સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટ ગુરુવારે સંસદ સભ્ય સ્વાતિ માલીવાલ પર થયેલા કથિત હુમલાના સંદર્ભમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહાયક બિભવ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર નોટિસ જારી કરી છે. કોર્ટે સ્વાતિ માલીવાલ હુમલા કેસની સુનાવણી કરતી વખતે બિભવ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, “તેણે એવું વર્તન કર્યું કે જાણે કોઈ ગુંડો મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયો હોય”.
મળતી માહિતી અનુસાર, કુમારની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, “શું મુખ્યમંત્રીનું નિવાસસ્થાન એ કોઈ ખાનગી બંગલો છે? શું આ પ્રકારનો ‘ગુંડો’ મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાં કામ કરે છે?” આમ કહી સુપ્રીમે બિભવને ફટકાર લગાવી હતી.
આ મુદ્દે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “દરરોજ અમે કોન્ટ્રાક્ટ કિલર, હત્યારા, લૂંટારાઓને જામીન આપીએ છીએ, પરંતુ પ્રશ્ન એ છે કે ઘટના કેવા પ્રકારની છે…,” બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “તેણે (બિભવ કુમાર) એવું વર્તન કર્યું કે જાણે કોઈ ‘ગુંડો’ મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસ્યો હોય.” ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે સ્વાતિ માલીવાલે તેની શારીરિક સ્થિતિ વિશે જણાવ્યા બાદ પણ બિભવ કુમારે તેના પર હુમલો કર્યો આ બાબત આઘાતજનક છે.
જસ્ટિસ સૂર્યકાન્ત, દીપાંકર દત્તા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે જણાવ્યું હતું કે ચાર્જશીટની સમીક્ષા કરવા માટે વધારે સમયની આવશ્યકતા છે. 18 મે ના રોજ દિલ્હી પોલીસ દ્વારા બિભવ કુમારની ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તે જેલમાં જ છે. 12 જુલાઈએ હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવ્યા બાદ તેને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
તેની જામીન અરજીને નકારી કાઢતી વખતે, દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, “તેને ફસાવવામાં આવ્યો હતો તે અનુમાન કરવું મૂર્ખાઈભર્યું હશે કે કારણ કે દેખીતી રીતે માલીવાલનો આવું કરવાનો કોઈ હેતુ નહોતો. HC એ એમ પણ કહ્યું હતું હુમલા દરમિયાન આવી કોઈ ઘટના બની ન હોત તો કે માલીવાલે હેલ્પલાઇન નંબર 112 પર કોલ કર્યો ન હોત.”
ઉલ્લેખનીય છે કે આખી ઘટના 13 મેના રોજ અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર બની હોવાનું કહેવાય છે. આમ આદમી પાર્ટીના (AAP) નેતા સ્વાતિ માલીવાલે કેજરીવાલ જ્યારે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં વચગાળાના જામીન પર બહાર હતા તે દરમિયાન મળવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ફોજદારી ફરિયાદ મુજબ, બિભવ કુમારે માલીવાલને છાતી, પેટ અને પેલ્વિક એરિયામાં માર માર્યો હતો. માલીવાલે એવો પણ દાવો કર્યો હતો કે તેને ધમકી આપવામાં આવી હતી કે, જો તે આ બાબતે પોલીસ ફરિયાદ કરશે તો તેને માઠા પરિણામ ભોગવવા પડશે.
નોંધનીય છે કે ન્યાયાધીશ કાંતે સ્વીકાર્યું કે ઘણીવાર હત્યાના કેસમાં જામીન આપવામાં આવે છે, પરંતુ FIRની ગંભીરતા અને માલીવાલે વર્ણવેલ તકલીફ પર ભાર મુકતા બિભવ કુમારને ફટકાર લગાવી છે. કોર્ટે અરજી પર નોટિસ જારી કરી, આગામી સુનાવણી 7 ઓગસ્ટે કરવામાં આવશે.