સુરત જિલ્લાના મહુવામાં (Mahuva) તાલુકા વિકાસ અધિકારી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલ વિરુદ્ધ FIR દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ઉપર સરકારી કાર્યક્રમમાંથી પરત ફરતા અધિકારીને રોકીને બેફામ ગાળો દઈને તમાચા મારીને ઢીક્કાપાટુનો માર મારવાનો આરોપ છે.
આ મામલે મહુવા પોલીસે શુક્રવારે (29 નવેમ્બર) FIR નોંધીને પરિમલ પટેલની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ તેની ધરપકડ પણ કરવામાં આવી. તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 121(1), 115(2), 281, 132, 221, 351(3) અને 352 તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં અધિકારીએ જણાવ્યું કે, 29 નવેમ્બરના રોજ તેઓ મહુવાના કુમકોતર ગામે આયોજિત એક સરકારી કાર્યક્રમ પતાવીને બપોરે પરત ફરી રહ્યા હતા ત્યારે વાંસકુઈ ગામે મહુવા-અનાવલ રોડ પર એક સફેદ કલરની ઓલ્ટો કારે જોખમી રીતે સાઈડ કાપી હતી. તેમણે કારમાં જોતાં તાલુકા પંચાયતનો સભ્ય પરિમલ પટેલ હોવાનું જણાયું હતું. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તે સરકારી વાહનની આગળ ચલાવીને સાઈડ આપતો ન હતો અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો.
અધિકારીના વાહને પરિમલની કારને ઓવરટેક કરીને આગળ જતાં તે ફરી પાછળથી આવ્યો હતો અને પોતાની કાર અધિકારીની કારની આગળ મૂકી દીધી હતી. પરંતુ અધિકારી અને તેમની સાથેના માણસોએ કોઈ માથાકૂટ કર્યા વગર કાર મહુવા તરફ હંકારી મૂકી હતી. ત્યારબાદ પરિમલે અધિકારીની સાથે રહેલા એક સ્ટાફના વ્યક્તિને વાહન કેમ ઊભું રાખ્યું નથી તેમ કહીને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, ‘તું TDO સાથે ફરે છે તો તને પણ જોઈ લઈશ.
ત્યારબાદ અધિકારી પોતાના કાર્યાલયે પહોંચીને કામકાજ પતાવીને સાંજે પાંચ વાગ્યે ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે પરિમલ તાલુકા પંચાયત ઑફિસે આવી ચડ્યો હતો અને ગાળાગાળી કરવાની ચાલુ કરી દીધી હતી. ત્યારબાદ TDOને પણ બેફામ ગાળો આપીને ગાલ પર ચાર-પાંચ થપ્પડ મારી દીધી હતી અને ઢીક્કાપાટુનો માર મારવા માંડ્યો હતો.
TDOનો આરોપ છે કે પરિમલે તેમને ‘તમે કામ કઈ રીતે કરો છો તે હું જોઉં છું’ અને ‘મહુવા વિસ્તારમાં કામ નહીં કરવા દઉં, જો કરશો તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો હતો.
અધિકારીનો આરોપ છે કે પરિમલે અગાઉ પણ તાલુકા પંચાયતનો સભ્ય હોવાનો લાભ ઉઠાવીને સરકારી કામમાં દખલગીરી કરવાના આશયથી તેમની ઑફિસે આવીને માથાકૂટ કરી હતી અને ક્યારેક વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા તો ક્યારેય સ્ટાફ સાથે પણ ગેરવર્તન કર્યું હતું.
અધિકારીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.