24 ફેબ્રુઆરી 2020ના દિવસે દિલ્હી ખાતે થયેલાં હિંદુવિરોધી રમખાણો દરમિયાન મુસ્લિમ ભીડે મૌજપુર વિસ્તારમાં ફરજ પર તહેનાત પોલીસ બળ પર હુમલો કર્યો હતો. જેમાં દિલ્હી પોલીસના 42 વર્ષીય હેડ કોન્સ્ટેબલ રતનલાલ વીરગતિ પામ્યા હતા. બલિદાની રત્ન લાલ દિલ્હીના બુરાડી વિસ્તારના અમૃત વિહારમાં પરિવાર સાથે રહેતા હતા. ઑપઇન્ડિયાએ રતનલાલના પરિવારની સ્થિતિ જાણવા માટે તેમનો સંપર્ક કર્યો હતો.
ફેબ્રુઆરી 2022માં અમે રતનલાલ ઘરે જઈને વિગતો મેળવીને પરિવારની પરિસ્થિતિ અને તેમની ગેરહાજરીમાં પત્નીના સંઘર્ષ વિશે જણાવ્યું હતું. ત્યારે એ વિગતો પર પણ પ્રકાશ પાડ્યો હતો કે કઈ રીતે સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ અધૂરા જ રહી ગયા હતા. હવે એક વર્ષ બાદ ઑપઇન્ડિયાની ટીમ ફરીથી રતનલાલના ઘરે પહોંચી અને તેમના પરિવારની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.
ઑપઇનિયાએ બલિદાની રતનલાલની પત્ની પૂનમ સાથે વાત કરી હતી. પૂનમે અમને જણાવ્યું કે લગભગ 1 વર્ષ પહેલાં તેઓ દિલ્હી છોડી ચૂક્યાં છે. હવે તેઓ રાજસ્થાનના પાટનગર જયપુરમાં બાળકો સાથે રહે છે. અહીં તેમનું પિયર છે. ત્રણ સંતાનો (2 પુત્રીઓ, 1 પુત્ર) જયપુરમાં રહીને જ અભ્યાસ કરે છે.
જ્યારે અમે રતનલાલનાં પત્ની પૂનમને દિલ્હી છોડવાનું કારણ પૂછ્યું તો તેમણે ખરાબ આર્થિક પરિસ્થિતિ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દિલ્હી સરકાર દ્વારા 2 હિસ્સામાં મળેલા 1 કરોડ રૂપિયા ધીમે-ધીમે ખર્ચાઈ રહ્યા હતા અને દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવેલી સરકારી નોકરી પણ હાલ અભ્યાસ કરતા સગીર પુત્રના નામે રિઝર્વ કરવામાં આવી છે. રતનલાલનું પેન્શન આવી રહ્યું છે પણ રોજબરોજનાં કામોમાં ખર્ચ થઇ જાય છે. આ સંજોગોમાં જમાપૂંજી ખર્ચ થવી એ ભવિષ્ય માટે સંકટ જેવું લાગી રહ્યું હતું, જેથી આખરે તેઓ પિયર આવી ગયાં.
રતનલાલની પત્નીએ અમને જણાવ્યું કે તેમણે અનેક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈ-મેઈલ અને પત્ર લખીને બુરાડી વિસ્તારની કોઈ શાળામાં નોકરી માંગી હતી પરંતુ તેમના પત્રો પર કોઈ ધ્યાન આપવામાં નહીં આવ્યું. તેમણે જણાવ્યું કે હવે તેઓ દિલ્હીના ઉપરાજ્યપાલ સમક્ષ પણ પત્ર દ્વારા રજૂઆત કરશે. અમને જણાવવામાં આવ્યું કે જો તેમને દિલ્હીમાં નોકરી મળી જાય તો ફરી પરિવાર સાથે દિલ્હી આવી જશે. તેમની પાસે MA, B.Edની ડિગ્રી છે.
રતનલાલની પત્નીએ અમને આગળ જણાવ્યું કે તેમના પતિ વીરગતિ પામ્યા બાદ કેજરીવાલે તેમને નોકરી આપવાનો વાયદો કર્યો હતો પરંતુ હજુ એ પૂરો થયો નથી. તેમના અનુસાર જે. પી નડ્ડાએ પણ તેમને 1 કરોડની મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ તે પણ હજુ મળ્યા નથી. આ સાથે તેમણે કહ્યું કે, ગયા વર્ષે ઑપઇન્ડિયાને ઇન્ટરવ્યૂ આપતી વખતે જે કંઈ ખામીઓ ગણાવી હતી તેમાંથી એક પર પણ અમલ કરવામાં આવ્યો નથી અને તમામ વાયદાઓ અને દાવાઓ ઠેરના ઠેર છે.
પૂનમે અમને જણાવ્યું કે બુરાડી વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંજીવ ઝાના આદેશના કારણે તેમનું દિલ્હી સ્થિત ઘર માટીમાં દબાઈ ગયું છે. તેમણે જણાવ્યું કે, સંજીવ એ ક્ષેત્રમાં કંઈ કામ કરાવી રહ્યા હતા જેના કારણે તેમનું ઘર દબાઈ ગયું છે અને તેને ફરી ઉપર લાવવા માટે બહુ મોટી રકમ ખર્ચાશે. ઘરે તાળું લગાવી દેવા પાછળ તેમણે આ પણ એક કારણ જણાવ્યું હતું. તેમણે એ પણ ઉમેર્યું કે માટીમાં દબાઈ જવાના કારણે તેઓ ઘર ભાડે પણ આપી શક્યાં નથી.
પૂનમે આગળ જણાવ્યું કે તેઓ પોતાના પતિના બલિદાન દિવસ પર જયપુર શહેર સ્થિત એક શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. તેમણે કહ્યું કે હવે મીડિયાથી લઈને વિભાગ અને નેતાઓના ફોન આવવાના બંધ થઇ ગયા છે. પીડા વ્યક્ત કરતાં તેઓ કહે છે કે, ઘણાને બલિદાની માત્ર 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે જ યાદ આવે છે.