બિહારના સમસ્તીપુર જિલ્લાના સિંઘિયા બ્લોતાલુકામાં તાલુકામાં એક લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. થાણા ક્ષેત્રના બસ્તી પટ્ટી ગામડાનો ગુડ્ડુ ઉર્ફે ફિરોઝ ધંધાના કામથી ગુજરાતના સુરતમાં રહેતો હતો. આ 18 વર્ષના ફિરોઝએ પોતે હિંદુ ધર્મનો હોવાનો ઢોંગ કરીને બાજુમાં રહેતી 15 વર્ષની હિંદુ સગીરાને ફસાવી તેની સાથે લગ્ન કર્યા હોવાના અહેવાલ છે. પછીથી ફિરોઝ તેને બિહાર તેના ઘરે લઈ ગયો અને તેને નવું મુસ્લિમ નામ આપ્યું હતું.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ગુજરાતના બજરંગ દળના સભ્યોએ દરભંગા યુનિટને આ કેસની જાણ કરી. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ 20 જુલાઈના રોજ બસ્તી પટ્ટી ગામમાં પહોંચ્યા, પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને પછી પોલીસને આ બાબતે અલર્ટ કરી હતી.
સિંઘિયા પોલીસ સ્ટેશનના પ્રભારી કૃષ્ણકાંત મંડલે હિંદુ સંગઠનો પાસેથી માહિતી મેળવ્યા બાદ પોલીસને તેમના નિર્દેશ હેઠળ સ્થળ પર લઈ ગયા. તેઓએ પીડિતાને શોધી કાઢી અને તેને તેના ઘરે પરત મોકલી દીધી હતી. આરોપી ફિરોઝ હાલ ફરાર છે. અધિકારીના જણાવ્યા અનુસાર તેને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
સગીર ઉત્તર પ્રદેશના ફતેહપુરની વતની છે અને તેની માતા સાથે ગુજરાતના સુરતમાં રહેતી હતી. તેના હયાત પિતા નથી. ગુનેગાર પણ એની પાડોશમાં જ રહેતો હતો. તેણે છોકરીને લલચાવવા માટે હિંદુ હોવાનો ખોટો ડોળ કર્યો, તેની સાથે ભાગી જવા માટે તેને ઉકસાવી અને તેને બિહાર પોતાના ગામમાં લઇ આવ્યો હતો.
આ સિવાય એવી પણ માહિતી મળી છે કે, આરોપીના પિતાએ છેતરપિંડી કરીને ઝોનલ ઓફિસમાંથી રહેઠાણનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. યુવતીનું મુસ્લિમ નામ રાખવાની સાથે યુવતીના માતા-પિતાની પણ ખોટી ઓળખ આપવામાં આવી હતી.
ઓઝૈર આલમે અર્જુનસિંઘ બનીને હિંદુ યુવતીને ફસાવી
આ પહેલા પણ સુરત શહેરમાંથી લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. અહીં એક ઓઝૈર આલમ નામના મુસ્લિમ યુવકે ઓળખ છુપાવીને હિંદુ યુવતીને ફસાવી હતી. એટલું જ નહીં તેણે ‘અર્જુનસિંઘ’ નામથી નકલી આધાર કાર્ડ પણ બનાવી રાખ્યું હતું તેમજ વેપાર પણ તે હિંદુના નામે જ કરતો હતો. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ તેને પકડી પાડીને પોલીસના હવાલે કર્યો હતો.