દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તેમના PA બિભવ કુમારે પોતાની સાથે મારપીટ કરી હોવાનો આરોપ લગાવનાર આમ આદમી પાર્ટી સાંસદ સ્વાતિ માલીવાલે હવે યુ-ટ્યુબર ધ્રુવ રાઠીને આડેહાથ લીધો છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ તેમનું ચરિત્રહરણ કરવાનું શરૂ કર્યા બાદ રેપ અને હત્યાની ધમકી મળી જ રહી હતી અને હવે ધ્રુવ રાઠીએ તેમની સાથે બનેલી ઘટના પર એક વિડીયો બનાવ્યા બાદ તેમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે તેમણે તેમને સોશિયલ મીડિયા પર મળેલી ધમકીના સ્ક્રીનશૉટ પણ પોસ્ટ કર્યા હતા.
After the leaders and volunteers of my party i.e. AAP orchestrated a campaign of charachter assassination, victim shaming and fanning of emotions against me, I have been getting rape and death threats.
— Swati Maliwal (@SwatiJaiHind) May 26, 2024
This got further exacerbated when YouTuber @Dhruv_Rathee posted a one-sided… pic.twitter.com/EfCHHWW0xu
સ્વાતિ માલીવાલે કહ્યું કે, ધ્રુવ રાઠીએ તેમની ઉપર એકતરફી વિડીયો બનાવ્યો હતો. તેમણે ધ્રુવનો સંપર્ક કરીને પોતાનું વર્ઝન જણાવવાના પ્રયાસ પણ કર્યા, પરંતુ કૉલ અને મેસેજ પર તેણે ધ્યાન ન આપ્યું હતું. આગળ કહ્યું કે, ‘સ્વતંત્ર પત્રકાર’ હોવાનો દાવો કરનારા આવા વ્યક્તિઓ પણ જો આમ આદમી પાર્ટીના પ્રવક્તાની જેમ વ્યવહાર કરવા માંડે અને મને ગાળો અને ધમકીઓ મળે ત્યાં સુધી બદનામ કરે તે શરમજનક બાબત છે.
સ્વાતિએ ત્યારબાદ અમુક બાબતો જણાવી હતી, જે વિશે તેમનું કહેવું છે કે ધ્રુવ રાઠીએ પોતાના 2.5 મિનિટના વિડીયોમાં તેનો ઉલ્લેખ કર્યો નથી.
- પાર્ટીએ ઘટના બની હોવાનું સ્વીકારીને પછી પોતાના જ સ્ટેન્ડ પરથી યુ-ટર્ન લઇ લીધો.
- MLC રિપોર્ટમાં હુમલો થવાના કારણે ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
- વિડીયોનો ચોક્કસ ભાગ જ રિલીઝ કરવામાં આવ્યો અને પછી આરોપીનો ફોન ફોર્મેટ કરી દેવામાં આવ્યો.
- આરોપી ક્રાઈમ સીન (મુખ્યમંત્રી નિવાસસ્થાન) પરથી પકડાયો હતો. તેને ફરીથી ત્યાં પ્રવેશ શું કામ આપવામાં આવ્યો? પુરાવાનો નાશ કરવા માટે?
- જે મહિલા કાયમ અધિકારો માટે લડી હોય, એકલી સુરક્ષા વગર મણિપુર પણ પહોંચી હોય તે ભાજપના હાથે ખરીદાઈ શકે?
સ્વાતિએ કહ્યું કે, જે રીતે આખી પાર્ટી મશીનરી અને તેના સમર્થકો તેમને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે, તે પાર્ટીનું મહિલાઓના મુદ્દા પર સ્ટેન્ડ દર્શાવે છે. આગળ જણાવ્યું હતું કે, તેઓ દિલ્હી પોલીસ સમક્ષ આ ધમકીઓની ફરિયાદ કરી રહ્યાં છે. સાથે આશા વ્યક્ત કરી કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અંતે એમ પણ કહ્યું કે, મને કંઈ પણ થશે તો બધા જાણે જ છે કે કોણે ઉશ્કેરણી કરી હતી.
સ્વાતિ માલીવાલે પોતાની પોસ્ટમાં ચાર સ્ક્રીનશૉટ પણ મૂક્યા છે. જેમાં તેમને અત્યંત અભદ્ર ભાષામાં ગાળો આપવામાં આવી છે. જેમાં રેપની પણ ધમકી અપાઈ છે. તેમનું કહેવું છે કે આ મામલે તેઓ કાર્યવાહી કરશે.