દિલ્હીમાં (Delhi) વધી રહેલા પ્રદૂષણને (Polution) લઈને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) ફટાકડા મુદ્દે દિલ્હીની AAP સરકારનો ઉધડો લીધો હતો. સોમવારે (11 નવેમ્બર, 2024) જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ એજી મસીહની ખંડપીઠે આ મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, શુદ્ધ વાતાવરણમાં રહેવાનો અધિકાર તમામ નાગરિકોને છે. કોઈ પણ ધર્મ એવી કોઈ જ ગતિવિધિ કરવા આદેશ ન આપે જેનાથી પ્રદૂષણ ફેલાય. ખંડપીઠે દિલ્હી સરકારના ફટાકડા પરના આંશિક પ્રતિબંધને લઈને સરકારને ફટકારતા કહ્યું કે, પ્રદૂષણ માત્ર બે-ચાર મહિના જ વધે છે?
પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને આકરા સવાલ કર્યા હતા. કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં ફટાકડા નિર્માણ, વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ ઑક્ટોબરથી જાન્યુઆરી સુધી જ શા માટે છે? કોર્ટે કડક શબ્દોમાં પૂછ્યું કે, શું આ મહિનાઓમાં જ દિલ્હીમાં પ્રદૂષણ ફેલાય છે? કોર્ટે આમ આદમી પાર્ટીની સરકારને સવાલ પૂછ્યો હતો કે, દિલ્હીમાં આખરે આખા વર્ષ દરમિયાન ફટાકડા પર પ્રતિબંધ શા માટે નથી? જ્યારે વાયુ પ્રદૂષણની સમસ્યા તો આખું વર્ષ ચાલતી રહે છે.
માત્ર તહેવારો પર જ કેમ? ચૂંટણીઓ અને લગ્નોમાં ફટાકડા પર પ્રતિબંધ કેમ નહીં?
કોર્ટના આ પ્રશ્ન પર સરકાર પક્ષે હાજર એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્ય ભાટીએ દલીલ આપી હતી કે, વર્તમાન આદેશ તહેવારના દિવસો અને તે મહિનામાં થતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમની આ દલીલ પર કોર્ટે અસહમતી દર્શાવીને સ્થાયી પ્રતિબંધ લાવવા પર કામ કરવા જણાવ્યું હતું. બીજી તરફ કોર્ટે દિલ્હીરના 14 ઑક્ટોબરના રોજ જાહેર કરવામાં આવેલા આદેશોની પણ તપાસ કરી જેમાં ફટાકડા નિર્માણથી લઈને વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ આદેશમાં ચૂંટણીઓ અને લગ્નોમાં ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી હતી.
દિલ્હી સરકારના આદેશને વાંચ્યા બાદ સુપ્રીમ કોર્ટે આદેશ લાગુ કરવા પર અને તેમાં કરવામાં આવેલા પ્રતિબંધના ઉલ્લેખો પર પણ સવાલો કર્યા હતા. કોર્ટે પૂછ્યું કે, “તમારા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી અને લગ્નો દરમિયાન ફટાકડા ફોડી શકાય છે? તેમાં કોનો ફાયદો? શું માત્ર તહેવારો દરમિયાન જ પ્રદૂષણ ફેલાય છે?” આ સવાલ પર દિલ્હી સરકારે ઓર્ડર પાસ ન થવાનું ઠીકરું દિલ્હી પોલીસ પર ફોડ્યું અને લાયસન્સ આપી દેવામાં આવ્યા હોવાની દલીલ આપી હતી.
25 ઑક્ટોબર સુધીમાં પગલાં લેવા નિર્દેશ
કોર્ટે પોલીસ વિભાગનો ઉધડો લેતા કહ્યું હતું કે, દિલ્હી સરકારે 14 ઑક્ટોબરના રોજ પ્રતિબંધના આદેશ આપ્યા હતા. આદેશો આવ્યા તે પહેલાં અનેક લાયસન્સ ઇશ્યૂ કરી દેવામાં અવાય હતા. આદેશ આવ્યા બાદ કોઈને જ પરવાનગી નહોતી આપવામાં આવી. બંને પક્ષોની દલીલ સાંભળીને કોર્ટે કહ્યું હતું કે દિલ્હીની સીમાની અંદર કોઈ પણ પ્રકારના ફટાકડાનું નિર્માણ, વેચાણ કે સંગ્રહ ન થાય તે પ્રકારના પગલાં લેવામાં આવે. ઓનલાઈન ફટાકડા ન વેચાય તેની પણ તકેદારી રાખવામાં આવે.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ફટાકડા મુદ્દે દિલ્હીની AAP સરકારને સમય મર્યાદા પણ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને 25 નવેમ્બર સુધીમાં દિલ્હીમાં ફટાકડાઓ પર ‘સ્થાયી પ્રતિબંધ’ લગાવવા નક્કર પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “ફટાકડા માત્ર તહેવાર દરમિયાન નહીં, પરંતુ આખું વર્ષ પ્રતિબંધિત હોવા જોઈએ. જો કોઈ ફટાકડા ફોડવાને પોતાના મૌલિક અધિકાર ગણતું હોય તો તેણે કોર્ટ આવવું જોઈએ.” નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે NCRની સરહદમાં આવતા રાજ્યો પાસેથી પણ આ મામલે જવાબ માંગ્યા છે.