Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ભાવનાઓમાં વહી ન જવાય, કાયદા અનુસાર સુનાવણી કરીશું’: ગુનેગારોની મુક્તિને પડકારતી બિલકિસ...

    ‘ભાવનાઓમાં વહી ન જવાય, કાયદા અનુસાર સુનાવણી કરીશું’: ગુનેગારોની મુક્તિને પડકારતી બિલકિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-ગુજરાત સરકારને નોટિસ પાઠવી 

    ગુજરાત સરકારને ગુનેગારોના રિમીસન અંગે પરવાનગી આપતા સુપ્રીમ કોર્ટના આદેશ પર બિલકિસ બાનોએ એક પુનર્વિચાર અરજી દાખલ કરી હતી પરંતુ ગત ડિસેમ્બરમાં કોર્ટે તે ફગાવી દીધી હતી. 

    - Advertisement -

    બિલકિસ બાનો કેસના ગુનેગારોને મુક્ત કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે (27 માર્ચ, 2023) સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે ગુજરાત સરકાર અને કેન્દ્રને નોટિસ પાઠવી છે અને સાથે એમ પણ કહ્યું કે તેઓ લાગણીઓમાં તણાય જશે નહીં પરંતુ કાયદા અનુસાર યોગ્ય કાર્યવાહી કે નિર્ણય કરશે. 

    વર્ષ 2022માં ગુજરાત સરકારે બિલકિસ બાનો કેસના 11 ગુનેગારોને સજા પૂર્ણ થતાં મુક્ત કર્યા હતા. જેમની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેની ઉપર આજે જસ્ટિસ કે. એમ જોસેફ અને બી. વી નાગરત્નાની એક ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. 

    સુનાવણી દરમિયાન ગુનેગારોના વકીલે દલીલ રજૂ કરી કે, તેમણે (ગુનેગારોએ) સાડા પંદર વર્ષનો જેલવાસ ભોગવ્યો છે અને (રિમીસન) પોલિસી માટે 14 વર્ષની જરૂર પડે છે. તેમણે કોઈ પણ વાંધો ઉઠાવ્યા વગર સંપૂર્ણ સજા પૂરી કરી છે. તેમણે એવી પણ દલીલ મૂકી કે અરજી ભાવનાત્મક આધારે હોય ન શકે અને કાયદાકીય રીતે જ આગળ વધવું જોઈએ. 

    - Advertisement -

    આ દલીલ ઉપર કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, તેમનાથી ભાવનાઓમાં વહી ન જઈ શકાય અને કાયદા અનુસાર સંતુલન જાળવીને સુનાવણી કરશે. કોર્ટે આ મામલે વધુ સુનાવણી 18 એપ્રિલે કરવા માટેનો નિર્ણય કર્યો હતો.

    બીજી તરફ, ગુનેગારોની મુક્તિના વિરોધમાં એક જાહેરહિતની અરજી પર પક્ષ રાખતાં વકીલ વૃંદા ગ્રોવરે દલીલ કરી કે ટ્રાયલ કોર્ટના જજ અને સીબીઆઈએ પણ ગુનેગારોને રિમીસન આપવાની ના પાડી હતી. સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી પણ દલીલ મૂકવામાં આવી કે સુપ્રીમ કોર્ટે રિમીસન અને વિચારવા માટે કહ્યું હતું કોઈ આદેશ આપ્યો ન હતો. 

    મે, 2022માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને રિમીસન પર વિચાર કરવાનો અધિકાર આપ્યો હતો 

    ગત મે મહિનામાં એક ગુનેગારની અરજી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે, ગુનો ગુજરાતમાં બન્યો હોવાના કારણે ગુજરાત સરકાર પાસે ‘રિમીસન રિકવેસ્ટ’ પર વિચાર કરવાનો પૂરેપૂરો અધિકાર છે. ત્યારબાદ કોર્ટે 1992ની રિમીસન પોલિસી હેઠળ ગુનેગારોની અરજી પર વિચાર કરવા માટે ગુજરાત સરકારને 2 મહિનાનો સમય આપ્યો હતો. 

    સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગત 15 ઓગસ્ટ 2022ના રોજ સરકારે બિલકિસ બાનો કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા 11 ગુનેગારોને માફી આપીને છોડી મૂક્યા હતા. ગુજરાત સરકારને ગુનેગારોના રિમીસન અંગે પરવાનગી આપતા સુપ્રીમ કોર્ટના આદેશ પર બિલકિસ બાનોએ એક પુનર્વિચાર અરજી દાખલ કરી હતી પરંતુ ગત ડિસેમ્બરમાં કોર્ટે તે ફગાવી દીધી હતી. 

    શું છે આખો કેસ? 

    2002માં મુસ્લિમ ટોળાએ ગોધરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના ડબ્બા સળગાવીને 59 હિંદુ કારસેવકોને જીવતા સળગાવી મૂક્યા બાદ રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. દરમિયાન, ભાગતી વખતે બિલકિસ બાનો સાથે ગેંગરેપ થયો હોવાનો મામલો સામે આવ્યો હતો. તપાસ સીબીઆઈને સોંપી હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કેસ મહારાષ્ટ્ર ટ્રાન્સફર કર્યો હતો. 

    મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે 2008માં 11 લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી. જેને બોમ્બે હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખી હતી. તમામ ગુનેગારો 15 વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર ગુજરાત સરકારે તેમની ક્ષમા અરજી ધ્યાને લઈ આ વર્ષે ઓગસ્ટમાં મુક્ત કર્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં