સુરતના રામપુરાના લાલગેટ ખાતેથી ત્રણ મહિના પહેલાં ₹1 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. તે મામલે સુરત SOG પોલીસ શેહબાઝ આલમ નામના વોન્ટેડ આરોપીને છેલ્લા ત્રણ મહિનાથી શોધી રહી હતી. જ્યારે હવે પોલીસને તેમાં સફળતા મળી છે. પોલીસે ડ્રગ્સ માફિયા શેહબાઝ આલમ ઈરશાદ હુસૈન ખાનની ધરપકડ કરી લીધી છે. ડ્રગ્સ પકડાયું ત્યારે આરોપી પોતાના વતન ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરીને નેપાળ જતો રહ્યો હતો. નેપાળથી તે ફરીથી ઉત્તર પ્રદેશ આવ્યો હતો અને ત્યાંથી સુરત આવતા જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
સુરતના રામપુરાના ₹1 કરોડના ડ્રગ્સ મામલે ત્રણ મહિનાથી ભાગતો ફરતો આરોપી શેહબાઝ ઝડપાયો છે. સુરત પોલીસને તેની બાતમી મળી હતી, જે બાદ આખરે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર મોહંમદ કાસિફ શેહબાઝને એક ટ્રીપના 5 હજાર આપતો હતો. MD ડ્રગ્સ લેવા માટે આરોપી ત્રણ વખત તેના સહયોગીઓ સાથે મુંબઈ આવ્યો હતો અને ત્યાંથી ડ્રગ્સ લઈને સુરત પરત ફર્યો હતો. આરોપી મોહંમદ કાસિફ અને શેહબાઝ છેલ્લા 6 વર્ષથી ચાલાકીથી આ ડ્રગ્સના ધંધામાં જોતરાયેલા હતા.
બંને આરોપીઓ ઘરના દરવાજા પર તાળું મારી દેતા હતા, જેથી વટેમાર્ગુ અને પોલીસને શંકા ન થઈ શકે. ત્યારબાદ તેઓ ટેરેસ પર રહેતા હતા અને નીચે આવેલા ડ્રગ્સના ગ્રાહકોને ટેરેસ પરથી ડોલ મોકલીને MD ડ્રગ્સની ડિલિવરી આપતા હતા. આરોપીઓને ડ્રગ્સ લેવા અને રૂપિયાનો વહીવટ કરવા માટે અલગ-અલગ સ્થળોએ બોલાવવામાં આવતા હતા. અગાઉ SOGએ મુસ્લિમ વેશ ધારણ કરીને આરોપી કાસિફને ઝડપી પાડ્યો હતો. હમણાં સુધીમાં આ કેસ મામલે ગ્રાહકો સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
લાલગેટ વિસ્તારમાં ભજીયાની લારીની આડમાં પણ ચાલતો હતો ડ્રગ્સનો ધંધો
નોંધનીય છે કે, લાલગેટ રામપુરા વિસ્તારમાંથી ₹1 કરોડનું ડ્રગ્સ ઝડપાયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તે ઘટનાના થોડા દિવસ બાદ જ પોલીસને જાણવા મળ્યું હતું કે, લાલગેટ હોડી બંગલા પાસે બેકરીની ગલીમાં ભજીયા અને પાનના ગલ્લાની આડમાં MD ડ્રગ્સનો ધંધો થઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ઓપરેશન હાથ ધરીને 3 ડ્રગ્સ પેડલરો ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ધરપકડની માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આપી હતી. પોલીસે ત્રણેય પાસેથી ₹12.57 લાખનો 125 ગ્રામ MD ડ્રગ્સ, 4 મોબાઈલ, ડિજિટલ કાંટો સહિત ₹13.32 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ ડ્રગ્સનો વેપાર કરવા માટે જુદા-જુદા કોડવર્ડનો પણ ઉપયોગ કરી રહ્યા હતા.
આરોપીઓની ઓળખ, મોહમ્મદ જાફર, રાસીદજમાલ અને મોઇનુદ્દીન અન્સારી તરીકે થઈ હતી. આરોપીઓ ભજીયાની લારીની આડમાં ડ્રગ્સનો ધંધો કરતાં હતા. તેઓ તેના ઓળખીતા ગ્રાહકોને વોટ્સએપ પર કોલ કરીને ડ્રગ્સ આવી ગયું હોવાની માહિતી આપતા હતા. પરંતુ તેઓ આ માટે પણ કોડવર્ડ જ યુઝ કરતાં હતા. તેઓ ગ્રાહકોને કહેતા હતા કે, ‘દવા આ ગઈ હૈ.’ તેમના આ કોડવર્ડથી સામેના વ્યક્તિને ખ્યાલ આવી જતો હતો કે, ડ્રગ્સ આવી ગયું છે. ત્યારબાદ ગ્રાહકો તેમની ભજીયાની લારી પર જઈને ડ્રગ્સ ખરીદતા હતા.