છેતરપિંડીના આરોપસર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે તાજેતરમાં ED દ્વારા પકડાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. 5 પેજના આ પત્રમાં તેણે મુખ્યમંત્રી કેજરીવાલનું તિહાડ જેલમાં ‘સ્વાગત’ કર્યું છે. આ સાથે તેણે આમ આદમી પાર્ટીને પણ ભ્રષ્ટાચારમાં સામેલ ગણાવી હતી. આખરે કાયદાની જીત થઈ હોવાનો દાવો કરીને તેણે કેજરીવાલની ધરપકડને નવા ભારતની શક્તિનું ઉદાહરણ ગણાવી હતી. આ પત્ર શુક્રવાર (22 માર્ચ, 2024)ના રોજ લખવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તિહાડ જેલમાંથી મોકલવામાં આવેલા પત્ર મુજબ સુકેશ ચંદ્રશેખરે કેજરીવાલને સંબોધિત કર્યા છે. તેણે લખ્યું કે, “ડિયર બ્રધર, અરવિંદ કેજરીવાલ.. હંમશાની જેમ સત્ય જીતી ગયું છે. આ નવા ભારતની તાકાત છે. એક શાનદાર ઉદાહરણ છે કે, કાયદાથી ઉપર કોઈ નથી. સૌથી પહેલાં તો હું તિહાડ જેલમાં તમારું સ્વાગત કરું છું, તિહાડના બોસ. તમારી કટ્ટર ઈમાનદારીના બધા જુમલા અને નાટકોનો હવે અંત આવી ગયો છે. હું ખૂબ ભાગ્યશાળી છું કે, મારા જન્મદિવસના ત્રણ દિવસ પહેલાં તમારી ધરપકડ થઈ. તમારી પાર્ટીના બધા ભ્રષ્ટાચારો સામે આવી ગયા. તમારી પાર્ટીને આવનારી વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડશે. હંમેશાની જેમ સત્ય જ જીતે છે.”
#WATCH | At Rouse Avenue Court in Delhi, alleged conman Sukesh Chandrashekhar says, "I will expose him, I will become an approver against Kejriwal and his team. I will make sure he is brought to task." pic.twitter.com/PEm0sETP3s
— ANI (@ANI) March 23, 2024
સુકેશે પોતાના પત્રમાં કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે. તેણે લખ્યું કે, “તમારી ધરપકડ મારા બર્થડેની બેસ્ટ ગિફ્ટ છે. તમને ખ્યાલ નહોતો કે, સત્ય લાંબા સમય સુધી છુપાયેલું રહી શકતું નથી. હું ખુશ છું કે, મારા 3 ભાઈઓ હવે તિહાડ ક્લબ ચલાવવા માટે અહીં છે.” આ ત્રણેય લોકોને સુકેશે A, B અને C કેટેગરીમાં વિભાજિત કર્યા છે. તેમાં A એટલે અરવિદ કેજરીવાલ, B એટલે મનીષ સિસોદિયા અને Cનો અર્થ સત્યેન્દ્ર જૈન. સુકેશે પત્રમાં એવો પણ દાવો કર્યો છે કે, કેજરીવાલના ભ્રષ્ટાચારો ખુલ્લેઆમ બહાર આવવાના છે.
તેણે વધુમાં પત્રમાં લખ્યું કે, “તમે મુખ્યમંત્રી હતા તે સમયે 10 કૌભાંડ કર્યાં છે. આ 10 કૌભાંડોમાંથી 4નો તો હું પોતે સાક્ષી છું. મારી પાસે પુરાવાઓ પણ છે અને હું તમને સંપૂર્ણ રીતે બેનકાબ કરીશ અને આ ચાર કૌભાંડમાં તમારી વિરુદ્ધ ગવાહ બનીશ. તમે આનાથી ડરી રહ્યા છો. દિલ્હી લિકર કેસ તો માત્ર એક શરૂઆત છે. તમે આપણાં તિહાડ ક્લબની બહારનો પ્રકાશ જલ્દી જોઈ શકશો નહીં.” વર્તમાન સમયને રામરાજ્ય ગણાવતાં સુકેશે લખ્યું કે, ભગવાન રામે અરવિંદ કેજરીવાલને સજા આપી છે.
પત્રમાં સુકેશે ચંદ્રશેખરે આમ આદમી પાર્ટીને દુનિયાની સૌથી ભ્રષ્ટ પાર્ટી ગણાવી છે. તેણે દાવો કર્યો છે કે, ઘણા જેલ અધિકારીઓ અરવિંદ કેજરીવાલની કઠપૂતળી જેવા છે. તેમ છતાં, સુકેશ દાવો કરે છે કે, તે અરવિંદ કેજરીવાલને બેનકાબ કરશે, ભલે પછી કોઈ આ માટે તેની સાથે બદલો પણ કેમ ના લે.
નોંધવું જોઈએ કે છેતરપિંડીના આરોપસર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર અવારનવાર જેલમાંથી પત્ર લખતો રહ્યો છે. અગાઉ પણ તેણે કેજરીવાલથી માંડીને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ સહિતના લોકોને પત્રો લખ્યા હતા. અગાઉ પણ તેણે કેજરીવાલ તેમજ તેમની સરકારમાં મંત્રી રહી ચૂકેલા AAP નેતા સત્યેન્દ્ર જૈન પર આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, જૈન તેને મળવા માટે તિહાડ જેલમાં આવતા હતા. તેણે તેની પાસેથી ‘પ્રોટેક્શન મની’ તરીકે 10 કરોડ રૂપિયા લીધા હતા. જ્યારે કેજરીવાલના ‘શીશમહેલ’ની પોલ ખુલી ત્યારે તેણે પત્ર લખીને દાવો કર્યો હતો કે તેનું ફર્નિચર તેણે ખરીદ્યું હતું.