ્ય ઠેરવી છે.
અનેક વખત લૂંટવામાં આવ્યું ભદ્રકાળી મંદિર
જે ભદ્રકાળી મંદિર ચર્ચામાં છે તેને ગત દાયકાઓમાં અનેક વખત લૂંટવામાં આવ્યું હતું અને નુકસાન પણ થયું હતું. આખરે વર્ષ 2950માં એક ભક્ત અને કેટલાક સમૃદ્ધ ઉદ્યોગપતિઓએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એવું કહેવાય છે કે 1950 માં ભદ્રકાળી મંદિરનો જીર્ણોદ્ધાર દેવી ઉપાસક ગણેશ રાવ શાસ્ત્રીએ ગુજરાતી ઉદ્યોગપતિ મગનલાલ સાથે કરાવ્યો હતો.
વારંગલના આ ભદ્રકાળી મંદિરને દક્ષિણ ભારતના સુવર્ણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સોનેરી રંગ ધારણ કરી લે છે, જેના કારણે તેને દક્ષિણનું સુવર્ણ મંદિર પણ કહેવાય છે. આ મંદિરની ચાલુક્ય શૈલીની વાસ્તુકળા પણ ખૂબ વખણાય છે.