સુરતમાં ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરતાં યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે તેમણે ઉમરા પોલીસે મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ફરિયાદી યુવકે જણાવ્યું હતું કે, તેમની શૉપની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી સ્ટોરીમાં નૂપુર શર્માનો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. જેની નીચે અલગ-અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા તેમને મેસેજ કરીને ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે તેમણે આ ઇન્સ્ટાગ્રામ આઈડીના યુઝરો મોહમ્મદ અયાન મોહમ્મદ નઇમ આતશબાજીવાલા, રાશિદ રફીક, આલિયા મોહમ્મદ અલી ગગન, હુમા મલિક, શેહઝાદ, વસીમ અને ફૈઝાન સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં આગળ જણાવવામાં આવ્યું કે આ આરોપીઓએ તેમની શૉપની ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કરી ગાળાગાળી કરી હતી અને ‘સુરત મેં રહેના હૈ યા જાના હૈ?’, ‘ફિલહાલ ક્લોઝ કર કે નીકળે તેરે ખૂન કે પ્યાસે બૈઠે હૈ, કહીં વહાં ન આ જાયે’, ‘મરના હૈ ક્યાં’ જેવી ધમકીઓ આપી હતી. શરૂઆતમાં તો યુવકે ધમકીઓ ધ્યાનમાં લીધી ન હતી પરંતુ ત્યારબાદ વધારો થતાં તેમણે ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી હતી.
Among three accused nabbed by Police in this case, one is a woman. The threats were issued by Instagram accounts namely Mohammad Ayan Mohammad Naeem Atashbajiwala, Rashid Rafik Bhura, Aaliya Mohammad Ali Gagan, Munna Malik, Shehzad Katpiswala and Faizan. pic.twitter.com/tzbIGuOdZm
— DeshGujarat (@DeshGujarat) July 15, 2022
સુરતમાં યુવકને ધમકી આપવા મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરીને ત્રણ લોકોની ધરપકડ કરી લીધી હતી. જેમાં એક મહિલા પણ સામેલ છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે નૂપુર શર્માની કથિત વિવાદિત ટિપ્પણી મામલે વિવાદ થયા બાદ નૂપુર શર્માને સમર્થન કરનારાઓને ધમકી આપવામાં આવી રહી છે તો હત્યાના બનાવો પણ બન્યા છે. રાજસ્થાન અને ઉદયપુરમાં કટ્ટર ઇસ્લામીઓએ કન્હૈયાલાલ અને ઉમેશ કોલ્હેની માત્ર નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ હત્યા કરી નાંખી હતી. હાલ આ બંને કેસની તપાસ NIA કરી રહી છે.
બીજી તરફ, ગુજરાતમાં પણ સોશિયલ મીડિયા પર નૂપુર શર્માને સમર્થન આપનારાને ધમકીઓ મળવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. પાદરામાં ભાજપના ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવને કન્હૈયાલાલની હત્યાની ટીકા કરવા બદલ ફેસબુક પર અબ્દુલ નામના આઈડી પરથી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.
આ ઉપરાંત, અમદાવાદના એક વકીલને પણ નૂપુરના સમર્થન બદલ સોશિયલ મીડિયા પર ધમકી આપવામાં આવી હતી. આ મામલે તેમણે અમદાવાદના સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી ભુજથી એક વ્યાયામ શિક્ષક શાહનવાઝ સુમરાની ધરપકડ કરી લીધી હતી.