કેન્દ્ર સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરતી પ્રોપેગેન્ડા BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. TMC સાંસદ મહુઆ મોઈત્રા, વકીલ પ્રશાંત ભૂષણ અને પત્રકાર એન રામે અરજી કરીને સરકારના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. જે મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી.
સુપ્રીમ કોર્ટમાંથી અરજદારોને પ્રથમ તબક્કે નિરાશા સાંપડી છે. કોર્ટે વચગાળાનો કોઈ પણ આદેશ આપવાનો ઇનકાર કરીને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. કોર્ટે કહ્યું કે, તેઓ કેન્દ્ર સરકારનો પક્ષ સાંભળ્યા વિના કોઈ પણ આદેશ પસાર કરી શકે નહીં. કેન્દ્ર સરકારને આગામી સુનાવણી સુધીમાં આ પ્રક્રિયાને લગતા તમામ દસ્તાવેજો પૂરા પાડવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
અરજદારોએ કોર્ટ સમક્ષ દલીલ મૂકી હતી કે કેન્દ્ર સરકારે 2021ના આઈટી નિયમો હેઠળ ઇમરજન્સી પાવર વાપરીને આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લાદી દીધો છે. જેની ઉપર કોર્ટે પૂછ્યું હતું કે તેઓ પહેલાં હાઇકોર્ટમાં શા માટે ન ગયા? ત્યારબાદ કોર્ટે નોટિસ જારી કરીને આગામી સુનાવણીની તારીખ એપ્રિલ 2023માં મુકરર કરી હતી.
અરજદારો તરફથી કોર્ટને નજીકની તારીખ આપવા માટે અપીલ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે યુનિવર્સીટીઓ દ્વારા વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરવામાં આવી રહ્યા છે. જોકે, કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સરકારે પ્રતિબંધ મૂક્યા છતાં દેશની કેટલીક યુનિવર્સીટીઓમાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ આ વિવાદિત ડોક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગ આયોજિત કરવાના પ્રયાસ કર્યા હતા.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે, યુનિવર્સીટીઓનો મામલો આખો અલગ છે અને હાલ તેઓ કાયદાકીય બાબતોને લઈને સુનાવણી કરી રહ્યા છે.
આ પહેલાં ગત સોમવારે (30 જાન્યુઆરી, 2023) મહુઆ મોઈત્રા, પ્રશાંત ભૂષણ વગેરે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના આદેશ સામે વાંધો ઉઠાવ્યો હતો. અરજી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સમક્ષ રજૂ કરવામાં આવી, જેમણે તાત્કાલિક સુનાવણી માટે મંજૂરી આપી હતી. હાલ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને એમએમ સુંદ્રેશ કરી રહ્યા છે.
BBCએ ગત મહિને આ ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી હતી, જેમાં 2002નાં ગુજરાત રમખાણોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ડોક્યુમેન્ટ્રી રિલીઝ થતાંની સાથે જ વિવાદમાં આવી ગઈ હતી તો ભારત સરકારના વિદેશ મંત્રાલયે તેને ચોક્કસ નરેટિવ આગળ ધપાવવા માટે બનાવાયેલી ‘પ્રોપેગેન્ડા પીસ’ ગણાવી હતી. ત્યારબાદ ડોક્યુમેન્ટ્રી બ્લૉક કરી દેવાઈ હતી.