સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક કેસની સુનાવણી કરતાં એક યુવતીને માતાની જાતિના આધારે SC પ્રમાણપત્ર બનાવવા માટે મંજૂરી આપવાના હાઇકોર્ટના નિર્ણયને બહાલી આપી છે. મામલો પુડુચેરીનો છે, જ્યાં મદ્રાસ હાઇકોર્ટે પુડુચેરીની એક યુવતીને તેની માતાની આદિ દ્રવિડ જાતિના આધાર પર પ્રમાણપત્ર ઇસ્યુ કરવા માટે આદેશ આપ્યો હતો અને કારણ એ આપવામાં આવ્યું હતું કે તેના વગર તેનું ‘એકેડમિક કરિયર’ બગડી શકે છે. આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે.
મામલો સોમવારે (8 ડિસેમ્બર) મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલા બાગચીની બેન્ચ સમક્ષ લાવવામાં આવ્યો હતો. આમ તો સુપ્રીમ કોર્ટ સમક્ષ આવી ઘણી અરજીઓ પેન્ડિંગ છે, જેમાં બાળકના પિતાની જ જાતિ તેને મળે એ નિયમને પડકારવામાં આવ્યો છે અને કોર્ટ સુનાવણીઓ કરી રહી છે, પરંતુ આ કેસમાં CJI સૂર્યકાંતે એક અગત્યની ટિપ્પણી કરતાં કહ્યું કે, “સમય જેમ બદલાઈ રહ્યો છે તેમ જતી પ્રમાણપત્ર માતાની જાતિ સાથે ઇસ્યુ કરવામાં કેમ ન આવવું જોઈએ?” જોકે એ સ્પષ્ટતા કરી કે આમાં જે બૃહદ મુદ્દો છે તે મામલે કાયદાનો પ્રશ્ન ખુલ્લો જ રહેશે.
આ કેસમાં યુવતીની માતા SC સમુદાયમાંથી આવે છે, જેણે એક નોન-એસસી વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં. માતાએ સ્થાનિક કચેરીમાં અરજી કરી હતી કે તેનાં ત્રણ સંતાનોને (બે પુત્રીઓ, એક પુત્ર) તેની જાતિના આધારે એસસીનાં પ્રમાણપત્રો આપવામાં આવે અને કારણ એ આપવામાં આવ્યું કે તેના પતિ લગ્નથી પત્નીના જ ઘરે રહ્યા છે.
નોંધવું જોઈએ કે સરકારનાં અધિકારિક નોટિફિકેશન જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ જાતિ પ્રમાણપત્ર મેળવી શકે કે નહીં તે નક્કી તેના પિતાની જાતિ તેમજ તે કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં રહે છે એ રેસિડેન્શિયલ સ્ટેટસ પરથી થશે.
ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટનું વલણ શું રહ્યું?
ભૂતકાળમાં પણ સુપ્રીમ કોર્ટે આ જ બાબતને કેન્દ્રમાં રાખીને અમુક ચુકાદા આપ્યા હતા અને એટલે જ હાલના નિર્ણયને અલગ ગણવામાં આવી રહ્યો છે. ઉપરાંત તેનાથી ભવિષ્યમાં પણ અમુક કેસોને અસર પડવાની સંભાવના છે, કારણ કે સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદા દેશની તમામ કોર્ટમાં સંદર્ભ તરીકે વાપરવામાં આવતા રહે છે.
2003માં એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જાતિ નક્કી કરવા માટે મુખ્ય પરિબળ પિતાની જાતિ છે અને તેનાથી જ બાળકની જાતિ નક્કી થાય છે. હિંદુ કાયદો પણ આ જ કહે છે અને બાળકને માતાની નહીં પણ પિતાની જાતિ જ મળે છે.
જોકે 2012માં એક કેસમાં ગુજરાતના એક કેસનો ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે આંતરજ્ઞાતિય લાગો કે ટ્રાયબલ-નોન ટ્રાયબલ વચ્ચે થતાં લગ્નોથી જન્મેલી વ્યક્તિની જાતિ માત્ર પિતાની જાતિના આધારે જ નક્કી કરવામાં આવે એ ફરજિયાત નથી. સામાન્ય કિસ્સાઓમાં માની લેવામાં આવે છે કે બાળકના પિતાની જાતિ જ તેને મળે છે, પણ આ નિયમમાં બાંધછોડ ન થઈ શકે એમ નથી.
જો બાળક એ સાબિત કેર શકે કે તે એસસી/એસટી જાતિમાંથી આવતી માતાના સામાજિક વાતાવરણમાં જ ઉછર્યું છે અને તે સમુદાયમાં જે પડકારો-સમસ્યાઓનો સામનો કરવો પડે એ તને પણ જોઈ છે તો તે બાળકને સમુદાયનો ભાગ ગણી શકાય એમ છે.
કોર્ટના નિર્ણયની શું અસર થઈ શકે?
આ વખતે પણ હાઇકોર્ટે બાળકનું ભણતર ન બગડે એ વિચારે સર્ટિફિકેટ બનાવવા માટે પરવાનગી આપી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ હાલ પૂરતો હસ્તક્ષેપ કરવાની ના પાડી છે. CJIએ આમ તો અમુક ટિપ્પણીઓ કરી છે, પણ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે બાકીની અરજીઓ પેન્ડિંગ છે તે મૂળ વિષય પર નિર્ણય પછીથી લેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આમ તો સ્પષ્ટતા કરી છે પરંતુ આ નિર્ણયથી એક ચર્ચા ચોક્કસ શરૂ થઈ જશે. બીજું, ન્યાયતંત્ર ભલે આને એક અલાયદો કિસ્સો ગણીને જોતું હોય પરંતુ આવા અમુક વધુ નિર્ણયો આવવાના સંજોગોમાં તેનો ગેરફાયદો ઉઠાવવામાં આવે તેની સંભાવનાઓ પણ વધી જાય છે. કારણ કે દરેક કાયદામાં લૂપહોલ હોવાના અને તેના દુરુપયોગ પણ થતા રહેવાના.


