શંભુ બોર્ડર પર મહિનાઓથી અડિંગો જમાવીને બેસેલા ‘ખેડૂત’ પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કરવા માટે સુપ્રીમ કોર્ટે એક કમિટીનું ગઠન કર્યું છે. આ કમિટીમાં પાંચ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કમિટીને ‘ખેડૂતો’ અને સરકારનો પક્ષ સાંભળીને નિષ્કર્ષ પર પહોંચવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે કમિટીને કહ્યું છે કે, તેઓ સૌથી પહેલાં ‘ખેડૂતો’ સાથે વાત કરીને હાઇવે ખોલાવે. નોંધવા જેવુ છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ‘ખેડૂતો’ શંભુ બોર્ડર પર અડિંગો જમાવીને બેઠા છે. આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટે પ્રદર્શનકારીઓને હટાવીને હાઇવે શરૂ કરવાની વાત કહી હતી.
સુપ્રીમ કોર્ટે સોમવારે (2 સપ્ટેમ્બર, 2024) આ કેસની સુનાવણી દરમિયાન આ કમિટીની રચના કરી હતી. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ નવાબ સિંઘને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત હરિયાણાના પૂર્વ DGP પીએસ સંધુ, કૃષિ પ્રોફેસર દેવિન્દર શર્મા અને કૃષિ અર્થશાસ્ત્રી સુખપાલ સિંઘને તેના સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત પ્રોફેસર બી.આર. કંબોજને આ સમિતિના વિશેષ આમંત્રિત સભ્ય બનાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કમિટીને કહ્યું છે કે, તે પહેલાં પંજાબ અને હરિયાણાની સરકારો સાથે વાત કરે અને નક્કી કરે કે શું મુદ્દા છે. સુપ્રીમ કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે, કોઈપણ મુદ્દાનું રાજનીતિકરણ ન થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કમિટીને શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતો સાથે વાત કરવાનું પણ કહ્યું છે. કોર્ટે કહ્યું કે, “શંભુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો સાથે વાત કરો અને તેમને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી તેમના ટ્રેક્ટર અને અન્ય વસ્તુઓને તાત્કાલિક હટાવવા માટે સમજાવો જેથી બંને રાજ્યો હાઈવે ખોલી શકે.”
Supreme Court constitutes a high power committee headed by former Punjab and Haryana High Court judge to look into the issues of the agitating farmers at Shambhu border near Ambala, where they have been camping since February 13. SC asks the high power committee to frame the… pic.twitter.com/XNZ6sPYIhR
— ANI (@ANI) September 2, 2024
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હવે કમિટી આ મામલાની તપાસ કરશે અને અન્ય લોકોએ પણ હવે આ મુદ્દાઓને વ્યર્થ ન ઉઠાવવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હરિયાણા અને પંજાબમાં મોટી વસ્તી છે જે ખેતી પર નિર્ભર છે અને ગરીબ વર્ગની છે, તેથી આ કમિટીએ તેમના મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે. કોર્ટનો આ નિર્ણય હરિયાણાની એક અરજી પર આપવામાં આવ્યો છે. આ પહેલાં જુલાઈમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે હરિયાણાને શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો. જોકે, હરિયાણાએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારથી સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે.
અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે હરિયાણા અને પંજાબને કમિટી માટે નામ આપવા કહ્યું હતું. આ પછી સુપ્રીમ કોર્ટે કમિટીની રચના કરી હતી. હવે કમિટી તમામ પક્ષો સાથે વાત કરશે અને ખેડૂતોના આંદોલન માટે ઉકેલો સૂચવશે. આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર ખોલવાને લઈને અનેક નિવેદનો આપી ચૂકી છે.