દિલ્હીની એક બાળકોની હૉસ્પિટલમાં આગ લાગવાના કારણે 6 નવજાત બાળકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય અમુક ઈજાગ્રસ્ત છે, જેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના દિલ્હીના વિવેક વિહાર સ્થિત બેબી કેર સેન્ટરમાં બની હતી.
ઘટના રાત્રે લગભગ 11:30 આસપાસ બની હતી. અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર ટેન્ડરોએ ઘટનાસ્થળે પહોંચીને એક તરફ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા અને બીજી તરફ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી.
#WATCH | Delhi: A massive fire broke out at a New Born Baby Care Hospital in Vivek Vihar
— ANI (@ANI) May 25, 2024
As per a Fire Officer, Fire was extinguished completely, 11-12 people were rescued and taken to hospital and further details are awaited.
(Video source – Fire Department) https://t.co/lHzou6KkHH pic.twitter.com/pE95ffjm9p
જાણવા મળ્યા અનુસાર, કુલ 12 બાળકોને બચાવી લેવામાં આવ્યાં હતાં, જેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. જોકે તેમાંથી 7 નવજાત શિશુ ન બચી શક્યાં. બાકીનાં પાંચ બાળકો હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.
ફાયર વિભાગે જણાવ્યું કે, તેમને 11:32 આસપાસ કૉલ મળ્યો હતો. ત્યારબાદ કુલ 16 ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યાં. આગ 2 ઇમારતોમાં પ્રસરી ગઇ હતી. જેમાંથી 1 હૉસ્પિટલ બિલ્ડીંગ છે. જ્યારે બાજુની બિલ્ડીંગના 2 ફ્લોરમાં પણ અસર થઈ હતી. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ ઓલવાઈ ગયા બાદનાં દ્રશ્યો જોતાં બધું જ બળીને ખાખ થઈ ગયેલું જોવા મળે છે.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પૂરતી તપાસ બાદ જ જાણી શકાશે તેમ જણાવવમાં આવ્યું છે.
આ પહેલાં શનિવારે (25 મે) સાંજે રાજકોટમાં આવેલા TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 27 લોકોનાં મોત થયાં હતાં. અચાનક આગ લાગતાં ગેમ ઝોનનું કામચલાઉ બાંધકામ તૂટી પડ્યું અને અંદર આગ લાગે તેવાં સાધનો વધુ હોવાના કારણે આગ પકડી લીધી હતી. આ દુર્ઘટનામાં પણ બાળકો મૃત્યુ પામ્યાં છે. આ મામલે રાજ્ય સરકારે SITની રચના કરી છે અને બીજી તરફ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
રાજકોટમાં પણ આગ લાગવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી, પણ શોર્ટ સર્કિટના કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.