દેશભરમાં કોંગ્રેસશાસિત રાજ્યો કોઈકને કોઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હિમાચલનું (Himachal Pradesh) દેવાળિયું ફૂંકાઈ ચૂક્યું છે અને તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર તેલંગાણાના (Telangana) પણ એવા જ હાલ છે. 17 માર્ચે વિધાન પરિષદના સત્રમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ (Revanth Reddy) પોતે આ બાબતનો સ્વીકાર કર્યો છે. તેમણે સ્વીકાર કર્યો છે કે રાજ્ય નાણાકીય તંગીનો સામનો કરી રહ્યું છે, જેના કારણે દર મહિનાની પહેલી તારીખે સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવાનું મુશ્કેલ બની રહ્યું છે.
17 માર્ચના રોજ વિધાન પરિષદમાં મોંઘવારી ભથ્થા (DA) પર ચર્ચા દરમિયાન, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ખુલાસો કર્યો કે રાજ્ય દર મહિનાની પહેલી તારીખે સમયસર પગાર ચૂકવવા માટે ભારતીય રિઝર્વ બેંક પાસેથી દર મહિને ₹4,000 કરોડ ઉધાર લઈ રહ્યું છે. આ નાણાકીય અવરોધોને ધ્યાનમાં રાખીને, તેમણે સરકારી કર્મચારીઓને નિયમિત પગાર અથવા મોંઘવારી ભથ્થા વચ્ચે પ્રાથમિકતા નક્કી કરવા કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, “આ સરકાર તમારી છે. હું તમને બધા હિસાબો જાહેર કરીશ. તમે નક્કી કરો કે શું આપવું જોઈએ અને શું રોકી રાખવું જોઈએ. જ્યારે ડીએ એ કર્મચારીઓની કાયદેસર માંગ છે, હું આપણી વર્તમાન મુશ્કેલ નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ સમજવા વિનંતી કરું છું.”
બે દિવસ પહેલાં સ્ટેશન ઘનપુર ખાતે એક જાહેર સભામાં, તેમણે નાણાકીય કટોકટી માટે અગાઉની BRS સરકારને જવાબદાર ઠેરવી હતી અને દાવો કર્યો હતો કે તેણે છેલ્લા દાયકામાં રાજ્ય પર ₹8.29 લાખ કરોડના દેવાનો બોજ નાખ્યો છે. તેમણે કહ્યું હતું કે, “અમારે વ્યાજ અને બાકી રકમ તરીકે ₹1.3 લાખ કરોડ ચૂકવવા પડશે. જો આટલી મોટી રકમ બચાવી હોત, તો સરકાર દરેક માટે ઘર બનાવી શકી હોત અને 70 લાખ લોકોના કૃષિ દેવા માફ કરી શકી હોત.”
ઉલ્લેખનીય છે કે લગભગ એક સપ્તાહ પહેલાં દિલ્હીમાં ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ 2025માં તેમણે કહ્યું કે તેલંગાણા સરકાર ₹7 લાખ કરોડના દેવામાં ડૂબેલી છે. તેમણે કહ્યું હતું કે, “મારે દર મહિને પગાર અને પેન્શન તરીકે ₹6,500 કરોડ ચૂકવવા પડે છે. મારે દર મહિને લોન અને વ્યાજ તરીકે ₹6,500 કરોડ પણ ચૂકવવા પડે છે. આનો અર્થ એ થયો કે દર મહિનાની 10 તારીખ પહેલા ₹13,000 કરોડ ખર્ચ થઈ જાય છે. મારી પાસે કલ્યાણ અને વિકાસ માટે ફક્ત ₹5,000 કરોડ બાકી છે. મારી પાસે મૂડી ખર્ચ માટે પૈસા નથી.”
નોંધનીય છે કે વર્ષ 2023માં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ 6 ગેરંટીઓ આપી હતી જે પૂરી ન થઈ શકવાના કારણે તેલંગાણા સરકાર વિરોધનો સામનો કરી રહી છે. આ બધાની વચ્ચે જ રાજ્યની આર્થિક પરિસ્થિતિની વાસ્તવિકતાઓ બહાર આવી રહી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારની પણ પરિસ્થિતિ કંઈક આવી જ છે. ગત વર્ષે જ હિમાચલના CM સુક્ખુએ રાજ્યના સરકારી કર્મચારીઓને 2 મહિના સુધી પગાર અને TA DA છોડવા કહ્યું હતું.