હિમાચલ પ્રદેશના શિમલાના સંજૌલીમાં (Sanjauli) ગેરકાયદેસર મસ્જિદને (Mosque) લઈને તાજેતરમાં ભારે વિવાદ સર્જાયો હતો. મામલો કોર્ટમાં પહોંચતાં અનેક તબક્કામાં સુનાવણી બાદ શનિવારે (5 ઑક્ટોબર) ચુકાદો સંભળાવવામાં આવ્યો. જે અનુસાર, મસ્જિદના ત્રણ માળ તોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ નિર્ણય નગર નિગમ કમિશનર કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આ આદેશ વચગાળાનો છે. આગળની સુનાવણી હવે 21 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
કોર્ટે ત્રણ માળ હટાવવા માટે મસ્જિદના સંચાલકોને 2 મહિનાનો સમય આપ્યો છે. નોંધનીય છે કે આ મામલે સંજૌલી મસ્જિદ સમિતિએ જ આગળ પડીને 12 સપ્ટેમ્બરના રોજ એક અરજી કમિશનરને સોંપી હતી, જેમાં ઉપરના ત્રણ માળ હટાવવા માટેની તૈયારી દર્શાવી હતી. આખરે કોર્ટે એ જ પ્રમાણે આદેશ આપ્યો.
આ સાથે કોર્ટે સંજૌલી મસ્જિદની આસપાસ રહેતા એક સ્થાનિક વ્યક્તિની આ કેસમાં પાર્ટી બનવાની માંગ કરતી અરજી પણ રદ કરી દીધી હતી. આ મામલે લગભગ સવા કલાક સુધી દલીલો થઈ, ત્યારબાદ કોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો.
શું છે સમગ્ર વિવાદ?
વિવાદ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલીનો છે. અહીં એક મસ્જિદ આવેલી છે. પહેલાં તેના બે જ માળ હતા, પરંતુ પછીથી 2010માં નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું અને ગેરકાયદેસર રીતે ઉપર અન્ય માળ તાણી બાંધવામાં આવ્યા. 2010માં જ નગર નિગમે આ મામલે નોટિસ આપી હતી અને 2020 સુધી અનેક વખત નોટિસ આપવામાં આવતી રહી, પણ તેને ઘોળીને પી જઈને મસ્જિદ સમિતિએ પાંચ માળનું બાંધકામ કરી દીધું.
સ્થાનિકોનું કહેવું છે કે પહેલાં અહીં બે જ માળ હતા અને માપસર સંખ્યામાં લોકો આવતા. પરંતુ ગેરકાયદેસર બાંધકામ થયા બાદ મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો નમાજ પઢવા માટે આવવા માંડ્યા અને તેમાંથી અમુક બહારના પણ હતા.
હિંદુ યુવક સાથે મારપીટ બાદ ચગ્યો વિવાદ
દરમ્યાન, ગત 31 ઑગસ્ટના રોજ એક હિંદુ યુવક સાથે મુસ્લિમ યુવકોએ કોઈ વાતે મારપીટ કરી હતી. જે મામલે પછીથી 6ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે આ આરોપીઓ મસ્જિદમાં સંતાઈ ગયા હતા. જેના કારણે ફરી એક વખત મસ્જિદના ગેરકાયદેસર બાંધકામનો વિરોધ શરૂ થયો અને ત્યારબાદ તેમાં હિંદુ સંગઠનો પણ જોડાયાં.
આ વિરોધ પ્રદર્શન ત્યારબાદ મોટાપાયે થયું અને હિંદુઓએ ગેરકાયદેસર મઝહબી બાંધકામ સામે અવાજ ઉઠાવ્યો હતો અને હટાવવાની માંગ કરી હતી. પછીથી અન્ય શહેરોમાં પણ આ વિરોધની આગ પ્રસરી અને ત્યાં પણ આવાં મઝહબી બાંધકામો વિરુદ્ધ પ્રદર્શનો થયાં હતાં.