હાલમાં એક મીડિયા રીપોર્ટે ફરી મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ મચાવી છે. જેના અનુસાર ઉપ મુખ્યમંત્રી અજિત પવારે પોતાના કાકા શરદ પવાર અને તેમની સાંસદ દીકરી સુપ્રિયા સુલેને કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી બનવાની ઓફર આપી છે. કથિત રીતે આ પ્રસ્તાવ 12 ઓગસ્ટ 2023ના રોજ શરદ પવાર સાથે થયેલી ‘સિક્રેટ મીટીંગ’માં આપવામાં આવ્યો હતો.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ અજિતની આ ઓફરનો દાવો કોંગ્રેસના એક પૂર્વ મુખ્યમંત્રીના હવાલેથી કર્યો છે. જોકે અહેવાલમાં આ નેતાની ઓળખ નથી આપવામાં આવી, રીપોર્ટમાં આ બેનામી મુખ્યમંત્રીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, “અજિતે પોતાના કાકાને કહ્યું હતું કે તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં કૃષિ મંત્રી કે પછી નીતિ આયોગ ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવશે. તો બીજી તરફ સુપ્રિયા સુલે અને જયંત પાટિલને ક્રમશઃ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સ્થાન આપવામાં આવશે.” શરદ પવાર અને તેમની સાંસદ દીકરી સુપ્રિયા સુલેને કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી બનશે તેવી અટકળો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રીએ તેવો પણ દાવો કર્યો છે કે શરદ પવારે ભત્રીજાના આ પ્રસ્તાવને સ્વીકારવાની ના પડી દીધી હતી. સાથે જ કહેવામાં આવ્યું છે કે તેઓ કોઈ પણ રીતે ભાજપ સાથે ગઠબંધન નહીં કરે.
શરદ પવાર અને અજિત પવારે 12 ઓગસ્ટના રોજ પુણે સ્થિત ઉદ્યોગપતિ અતુલ ચોરડિયાના ઘરે ‘સિક્રેટ મીટીંગ‘ કરી હતી. શરદ પવાર સાથેની આ બેઠકમાં જયંત પાટીલ પણ હાજર રહ્યા હતા. કાકા-ભત્રીજાની આ મુલાકાત અંગે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે, શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસના પૂર્વ વડા પૃથ્વીરાજ ચવ્હાણે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ અને શિવસેના (UBT)એ કહ્યું હતું કે એનસીપીમાં ભાગલા પાડ્યા બાદ અજિત પવાર એનડીએમાં સામેલ થયા છે, તેથી શરદ પવારે તેમને ન મળવું જોઇએ.
નાના પટોલેએ પણ કહ્યું હતું કે આવી બેઠકો સ્વીકારવામાં નહીં આવે. આ અંગે રાહુલ ગાંધીને પણ જાણ કરવામાં આવી છે. તો બીજી તરફ યુબીટી શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, “અજિત પવારને પવાર સાહેબે બનાવ્યા હતા. શરદ પવારને અજિત પવારે નથી બનાવ્યા. પવાર સાહેબે સંસદીય રાજકારણમાં 60 વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. તેઓ ચાર વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ કેન્દ્રીય મંત્રી પણ હતા. શરદ પવારનું કદ મોટું છે. આ જુનિયર્સ છે, તેઓ શું ઓફર આપવાના?”
#WATCH | On media reports quoting a former Congress CM that Ajit Pawar offered Sharad Pawar berth in Union Cabinet, Shiv Sena (UBT) leader Sanjay Raut says, "…Ajit Pawar is not that big a leader that he can make an offer to Sharad Pawar. Pawar Sahab made Ajit Pawar, Ajit Pawar… pic.twitter.com/vIITpckVrV
— ANI (@ANI) August 16, 2023
તે એક પારિવારિક બેઠક હતી- શરદ પવાર
શરદ પવારે અજિત પવાર સાથેની ‘સિક્રેટ મીટીંગ’ને પારિવારિક મુલાકાત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ તેમના ભત્રીજા છે અને પરિવારના સભ્યને મળવામાં કંઈ ખોટું નથી. તેમણે કહ્યું હતું કે જો પરિવારનો કોઈ વરિષ્ઠ વ્યક્તિ બીજા સભ્યને મળવા માંગે છે, તો પછી કોઈને પણ તેની સાથે કોઈ સમસ્યા ન હોવી જોઈએ.
તેમણે એનસીપીને પોતાની પાર્ટી ગણાવતા કહ્યું કે, તેઓ તેમની પાર્ટી, કોઇ પણ કિંમતે ભાજપ સાથે નહીં જાય. અજીત પવારનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે, પાર્ટીના કેટલાક લોકોએ અલગ જ વલણ અપનાવ્યું છે. કેટલાક શુભેચ્છકો પોતાનું વલણ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા થઈ રહી છે. નોંધનીય છે કે 2 જુલાઈએ અજિત પવારના નેતૃત્વમાં એનસીપીનું એક જૂથ મહારાષ્ટ્રમાં એનડીએ સરકારમાં સામેલ થયું હતું.