ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક કોલેજ ચર્ચામાં છે. અહીં શુક્રવારે (20 ઓક્ટોબર) કોલેજમાં યોજાયેલા કલ્ચરલ ફેસ્ટિવલમાં એક વિદ્યાર્થીએ સ્ટેજ પરથી ‘જય શ્રીરામ’ કહીને અભિવાદન કરતાં મહિલા પ્રોફેસર ભડકી ઉઠી હતી અને ઠપકો આપ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા બાદ કોલેજ સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
આ મામલો ગાઝિયાબાદની ABES કોલેજ ઑફ એન્જીનિયરિંગનો છે. પ્રોફેસરની ઓળખ મમતા ગૌતમ તરીકે થઈ છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં પ્રોફેસર વિદ્યાર્થીને ઠપકો આપતાં જોવા મળે છે. તેઓ પૂછે છે કે આખરે તેણે ‘જય શ્રીરામ’ના નારા કેમ લગાવ્યા? તેઓ કહે છે, “તમે આના માટે કોલેજમાં આવો છો? આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે. આની પરવાનગી ન આપી શકાય. બહાર નીકળી જાઓ.” બીજી તરફ વિદ્યાર્થી કહેતો સંભળાય છે કે તેણે માત્ર ઓડિયન્સમાંથી કરવામાં આવેલા અભિવાદનનો જવાબ જ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે વીડિયોની શરૂઆતમાં ઓડિયન્સમાંથી ઘણા લોકો સ્ટેજ પરના વિદ્યાર્થીને ‘જય શ્રીરામ’થી અભિવાદન કરતા સંભળાય છે.
લોકોએ અભિવાદન કર્યા બાદ વિદ્યાર્થીએ પણ ‘જય શ્રીરામ’ કહ્યું હતું અને ત્યારબાદ ઓડિયન્સમાંથી પણ સતત ‘જય શ્રીરામ’ના નારા લગાવવામાં આવ્યા. જેના કારણે મહિલા પ્રોફેસર ભડકી ઉઠ્યાં અને વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો અને બહાર કાઢી મૂક્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
Mamata Gautam, a teacher from ABES Engineering college in Ghaziabad expelled a student from stage for greeting audience with "Jai Shree Ram". The student was about to perform at the College Cultural Fest.
— BALA (@erbmjha) October 20, 2023
@ABESEC032 should explain Bharat me Jai Shree Ram nahi bolenge to kya… pic.twitter.com/kvN3NGVcQ0
વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ લોકોએ પ્રોફેસરની ઝાટકણી કાઢી હતી અને ‘જય શ્રીરામ’ના નારા સામે વાંધો ઉઠાવવા બદલ ટીકા કરી હતી. ઘણાએ તેમની સામે પગલાં લેવાની પણ માંગ કરી તો કોઈએ કહ્યું કે તેમને બરતરફ કરી દેવાં જોઈએ.
ઑપઇન્ડિયાએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, કોલેજ તરફથી કોઇ જવાબ ન મળ્યો
કોલેજની આધિકારિક વેબસાઈટ અનુસાર, મમતા ગૌતમ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને રસાયણ વિજ્ઞાનનાં અધ્યાપક છે. ઑપઇન્ડિયાએ મામલાની વધુ વિગતો મેળવવા અને ઘટનાની પુષ્ટિ માટે કોલેજનો સંપર્ક કર્યો પરંતુ એક આસિસ્ટન્ટ પ્રોફેસરે કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
ઑપઇન્ડિયાએ એક વિદ્યાર્થીનો પણ સંપર્ક કર્યો, પરંતુ તેની પાસેથી પણ વધુ માહિતી મળી શકી ન હતી. વિદ્યાર્થીએ એમ પણ કહ્યું કે, તે જાણતો નથી કે મમતા ગૌતમ સંસ્થામાં અધ્યાપક પણ છે કે નહીં. જોકે, ફેકલ્ટીના અન્ય એક સૂત્રે પુષ્ટિ કરી કે મમતા ગૌતમ કોલેજમાં કાર્યરત છે. જોકે, તેમણે પણ ઘટના વિશે વધુ જાણકારી આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે તેઓ આ વિશે વધુ જાણતા નથી.
સમગ્ર ઘટના વિશે તેમનો પક્ષ જાણવા માટે ઑપઇન્ડિયાએ સંસ્થા અને પ્રોફેસરને ઇમેઇલ મોકલ્યો છે. જવાબ મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે. બીજી તરફ, ઘટનાને લઈને ગાઝિયાબાદ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
थाना प्रभारी क्रासिंग रिपब्लिक को जाँच कर आवश्यक कार्यवाही हेतु निर्देशित किया गया है |
— POLICE COMMISSIONERATE GHAZIABAD (@ghaziabadpolice) October 20, 2023
ગાઝિયાબાદ પોલીસ કમિશનરના કાર્યાલય તરફથી X (અગાઉનું ટ્વિટર) પર જણાવવામાં આવ્યું કે મામલાની તપાસ અને જરૂરી કાર્યવાહી માટે જે-તે પોલીસ મથકના ઇન્ચાર્જ ઓફિસરને આદેશ આપી દેવામાં આવ્યા છે.
પ્રોફેસર વીડિયો બનાવીને કહ્યું- અમને ‘જય શ્રીરામ’ સામે કોઇ વાંધો નથી
સમગ્ર મામલે વિવાદ થયા બાદ પ્રોફેસર મમતા ગૌતમે એક વીડિયો જારી કરીને નિવેદન આપ્યું અને કહ્યું કે તેમને, સાથી પ્રોફેસરોને કે કોલેજ પ્રશાસનને ‘જય શ્રીરામ’ના નારા સાથે કોઇ વાંધો નથી અને વિદ્યાર્થી વધુ પડતી દલીલો કરી રહ્યો હતો તેથી તેમણે એક્શન લેવી પડી. સાથે એમ પણ કહ્યું કે, તેઓ પણ સનાતની છે અને જય શ્રીરામ કહેવામાં કોઇ સમસ્યા નથી. સાથે દાવો કર્યો કે સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ટિપ્પણીઓ થઈ રહી છે તેના કારણે તેઓ પરેશાન છે. જોકે, લોકોનું કહેવું છે કે તેઓ હવે ‘વિક્ટિમ કાર્ડ’ રમી રહ્યાં છે.