જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) સુરક્ષાદળોન એક મોટી સફળતા મળી છે. પુલવામામાંથી હિઝબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahideen) સાથે સંકળાયેલા એક આતંકવાદીને (Terrorist) ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા આતંકીનું નામ સજ્જાદ અહેમદ ડાર (Sajjad Ahemad Dar) હોવાનું સામે આવ્યું છે. સુરક્ષાદળોને તેની પાસેથી ગ્રેનેડ સહિતના હથીયારો પણ મળી આવ્યા છે. એજન્સીઓએ ગુપ્તચર વિભાગની માહિતી આધારે દરોડા પાડીને તેને ઝડપ્યો છે. તે કાશ્મીરમાં રહીને આતંકવાદીઓ માટે સ્લીપર સેલનું કામ કરતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા એજન્સીઓએ ગયા મંગળવારે પુલવામામાંથી જ હિઝબુલના આતંકવાદી એવા મૌલવી દાનીશ શબ્બીરને ઝડપી લીધો હતો. તેને ત્યાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન સુરક્ષાદળોને કેટલાક પૂરાવાઓ મળ્યા હતા. આ પુરાવાઓના આધારે જ સજ્જાદ સુધી પહોંચવામાં મદદ મળી હતી. નોંધવું જોઈએ કે, દાનીશ પોતાના સ્કુટરની ડીક્કીમાં 10 હેન્ડ ગ્રેનેડ લઈને જઈ રહ્યો હતો, તે સમયે તેની ધરપકડ કરવામાં આવી હતી.
દાનીશની ધરપકડ બાદથી જ આખા વિસ્તારમાં સુરક્ષાદળો એલર્ટ મોડમાં આવી ગયા હતા. ત્યારબાદ સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યા. એજન્સીઓ પુલવામા અને તેની આસપાસના વિસ્તારોમાં બાજ નજર રાખીને બેઠી હતી અને ઝીણી-ઝીણી બાબતની સુચના મેળવી રહી હતી. આ દરમિયાન દરેક શંકાસ્પદ લોકો પર પણ નજર રાખવામાં આવી રહી હતી.
આ દરમિયાન સુરક્ષાદળોને સજ્જાદ વિશેના ઈનપુટ મળ્યા, ઈનપુટના આધારે જયારે દરોડા પાડવમાં આવ્યા અને તપાસ કરવામાં આવી તો વાસ્તવિકતા સામે આવી. તપાસમાં ખુલ્યું હતું કે, સજ્જાદ અહેમદ ડાર હિઝબુલ મુજાહિદ્દીનના મુખ્ય મદદગાર પૈકીનો એક છે. શરૂઆતમાં તેણે સુરક્ષાદળોને પૂછપરછમાં સહયોગ ન આપ્યો અને ગોળ-ગોળ વાતો કરી. બાદમાં જયારે તેની વિરુદ્ધના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા ત્યારે જઈને તેણે પોતે હિઝબુલ માટે કામ કરતો હોવાનું કબુલ્યું હતું.
નોંધનીય છે કે, આ આખું ઓપરેશન ભારતીય સેનાના 55 રાષ્ટ્રીય રાયફલ યુનિટ અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. સુરક્ષાદળોને તેની દુકાનમાંથી એક ઓટોમેટિક પિસ્તોલ, અઢળક જીવતા કારતુસ અને બે હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, સજ્જાદ હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબા માટે નવા ટેરર મોડ્યુલ પર કામ કરી રહ્યો હતો. તેઓ દાનીશ સાથે મળીને તેમના પાકિસ્તાની હેન્ડલરના ઈશારે સેના પર હુમલો કરવાના હતા. નોંધનીય છે કે, આ ધરપકડ બાદ કાશ્મીરમાં સુરક્ષાદળોએ ચોકસાઈ વધારી દીધી છે અને તેઓ સઘન સર્ચ ઓપરેશન ચલાવીને હાલ આતંકવાદ વિરુદ્ધ કામગીરી કરી રહ્યા છે.