Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: અશાંતધારાના ભંગની ફરિયાદ સાથે ધારાસભ્યની કચેરીએ સ્થાનિકોએ મોરચો માંડ્યો, હિંદુ વિસ્તારમાં...

    સુરત: અશાંતધારાના ભંગની ફરિયાદ સાથે ધારાસભ્યની કચેરીએ સ્થાનિકોએ મોરચો માંડ્યો, હિંદુ વિસ્તારમાં વિધર્મીઓને ખોટી રીતે મિલકતો ટ્રાન્સફર થતી હોવાની રાવ

    ગોરાટ, ગોપીપુરા, સગરામપુરા, બેગમપુરા, નાણાવટ, સલાબતપુરા સહિતના કોટવિસ્તારમાં આ મુદ્દો પેચીદો બન્યો છે. જેને લઈને સ્થાનિકોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. 

    - Advertisement -

    સુરત શહેરના કોટ વિસ્તારમાં અશાંતધારાનો ભંગ કરીને મિલકતો ખોટા અભિપ્રાયોના આધારે વિધર્મીઓને ટ્રાન્સફર કરવામાં આવતી હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોએ ધારાસભ્ય અરવિંદ રાણાની કચેરીએ મોરચો માંડ્યો હતો અને હસ્તક્ષેપની માંગ કરી રજૂઆત કરી હતી. 

    રાજ્ય સરકારે સુરતના સેન્ટ્રલ ઝોન, રાંદેર અને લિંબાયત ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ કેટલાંક પોલીસ મથક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કર્યો છે. જેમાંથી ગોરાટ, ગોપીપુરા, સગરામપુરા, બેગમપુરા, નાણાવટ, સલાબતપુરા સહિતના કોટવિસ્તારમાં આ મુદ્દો પેચીદો બન્યો છે. જેને લઈને સ્થાનિકોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. 

    કોટ વિસ્તારના પાંચસોથી વધુ સ્થાનિકો ભાજપ ધારાસભ્યની કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી કે સેન્ટ્રલ ઝોનના એકથી બાર વોર્ડમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હોવા છતાં બેરોકટોક વિધર્મીઓને મિલકતોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે સ્થાનિકોના અભિપ્રાયો મેળવવા મામલે પણ ઘાલમેલ થતી હોવાની ફરિયાદ કરી હતી. 

    - Advertisement -

    સ્થાનિકોની પરવાનગી વગર જ મિલકત ટ્રાન્સફર થતી હોવાની ફરિયાદ

    અશાંતધારાની જોગવાઈઓ પ્રમાણે મિલકતના વેચાણ પહેલાં સ્થાનિકોની પરવાનગી જરૂરી છે. આસપાસ કે સામસામે રહેનારા લોકો કે મહોલ્લાવાસીઓ જો વિરોધ દર્શાવે તો કોઈ પણ સંજોગોમાં તેની મંજૂરી આપી શકાતી નથી. પરંતુ આરોપ છે કે બેગમપુરા અને સગરામપુરામાં સ્થાનિક રહીશોના બદલે મુસ્લિમ સમાજના લોકોના જ અભિપ્રાયો મેળવીને અરજી મંજૂર કરી દેવામાં આવી રહી છે અને સ્થાનિક લોકોને સાંભળવાને બદલે કાગળ પર જ ખેલ પાડી દેવામાં આવે છે. 

    અમુક કિસ્સાઓમાં સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યો હોવા છતાં અશાંતધારા હેઠળની અરજી મંજૂર કરવામાં આવી હોવાની રાવ પણ ઉઠી છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં સ્થાનિકોના વિરોધને અવગણીને વિરોધ છતાં અરજી મંજૂર કરવા યોગ્ય છે તેમ દર્શાવીને તેને પાસ કરી દેવામાં આવતી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. 

    કલેક્ટર સાથે વાત કરીને યોગ્ય નિરાકરણ લવાશે: MLA

    અશાંતધારાનો ભંગ થતો હોવાની ફરિયાદોને લઈને સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અશાંતધારો લાગુ છે અને જો વાંધો રજૂ થયો હોય તો પરવાનગી આપી શકાતી નથી. પરંતુ અમુક વિસ્તારોમાં કલેક્ટર કચેરીએથી પરવાનગી આપી દેવામાં આવી હોવાની રજૂઆતો આવી છે. સગરામપુરા, રૂસ્તમપુરા, બેગમપુરા જેવા વિસ્તારમાં આસપાસ રહેતા ન હોય અને વિસ્તાર સાથે સબંધ જ ન હોય તેવા મુસ્લિમ સમાજના લોકોની સંમતિ દર્શાવી તેના આધારે પરવાનગી મેળવવામાં આવી હોવાની રજૂઆતો કરવામાં આવી છે. 

    તેમણે કહ્યું કે, સ્થાનિકોએ જે પુરાવાઓ આપ્યા છે તે સંગીન હોવાથી આ મુદ્દો જિલ્લા કલેક્ટર સામે રજૂ કરીને અશાંતધારાનો યોગ્ય અમલ કરાવવામાં આવશે. 

    કોટવિસ્તાર ક્ષેત્રસંવર્ધક સમિતિ બનાવાઈ

    આ મુદ્દે ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતાં કોટ વિસ્તારના સ્થાનિક અને બજરંગ દળ નેતા યજ્ઞેશ પટેલે જણાવ્યું કે, આ સમસ્યા દિવસે-દિવસે ગંભીર થતી જાય છે અને જેના સમાધાન માટે સ્થાનિકો ધારાસભ્ય પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તેમણે ઉમેર્યું કે, આવનાર સમયમાં શહેરના અન્ય ધારાસભ્યોને પણ આ બાબતની રજૂઆત કરવામાં આવશે. 

    તેમણે એ પણ જણાવ્યું હતું કે, અશાંતધારાના યોગ્ય અમલ સુનિશ્ચિત કરવા માટે એક કોટવિસ્તાર ક્ષેત્રસંવર્ધક સમિતિ બનાવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારના હિંદુઓનાં હિતોનાં રક્ષણ માટેનો છે. 

    તેમણે જણાવ્યું કે, આ મુદ્દાને લઈને વધુમાં વધુ લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે આવનાર સમયમાં જાગૃતિ અભિયાન ઉપાડવામાં આવશે અને સાધુ-સંતોથી માંડીને ગણેશ મંડળો, વિવિધ સમાજના અગ્રણીઓ વગેરે પાસે પત્રો લખાવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે હિતોના રક્ષણ માટે કાયદો બન્યો છે અને લાગુ થયો છે તો તેનો યોગ્ય અમલ કરવામાં આવે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં