Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતવડોદરાના મંજુસરમાં વિસર્જન યાત્રા પર પથ્થરમારો, ગણેશજીની પ્રતિમા ખંડિત કરાઈ: વસીમ, યાસીન,...

    વડોદરાના મંજુસરમાં વિસર્જન યાત્રા પર પથ્થરમારો, ગણેશજીની પ્રતિમા ખંડિત કરાઈ: વસીમ, યાસીન, મહંમદ સહિત 18 સામે નામજોગ, બાકીના ટોળા સામે ગુનો દાખલ

    પથ્થરમારો કર્યા બાદ અમુક ઈસમો ભાગી છૂટ્યા હતા જ્યારે વસીમ ધારિયું લઈને નીકળ્યો હતો, જેમાં અમુક હિંદુ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ત્યારબાદ પરિસ્થિતિ વણસતાં યાત્રામાં સામેલ હિંદુઓએ પોલીસને જાણ કરી હતી.

    - Advertisement -

    ગુરૂવારે (28 સપ્ટેમ્બર, 2023) વડોદરાના સાવલી તાલુકાના મંજુસરમાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં અમુક હિંદુઓને ઈજા પહોંચી તો ગણેશજીની પ્રતિમા પણ ખંડિત થઈ હતી. આ મામલે પોલીસે 18 ઇસમો સામે નામજોગ અને બાકીના 30 લોકોનાં ટોળાં સામે FIR દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ, પથ્થરમારો કરનારા 5 આરોપીઓને ઝડપી પણ લેવામાં આવ્યા હોવાનું અહેવાલો મારફતે જાણવા મળ્યું છે. 

    ઘટના સાવલીના મંજુસર ગામમાં બની હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે ઘરોનાં ધાબાં પરથી મોઢે માસ્ક પહેરેલા તોફાનીઓ પથ્થરો ફેંકે છે. જે મકાન પરથી પથ્થરો ફેંકવામાં આવ્યા ત્યાં ઇસ્લામિક પોસ્ટરો પણ લગાવવામાં આવેલાં જોવા મળે છે. જાણવા મળ્યા અનુસાર, આ પથ્થરબાજો હાલ ફરાર છે, જેને શોધવાના પ્રયાસો ચાલુ છે. 

    બનાવને લઈને ગામના એક નાગરિક દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, ગણેશ વિસર્જન હોવાથી લગભગ 100 જેટલા હિંદુઓ ગણેશજીની મૂર્તિ લઈને ગામના વેરાઈ માતાના ચોકથી નદીએ જવા માટે નીકળ્યા હતા. તેમની આગળ ગામના જ મહાદેવ ફળિયાના લોકો પણ ગણેશજીની યાત્રા લઈને પસાર થતા હતા. 

    - Advertisement -

    ફરિયાદ અનુસાર, સાંજે 6 વાગ્યાના અરસામાં મંજુસરના ગરાસિયા મહોલ્લામાં અચાનક યાત્રા પર પથ્થરમારો ચાલુ થઈ ગયો હતો. ફરિયાદીએ જણાવ્યું કે, “મેં ઉપર જોતાં એક ઘર પરથી વસીમ વાઘેલા, જશા વાઘેલા, રણજિત લક્ષ્મણ, યાસીન વાઘેલા અને મહમંદ વાઘેલા પથ્થરમારો કરતા હતા. તેઓ પથ્થરો ફેંકતા બોલતા હતા કે ‘આ લોકોને કાપી નાખો, જીવતા જવા દેવાના નથી.’ 

    પથ્થરમારો કર્યા બાદ અમુક ઈસમો ભાગી છૂટ્યા હતા જ્યારે વસીમ ધારિયું લઈને નીકળ્યો હતો, જેમાં અમુક હિંદુ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ત્યારબાદ પરિસ્થિતિ વણસતાં યાત્રામાં સામેલ હિંદુઓએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. 

    હુમલો થયા બાદ હિંદુઓએ વિસર્જન યાત્રા અટકાવી દીધી હતી અને રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો. હિંદુઓએ કડક કાર્યવાહીની માંગ કરતાં તોફાનીઓ સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી વિસર્જન નહીં થાય તેવું એલાન પણ કર્યું હતું. જોકે, પછીથી જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની બાહેંધરી આપીને મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે રાત્રે જ કોમ્બિંગ પણ હાથ ધર્યું હતું. 

    નર્મદાના સેલંબામાં પણ યાત્રા પર હુમલો 

    ગુજરાતમાં 24 કલાકમાં બે હિંદુયાત્રાઓ પર હુમલા થયા છે. ગુરૂવારે મંજુસરમાં પથ્થરમારો થયો હતો તો શુક્રવારે નર્મદાના સેલંબા ગામે બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા પર મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધો હતો. દરમ્યાન, ટોળાએ અમુક દુકાનોમાં પણ આગચંપી કરી હતી. હુમલા બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં