તાજેતરમાં જ ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઇકોર્ટે કાશી-વિશ્વનાથ મંદિર પાસે આવેલા વિવાદિત માળખા જ્ઞાનવાપીમાંથી સરવે દરમિયાન મળી આવેલા શિવલિંગના કાર્બન ડેટિંગનો આદેશ આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આ આદેશ પર રોક લગાવી દીધી છે.
#BREAKING Supreme Court directs to defer the scientific survey of the 'Shivlinga' in the #Gyanvapi mosque. https://t.co/2Ro2lHIVOR
— Live Law (@LiveLawIndia) May 19, 2023
શિવલિંગના કાર્બન ડેટિંગ માટે અલાહાબાદ હાઇકોર્ટે આદેશ બાદ જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઇસ્લામિયા મસ્જિદ સમિતિએ સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરીને આ ચુકાદાને પડકાર્યો હતો. જેની ઉપર આજે CJI ડીવાય ચંદ્રચૂડની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે કહ્યું કે, આ આદેશના મેરિટ્સની બારીકાઇથી તપાસ કરવામાં આવે તે જરૂરી છે, જેથી આદેશ સબંધિત નિર્દેશોનો અમલ આગામી તારીખ સુધી સ્થગિત કરવામાં આવે છે. કોર્ટે આગલી સુનાવણીની તારીખ 7 ઓગસ્ટ મુકરર કરી છે.
મુસ્લિમ પક્ષ તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી કે, કેસની મેન્ટેનેબિલિટીને પડકારતી મસ્જિદ સમિતિની અરજી ડિસેમ્બર, 2022થી લંબિત હોવા છતાં હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, ASIનો રિપોર્ટ આવ્યાના બીજા જ દિવસે કોર્ટે આદેશ આપી દીધો અને મુસ્લિમ પક્ષને પક્ષ રાખવા માટે પૂરતો સમય પણ આપવામાં ન આવ્યો.
બીજી તરફ, હિંદુ પક્ષ તરફથી વકીલ વિષ્ણુ શંકર જૈને દલીલ મૂકી કે, ASIના અભ્યાસ મુજબ માળખાને કોઈ પણ પ્રકારે નુકસાન કર્યા વગર સરવે થઇ શકે તેમ છે અને જેથી કોર્ટે આદેશ આપ્યો હતો.
અલાહાબાદ હાઇકોર્ટની જસ્ટિસ અરવિંદ કુમાર મિશ્રાની બેન્ચે આ આદેશ પસાર કર્યો હતો. ઓક્ટોબર, 2022માં વારાણસીની કોર્ટે 4 હિંદુ મહિલાઓની એક અરજી ફગાવી દઈને જ્ઞાનવાપીના સરવે દરમિયાન મળી આવેલા શિવલિંગની વૈજ્ઞાનિક તપાસ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ તેમણે આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેની ઉપર સુનાવણી દરમિયાન કોર્ટે ASIએ પૂછ્યું હતું કે નુકસાન પહોંચાડ્યા વગર શું શિવલિંગનું કાર્બન ડેટિંગ થઇ શકે કે કેમ? જેની ઉપર ASIએ જણાવ્યું હતું કે તે શક્ય છે. ત્યારબાદ આ આદેશ આપવામાં આવ્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે, શિવલિંગને કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યા વગર તેનું કાર્બન ડેટિંગ કરવામાં આવે અને આદેશમાં ASIને તે માટે લીલી ઝંડી આપી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાઇકોર્ટના આદેશ પર રોક લાગી ગઈ છે.