Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે જાણી શકાશે કેટલું જૂનું છે જ્ઞાનવાપીમાંથી મળી આવેલું શિવલિંગ: કાર્બન ડેટિંગ...

    હવે જાણી શકાશે કેટલું જૂનું છે જ્ઞાનવાપીમાંથી મળી આવેલું શિવલિંગ: કાર્બન ડેટિંગ કરવાનો અલાહાબાદ હાઇકોર્ટનો આદેશ, ASIને ગ્રીન સિગ્નલ

    ઓક્ટોબર, 2022માં વારાણસીની કોર્ટે 4 હિંદુ મહિલાઓની એક અરજી ફગાવી દઈને જ્ઞાનવાપીના સરવે દરમિયાન મળી આવેલા શિવલિંગની વૈજ્ઞાનિક તપાસ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ તેમણે આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઇકોર્ટે કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ વિવાદિત માળખા જ્ઞાનવાપીમાંથી મળી આવેલા શિવલિંગના કાર્બન ડેટિંગનો આદેશ આપ્યો છે. જેની મદદથી શિવલિંગ કેટલાં વર્ષોથી ત્યાં સ્થિત છે તે જાણી શકાશે. જોકે, સાથે કોર્ટે કહ્યું છે કે આ વૈજ્ઞાનિક પ્રક્રિયા એવી રીતે કરવામાં આવે જેથી શિવલિંગને કોઈ નુકસાન ન થાય.

    જસ્ટિસ અરવિંદ કુમાર મિશ્રાની બેન્ચે આજે આ આદેશ પસાર કર્યો હતો. ઓક્ટોબર, 2022માં વારાણસીની કોર્ટે 4 હિંદુ મહિલાઓની એક અરજી ફગાવી દઈને જ્ઞાનવાપીના સરવે દરમિયાન મળી આવેલા શિવલિંગની વૈજ્ઞાનિક તપાસ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ તેમણે આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હવે હાઇકોર્ટે કાર્બન ડેટિંગના આદેશ આપ્યા છે. 

    શિવલિંગને કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે: કોર્ટ 

    સુનાવણી દરમિયાન હિંદુ પક્ષ તરફથી હરિશંકર જૈન અને વિષ્ણુ શંકર જૈને જ્યારે જ્ઞાનવાપી તરફથી એસએફએ નકવીએ પક્ષ રાખ્યો હતો. ઉપરાંત, યુપી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પણ વકીલો હાજર રહ્યા હતા. કોર્ટે કેન્દ્ર સરકારના વકીલને પૂછ્યું કે શું શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વગર કાર્બન ડેટિંગ થઇ શકે કે કેમ, કારણ કે તેનાથી શિવલિંગ કેટલું જૂનું છે, તે જાણી શકાશે. જેની ઉપર ASI તરફથી કહેવામાં આવ્યું કે તે શક્ય છે અને શિવલિંગનું કાર્બન ડેટિંગ કરી શકાશે. 

    - Advertisement -

    વારાણસીના સુપ્રસિદ્ધ ધામ કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલા વિવાદિત માળખા જ્ઞાનવાપીનો સરવે કરવાના આદેશ આપવામાં આવ્યા બાદ મે, 2022માં સમગ્ર પરિસરનો સરવે અને વિડીયોગ્રાફી કરવામાં આવ્યાં હતાં. આ સરવે દરમિયાન તપાસ કરતી ટીમને મસ્જિદના વજૂખાનામાંથી એક શિવલિંગ મળી આવ્યું હતું. આ શિવલિંગ હાલ મંદિરમાં નંદીની પ્રતિમા સ્થાપવામાં આવી છે, તેની બરાબર સામેથી મળ્યું હતું. શિવલિંગ મળ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતાં કોર્ટે તેની સુરક્ષાના આદેશ આપ્યા હતા અને યથાસ્થિતિ જાળવી રાખવા માટે કહ્યું હતું. 

    બીજી તરફ, આ શિવલિંગની વૈજ્ઞાનિક તપાસની માંગ સાથે એક અરજી વારાણસીની કોર્ટમાં કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દઈને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવા માટે આદેશ આપ્યો છે, આ સ્થિતિમાં સિવિલ કોર્ટ વૈજ્ઞાનિક તપાસનો આદેશ પસાર કરી શકે નહીં. આ આદેશ બાદ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી હાઇકોર્ટે સ્વીકારીને તપાસના આદેશ આપ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં