બોલીવુડ તેની ફિલ્મોને લઈને હંમેશા વિવાદોમાં ઘેરાયેલું જ હોય છે. ત્યારે હવે દક્ષિણના અભિનેતા ઋષભ શેટ્ટીએ પણ બોલીવુડ પર ટિપ્પણી કરી છે. તેમના નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેતા તેમની ફિલ્મ ‘કાંતારા’માં (Kantara) તેમના અભિનયના કારણે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતા.
સોશિયલ મીડિયા માધ્યમ X પર એક યુઝરે અભિનેતા ઋષભ શેટ્ટીનો (Rishabh Shetty) વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં ઋષભ શેટ્ટી બોલીવુડ ફિલ્મોની ટીકા કરતાં જણાઈ રહ્યા છે. વિડીયો અનુસાર તેઓ કન્નડ ભાષામાં આ અંગે વાતચીત કરી રહ્યા છે, પરંતુ યુઝરે અભિનેતાના નિવેદનનું ભાષાંતર તેની પોસ્ટમાં લખ્યું હતું.
RISHAB SHETTY: Indian films, especially Bollywood shows India in a Bad light, touted as art films, getting invited to global event, red carpets.
— Christopher Kanagaraj (@Chrissuccess) August 20, 2024
My nation, My state, My language-MY PRIDE, why not take it on a +ve note globally & that's what I try to do.
pic.twitter.com/qR2NQkDe6J
ઋષભ શેટ્ટીએ કહ્યું હતું કે “ભારતીય ફિલ્મો, ખાસ કરીને બોલીવુડની (Bollywood) ફિલ્મો ભારતની છબી ખરાબ કરે છે. આ બધી જ ફિલ્મોને વૈશ્વિક ઇવેંટ્સમાં આમંત્રિત કરવામાં આવે છે, તથા તેમને રેડ કાર્પેટ પણ આપવામાં આવે છે. મારો દેશ, મારૂ રાજ્ય, મારી ભાષા, મારૂ ગૌરવ. આને વૈશ્વિક સ્તર પર પોઝિટિવ રૂપમાં લેવાની જરૂર છે અને હું એ જ કરવાનો પ્રયત્ન કરું છું.”
અભિનેતાની નવી ફિલ્મ છે ‘લાફિંગ બુદ્ધા’
ઉલ્લેખનીય છે કે ઋષભ શેટ્ટી હાલ તેમની આગામી ફિલ્મ ‘લાફિંગ બુદ્ધા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે અપકમિંગ ફિલ્મના પ્રમોશનના ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે બોલીવુડ પર નિશાન સાધ્યું હતું. બોલીવુડને જાણે નેગેટિવ પબ્લિસિટીની આદત પડી ગઈ હોય એમ મોટાભાગની ફિલ્મો કોઈકને કોઈક રીતે વિવાદોમાં ઘેરાતી જ હોય છે.
બોલીવુડની ફિલ્મો આ પહેલા પણ આવા વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. આ અગાઉ PK, OMG, OMG2 ફિલ્મો હિંદુ ધર્મની લાગણી દુભાવવા મામલે વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. સંજયલીલા ભણસાલીની ફિલ્મ પણ તેના નામના મામલે વિવાદોમાં ઘેરાઈ હતી, ઉપરાંત તેમાં જાતિ વિશેષનો ઉલ્લેખ પણ હતો. પરંતુ તેનો ખૂબ વિરોધ થતાં તેમણે ફિલ્મનું નામ બદલી દીધું હતું. આ ઉપરાંત પદમાવત ફિલ્મ પણ આવા જ વિવાદોનો સામનો કરી ચૂકી છે.
નોંધનીય છે કે દક્ષિણના અભિનેતા ઋષભ શેટ્ટી તેમની ફિલ્મ ‘કાંતારા’ રીલીઝ થયા બાદ ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે. આ ફિલ્મ વર્ષ 2022માં કન્નડ ભાષામાં રીલીઝ થઈ હતી, બાદમાં તેનું અન્ય ભાષાઓમાં ડબિંગ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ‘કાંતારા’ ફિલ્મને નેશનલ ઍવોર્ડ મળ્યો છે. અભિનેતા ઋષભ શેટ્ટીને પણ આ જ ફિલ્મ માટે નેશનલ ઍવોર્ડ પ્રાપ્ત થયો છે. આ ફિલ્મ માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ ડબ થયા બાદ અન્ય રાજ્યોમાં પણ ખૂબ પ્રસિદ્ધ થઈ હતી.