વડોદરા શહેરમાં એક ઇસમે ધોળા દહાડે ઘરમાં ઘૂસીને એક મહિલાની હત્યા કરી નાંખી હોવાનો ચકચારી બનાવ બન્યો છે. તેની ઓળખ શાહરૂખ ખાન પઠાણ તરીકે થઇ છે. તે પરિણીતા સાથે એકતરફી પ્રેમમાં હતો અને તેના લગ્ન થઇ જતાં તેની હત્યા કરવા માટે આવ્યો હતો. પરંતુ તેની સાસુ વચ્ચે આવી જતાં ચાકુ મારીને તેમની હત્યા કરી નાંખી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
રિપોર્ટ અનુસાર, વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલ જયઅંબે ફ્લેટ્સ નામની સોસાયટીમાં રહેતા ઠાકોરભાઈના પુત્ર અશ્વિનનાં લગ્ન બે મહિના પહેલાં ભાવના નામની યુવતી સાથે થયાં હતાં. અશ્વિન-ભાવના અને તેના માતા-પિતા એમ કુલ ચાર વ્યક્તિઓ ઘરમાં રહેતા હતા.
વડોદરાના માંજલપુર પોલીસ મથકે યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારે બપોરે અઢી વાગ્યાના અરસામાં તે અને તેની સાસુ બંને ઘરે હતાં તે દરમિયાન શાહરૂખ પઠાણે અન્ય એક ઈસમ સાથે આવીને દરવાજો ખખડાવ્યો હતો અને જે યુવતીની સાસુએ ખોલતાં શાહરૂખે તીક્ષ્ણ હથિયાર વડે તેમના ગળાના ભાગે જીવલેણ ઘા કરી નીચે પાડી દીધાં હતાં.
શાહરૂખે હાથ પકડીને ‘હું તને પ્રેમ કરું છું’ કહીને કેસ કરવા પર મારી નાંખવાની ધમકી આપી
ફરિયાદ મુજબ, સાસુ પર હુમલો કરી શાહરૂખ યુવતી પાસે આવ્યો હતો અને ‘મેં તારી સાસુને મારી નાંખેલ છે અને કેસ કરીશ તો તને અને તારા પતિને પણ જાનથી મારી નાંખીશ’ જેવી ધમકીઓ આપી હતી. જેના કારણે યુવતી ગભરાઈ જતાં જીવ બચાવવા માટે મકાનની બહાર નીકળી જતાં શાહરૂખે તેનો હાથ પકડીને ‘હું તને પ્રેમ કરું છું’ તેમ કહીને યુવતીના હાથમાં રહેલો વીવો ફોન પણ ઝુંટવી લીધો હતો. જે બાદ બંને ફરાર થઇ ગયા હતા.
યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શાહરૂખ પઠાણ તેના પિયર પાસે રહે છે અને જેને તે લગ્ન પહેલાંથી ઓળખે છે. યુવતીએ ફરિયાદમાં બીજા શખ્સને ઓળખવાનો ઇનકાર કર્યો છે. જોકે, આરોપીઓ પકડાઈ ગયા બાદ ખુલ્યું હતું કે શાહરૂખ સાથે તેનો મિત્ર અઝીઝ પઠાણ આવ્યો હતો. જે બંને હત્યા કરીને ભાગી છૂટ્યા હતા.
હત્યા બાદ યુવતી ગભરાઈ જઈને બાજુના મકાનમાં જતી રહી હતી અને દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદ બંને આરોપીઓ ફરાર થઇ ગયા બાદ આવીને જોતાં તેનાં સાસુ લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતાં. ત્યારબાદ ફોન કરી સબંધીઓ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
બંને આરોપીઓ પકડાયા
માંજલપુર પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી આઇપીસી કલમ 302, 392, 506 (2), 114˛તેમજ મોટર વાહન અધિનિયમ 135 અને SC-ST એક્ટની કલમ 3(2) (va), 3 (2) (V) હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે અઝીઝની પણ ધરપકડ કરી લીધી હતી.
વડોદરા પોલીસની પૂછપરછમાં આરોપી શાહરૂખ પઠાણે જણાવ્યું હતું કે, તે પરિણીતા સાથે પ્રેમમાં હતો અને તેના લગ્ન થઇ જતાં તેની હત્યા કરવા માટે આવ્યો હતો પરંતુ તેની સાસુ સામે આવી જતાં તેમની હત્યા કરી નાંખી હતી. તે યુવતીને હેરાન કરતો હોવાની ફરિયાદ પણ અગાઉ કરવામાં આવી હતી.
આ અંગે વડોદરાના ડીસીપી યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, પહેલાના પ્રેમસબંધમાં અદાવત રાખીને શાહરૂખ પઠાણે આ હુમલો કર્યો હતો. શાહરૂખને પોલીસે એક કલાકમાં જ પકડી પાડ્યો હતો અને તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.