Sunday, March 23, 2025
More
    હોમપેજદેશહાઇકોર્ટના જજ સામે ખાનગી કંપની માટે ભલામણ કરવાનો આરોપ, લોકપાલે આદેશ આપ્યો...

    હાઇકોર્ટના જજ સામે ખાનગી કંપની માટે ભલામણ કરવાનો આરોપ, લોકપાલે આદેશ આપ્યો તો સુપ્રીમ કોર્ટે લગાવી રોક, ‘ડિસ્ટર્બિંગ’ ગણાવીને કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

    કોર્ટે આ મામલે સ્વયં સંજ્ઞાન લઈને કાર્યવાહી શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે લોકપાલ રજિસ્ટ્રાર જનરલને નોટિસ પાઠવી છે તેમજ લોકપાલના આદેશના અમલ પર રોક લગાવી દીધી છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે ગુરુવારે (20 ફેબ્રુઆરી) સ્વયં સંજ્ઞાન લઈને શરૂ કરેલી એક સુનાવણી દરમિયાન લોકપાલના એક આદેશ પર રોક લગાવી દીધી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેના કાર્યક્ષેત્રમાં હાઇકોર્ટના જજ પણ આવે છે. સુપ્રીમ કોર્ટે લોકપાલના આદેશને ‘ડિસ્ટર્બિંગ’ ગણાવ્યો અને કહ્યું કે લોકપાલ અને લોકાયુક્ત એક્ટ હેઠળ ન્યાયાધીશોને આવરી શકાય નહીં. 

    જસ્ટિસ બી. આર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એ. એસ ઓકાની બેન્ચ કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટે આ મામલે સ્વયં સંજ્ઞાન લઈને કાર્યવાહી શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે લોકપાલ રજિસ્ટ્રાર જનરલને નોટિસ પાઠવી છે તેમજ લોકપાલના આદેશના અમલ પર રોક લગાવી દીધી છે. કેન્દ્ર સરકાર પાસે પણ આ મામલે જવાબ માંગવામાં આવ્યો છે. 

    નોટિસ પાઠવતી વખતે જસ્ટિસ ગવઈએ આ બાબતને ‘ખૂબ ગંભીર અને ચિંતાજનક’ ગણાવી. બીજી તરફ કેન્દ્ર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કહ્યું કે, આદેશમાં જે જોગવાઈઓનો આધાર લેવામાં આવ્યો છે તેને જોતાં લાગે છે કે લોકપાલ એક્ટના કાર્યક્ષેત્રમાં હાઇકોર્ટના જજ આવતા નથી. આના અમુક બંધારણીય આધાર પણ છે. કપિલ સિબ્બલે પણ ‘સમથિંગ ડિસ્ટર્બિંગ’વાળી ટિપ્પણીમાં ટાપસી પુરાવી અને કોર્ટને આદેશ પર રોક લગાવવા માટે કહ્યું. 

    - Advertisement -

    જસ્ટિસ ગવઈ અને ઓકાએ નોંધ્યું કે, બંધારણનો અમલ શરૂ થયાથી તમામ હાઇકોર્ટ ન્યાયાધીશો બંધારણીય ઓથોરિટી કહેવાય છે અને તેમને માત્ર એક કાયદા અધિકૃત કર્મચારી તરીકે ગણી ન શકાય, જેવું લોકપાલે અર્થઘટન કર્યું છે. 

    શું છે કેસ? 

    વાસ્તવમાં બન્યું હતું એવું કે લોકપાલ સમક્ષ એક રાજ્યની એકાદ હાઇકોર્ટના ન્યાયાધીશની ફરિયાદ પહોંચી હતી, જેમની ઉપર આરોપ છે કે તેમણે હાઇકોર્ટના અન્ય એક જજ અને એકાદ જિલ્લાની સેશન્સ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજને કોઈ કેસમાં ખાનગી કંપનીના પક્ષમાં આદેશ/નિર્ણય આપવા માટે દબાણ કર્યું હતું. 

    અત્યાર સુધી આ હાઇકોર્ટ કઈ છે, કયા રાજ્યની છે અને જજ કોણ છે તેની વિગતો સામે આવી શકી નથી. સુપ્રીમ કોર્ટે પણ પોતાના આદેશમાં લોકપાલ સમક્ષ ફરિયાદ કરનારને જણાવ્યું છે કે તેઓ હાઇકોર્ટ કે જજની જાણકારી સાર્વજનિક ન કરે. 

    ફરિયાદ લોકપાલ સમક્ષ પહોંચ્યા બાદ લોકપાલે ઠેરવ્યું હતું કે, લોકપાલ એક્ટની કલમ 14(1) હેઠળ હાઇકોર્ટના જજ સામે તપાસ અને કાર્યવાહી તેમના કાર્યક્ષેત્રમાં આવે છે. અર્થઘટન એવું કરવામાં આવ્યું કે, જે-તે હાઇકોર્ટ સંસદના એક્ટ દ્વારા સ્થાપવામાં આવેલા નવા રાજ્ય માટે બનાવવામાં આવી હતી, જેથી લોકપાલ એક્ટ હેઠળ કાર્યક્ષેત્રમાં સમાવી શકાય. 

    આ મામલે પછીથી લોકપાલે ફરિયાદ ચીફ જસ્ટિસને મોકલાવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, “અહીં સ્પષ્ટ કરવું રહ્યું કે આ આદેશ થકી અમે એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે સંસદના કાયદા થકી સ્થપાયેલી હાઇકોર્ટના જજ એક્ટની કલમ 14 હેઠળ આવરી લેવામાં આવશે. આ માટે મેરિટમાં જઈ રહ્યા નથી. જોકે આ આદેશમાં પણ હાઇકોર્ટ કે જજનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

    સુપ્રીમ કોર્ટે હવે આ આદેશ પર રોક લગાવી દીધી છે. નોંધવું જોઈએ કે આ પહેલાં લોકપાલે ઠેરવ્યું હતું કે તેના કાર્યક્ષેત્ર હેઠળ ચીફ જસ્ટિસ કે સુપ્રીમ કોર્ટના અન્ય જજો આવતા નથી, કારણ કે સુપ્રીમ કોર્ટ સંસદના એક્ટ થકી સ્થપાયેલી બોડી નથી, પરંતુ બંધારણીય સંસ્થા છે. લોકપાલ તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં