ગુજરાત રમખાણો વખતે બિલકિસ બાનો સાથે ગેંગ રેપ થયો હોવાના આરોપસર 15 વર્ષ જેલવાસ ભોગવી ચુકેલા 11 આરોપીઓને ફરી જેલમાં ધકેલવાના આદેશ આપવામાં આવ્યા છે. તમામ ગુનેગારો 15 વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર ગુજરાત સરકારે તેમની ક્ષમા અરજી ધ્યાને લઈ વર્ષ 2022ના ઓગસ્ટમાં મુક્ત કર્યા હતા. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં આ આરોપીઓની મુક્તિ રદ કરી દીધી છે અને તમામ 11 આરોપીઓને ફરી જેલમાં ધકેલવાના આદેશ આપ્યા છે.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર આરોપીઓ મુક્ત થયા બાદ તેમની મુક્તિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલે જસ્ટિસ બીવી નાગરથના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે સુનાવણી કરતા આ નિર્ણય સંભળાવ્યો છે. બિલકિસ બાનો દ્વારા કરવામાં આવેલી અરજી ઉપરાંત ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી અનેક પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરથનાએ કહ્યું હતું કે પીડિતાના અધિકારો મહત્વપૂર્ણ છે અને મહિલા સન્માનની હકદાર છે. શું મહિલાઓ સામેના જઘન્ય અપરાધોમાં ઈમ્યુનિટી આપી શકાય? સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, “ગુજરાત એવું રાજ્ય નથી કે જ્યાં ગુનો આચરવામાં આવ્યો હોય અથવા ગુનેગારોને કેદ કરવામાં આવ્યા હોય, તેથી ગુજરાત સરકાર તેને માફ કરે તે યોગ્ય નથી. પરંતુ તે સરકાર માફી આપી શકે છે જેણે કેસ નોંધ્યો હોય અને સજા કરવામાં આવી હોય.”
બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીઓની મુક્તિ રદ કરી તે મામલે ટીપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકારને ગુનેગારોને મુક્ત કરવાનો કોઈ જ અધિકાર નથી. સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હોય તો ગુજરાત સરકાર કેવી રીતે સજા માફ કરી શકે? આ અધિકાર મહારાષ્ટ્ર સરકાર પાસે છે. કારણ કે જે રાજ્યમાં કોઈ ગુનેગાર પર કેસ ચલાવવામાં આવે છે અને સજા થાય છે, માત્ર તેને જ ગુનેગારોની માફીની અરજી પર નિર્ણય લેવાનો અધિકાર છે.
શું છે આખો કેસ?
2002માં મુસ્લિમ ટોળાએ ગોધરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના ડબ્બા સળગાવીને 59 હિંદુ કારસેવકોને જીવતા સળગાવી મૂક્યા બાદ રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. દરમિયાન, ભાગતી વખતે બિલકિસ બાનો સાથે ગેંગરેપ થયો હોવાનો મામલો સામે આવ્યો હતો. તપાસ સીબીઆઈને સોંપી હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કેસ મહારાષ્ટ્ર ટ્રાન્સફર કર્યો હતો.
મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે 2008માં 11 લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી. જેને બોમ્બે હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખી હતી. તમામ ગુનેગારો 15 વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર ગુજરાત સરકારે તેમની ક્ષમા અરજી ધ્યાને લઈ ઓગસ્ટ 2022માં મુક્ત કર્યા હતા.