8 સપ્ટેમ્બરે સુરતના (Surat) સૈયદપુરામાં (Saiyedpura) આવેલા ‘વરિયાવી ચા રાજા’ ગણપતિ પંડાલ (Ganesh Pandal) પર 6 મુસ્લિમ સગીરોએ રિક્ષામાં આવી પથ્થરમારો (Stone Pelting) કર્યો હતો. પથ્થરમારા બાદ વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 32ની ધરપકડ કરી લીધી હતી. તથા તેમાંથી 23ના 12 તારીખ સુધીના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હતા. બીજી તરફ 6 સગીર આરોપીઓને જુવેનાઇલ હોમમાંથી જામીન મળી ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે શરૂઆતી પૂછપરછ દરમિયાન સગીરો પોલીસને ગોળ-ગોળ જવાબ આપતા હતા, પરંતુ પાછળથી સામે આવ્યું હતું કે તેમનામાંથી જ એક સગીર મુખ્ય આરોપી હતો, જેણે પથ્થરમારો કર્યો હતો.
અહેવાલ અનુસાર ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવાની ઘટનાને 12થી 14 વર્ષના સગીરોએ અંજામ આપ્યો હતો. ગણેશ પંડાલ પર થયેલ હુમલા બાદ સૈયદપુરામાં હિંસાનો માહોલ ઉભો થઇ ગયો હતો. આ દરમિયાન પોલીસ જયારે 6 સગીરોને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગઈ ત્યારે મુખ્ય સગીર આરોપીએ બાકીના સગીરોને કહ્યું હતું કે પોલીસ પૂછે તો મારું નામ આપતા નહીં, પણ એમ કહેજો કે કોઈ કાળા શર્ટવાળા ભાઈએ અમને પથ્થરમારો કરવા પથ્થરો આપ્યા હતા.
પોલીસ પૂછપરછ દરમિયાન પણ જે સગીર મુખ્ય આરોપી છે તે અને બાકીના પોલીસને ગોળ-ગોળ જવાબ આપતા હતા, મુખ્ય આરોપી તો મનફાવે એ વ્યક્તિના નામ આપી પોલીસને ગુમરાહ કરવાના પ્રયાસો કરી રહ્યો હતો. જો કે, તે જે પણ માહિતી આપતો તે બધી જ ખોટી નીકળતી હતી. તેણે બાકીના સગીરોને પણ પોલીસને હકીકત ના જણાવવા કહ્યું હતું. અહીં મહત્વની બાબત તો એ છે કે આટલી હિંસા ભરી ઘટના બન્યા બાદ અને પોલીસ સ્ટેશનમાં બેસીને પણ આ સગીરનું શેતાની દિમાગ પોલીસને ગુમરાહ કરવા માટે દોડી રહ્યું હતું.
પોલીસે જયારે આ મામલે અન્ય સગીરોની પૂછપરછ કરી, ત્યારે તેમાંથી એક સગીરે એવી માહિતી આપી દીધી હતી કે તેમને મુખ્ય આરોપી જ રિક્ષામાં બેસાડીને લઇ આવ્યો હતો, તથા ગણેશ પંડાલ પર પથ્થરમારો કરાવ્યો હતો. તેણે અન્ય સગીરો પાસે પથ્થરમારો કરાવ્યા બાદ એમ પણ કહ્યું હતું કે ‘હવે જુઓ શું થશે.’ ત્યારે આ બાબત પોલીસ માટે પણ શંકા ઉત્પન્ન કરે છે કે 13 વર્ષનો બાળક આવા કાવતરા કેવી રીતે ઘડી શકે? તેને આ બધું કરવા કોણ દોરીસંચાર આપી રહ્યું છે?
ઉલ્લેખનીય છે કે મુખ્ય સગીર આરોપી માલેગાંવનો રહેવાસી છે. તેના પિતા હયાત નથી અને તેની માતાએ બીજા લગ્ન કરી લીધા હોવાથી તે તેના દાદી સાથે રહે છે. તપાસમાં એમ પણ સામે આવ્યું હતું કે, 3 મહિનાથી સગીર આરોપી મદરેસામાં જતો હતો. ત્યારે તેને આવા કૃત્ય કરવા માટે દોરીસંચાર કોણ આપી રહ્યું છે તેના પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, પોલીસની અલગ અલગ ટીમ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.