Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયા‘બાંગ્લાદેશના તાજા ઘટનાક્રમ પાછળ USનો હાથ’: દેશ છોડ્યા બાદ શેખ હસીનાનું પહેલું...

    ‘બાંગ્લાદેશના તાજા ઘટનાક્રમ પાછળ USનો હાથ’: દેશ છોડ્યા બાદ શેખ હસીનાનું પહેલું નિવેદન, કહ્યું- સેન્ટ માર્ટિન ટાપુ પરનો દાવો છોડી દીધો હોત તો હજુ સત્તામાં હોત

    શેખ હસીના કહે છે કે, જો હું વધુ સમય સત્તામાં રહી હોત તો વધુ લોકો માર્યા ગયા હોત અને દેશની સંપત્તિને નુકસાન થયું હોત. તેના કારણે મારે દેશ છોડવાનો અત્યંત કઠિન નિર્ણય લેવો પડ્યો.

    - Advertisement -

    ક્વોટા સિસ્ટમ વિરૂદ્ધ ‘વિદ્યાર્થીઓ’ના આંદોલન અને પ્રદર્શનોમાં થયેલી હિંસાને પગલે બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડવાની ફરજ પડી હતી. હાલ તેમણે ભારતમાં શરણ લીધું છે. તાજા ઘટનાક્રમ બાદ પહેલી વખત તેમણે મીડિયા સાથે સંવાદમાં આ બધા પાછળ અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે, પોતે સેન્ટ માર્ટિન ટાપુનું સર્વભૌમત્વ છોડી દીધું હોત તો તેઓ હજુ પણ સત્તા પર જ હોત. 

    ઇકોનોમિક ટાઇમ્સે શેખ હસીનાનો સંપર્ક કર્યો હતો. તેમણે આપેલા નિવેદનમાં શેખ હસીનાએ કહ્યું કે, “મેં રાજીનામું એટલા માટે આપ્યું, કારણ કે હું વધુ લાશો પડતી જોવા માંગતી ન હતી. તેઓ વિદ્યાર્થીઓની લાશ પર રાજકારણ કરીને સત્તા પર આવવા માંગતા હતા, પણ મેં રાજીનામું આપીને એ થવા દીધું નહીં. જો મેં સેન્ટ માર્ટિન ટાપુ પરનો દાવો છોડી દીધો હોત અને અમેરિકાને બંગાળની ખાડીમાં પ્રવેશવા દીધું હોત તો હું હજુ પણ સત્તામાં જ હોત. હું મારા લોકોને વિનંતી કરું છું કે તેઓ કટ્ટરપંથીઓની વાતોમાં ન આવે.”

    વાસ્તવમાં સેન્ટ માર્ટિન એ બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં અને બાંગ્લાદેશના દક્ષિણ ભાગમાં આવેલો એક 3 કિલોમીટર વર્ગ વિસ્તાર ધરાવતો ટાપુ છે. મ્યાનમારના ઉત્તર પશ્ચિમ કિનારેથી તેનું અંતર માત્ર 8 કિલોમીટર છે. આ ટાપુને લઈને બાંગ્લાદેશ-મ્યાનમાર વચ્ચે અવારનવાર વિવાદ થતો રહે છે. 

    - Advertisement -

    શેખ હસીના કહે છે કે, જો હું વધુ સમય સત્તામાં રહી હોત તો વધુ લોકો માર્યા ગયા હોત અને દેશની સંપત્તિને નુકસાન થયું હોત. તેના કારણે મારે દેશ છોડવાનો અત્યંત કઠિન નિર્ણય લેવો પડ્યો. અનેક નેતાઓ માર્યા ગયા હોવાના અને અનેક કાર્યકર્તાઓને હેરાન કરીને તેમનાં ઘેરોને ટાર્ગેટ કરવામાં આવતાં હોવાના સમાચાર સાંભળીને હું વ્યથિત છું.”

    શેખ હસીનાએ આ દરમિયાન સત્તામાં પરત ફરવાના પણ સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, હું ફરીથી પરત ફરીશ. આવામી લીગ (તેમની પાર્ટી) ફરી-ફરી ઉભી થઈ છે. આ સાથે વિદ્યાર્થીઓને પણ અપીલ કરીને કહ્યું કે, તેઓ દેશને અસ્થિર કરવાના ઈરાદા ધરાવતા કટ્ટરપંથીઓની વાતમાં ન આવે અને પોતે ક્યારેય વિદ્યાર્થીઓને રઝાકાર કહ્યા નથી. 

    નોંધવું જોઈએ કે, આ પહેલાં એપ્રિલ મહિનામાં શેખ હસીનાએ સંસદમાં કહ્યું હતું કે અમેરિકા દેશમાં સત્તા પરિવર્તન કરવાનાં કાવતરાં રચી રહ્યું છે અને એવી સરકાર લાવવા માંગે છે, જેનું કોઇ લોકતાંત્રિક અસ્તિત્વ ન હોય. 

    બીજી તરફ, શેખ હસીનાના નજીકના આવામી લીગના નેતાઓએ પણ તાજા ઘટનાક્રમ માટે અમેરિકાને જ દોષ આપ્યો છે. તેમણે કહ્યું કે, મે મહિનામાં ઢાકાની (બાંગ્લાદેશનું પાટનગર) મુલાકાત લેનાર અમેરિકાના એક વરિષ્ઠ રાજદ્વારી આ બધા પાછળ જવાબદાર છે. એમ પણ આરોપ લગાવવામાં આવ્યો કે આ ડિપ્લોમેટ શેખ હસીના પર ચીન વિરુદ્ધ પગલાં લેવા માટે દબાણ કરતા હતા. 

    નોંધવું જોઈએ કે ડિસેમ્બર, 2023માં રશિયાના વિદેશ મંત્રાલયે પણ કહ્યું હતું કે, જો આગામી ચૂંટણીમાં શેખ હસીના ફરીથી સત્તા પર આવે તો અમેરિકા કોઇ પણ રીતે પોતાની સત્તા વાપરીને તેમને હટાવી દેશે. તે સમયે રશિયાએ અનુમાન વ્યક્ત કર્યું હતું કે અમેરિકા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પ્રદર્શનોનો ઉપયોગ કરીને આ કામ પાર પાડશે, જે છ મહિના બાદ શક્ય પણ બનતું દેખાયું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં