કુશીનગરની મદની મસ્જિદ પર બુલડોઝર કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) યુપી પ્રશાસન પર કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આ કેસમાં અધિકારીઓને અવમાનના નોટિસ (Notice of Contempt) ફટકારી છે અને બે અઠવાડિયામાં તેનો જવાબ માંગ્યો છે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે, આગામી સુનાવણી સુધી મસ્જિદના કોઈપણ ભાગને વધુ નુકસાન ન પહોંચાડવામાં આવે.
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું કે, નોટિસ અને સુનાવણી વિના તોડફોડ કરવી એ અવમાનનાના દાયરામાં આવે છે. કોર્ટે યુપી પ્રશાસનને પૂછ્યું કે, તેમની સામે અવમાનનાની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ કેસમાં દોષિત અધિકારીઓને બક્ષવામાં આવશે નહીં અને જો આદેશોનું ઉલ્લંઘન જોવા મળશે તો વ્યક્તિગતરૂપે પણ જવાબદારી નક્કી કરવામાં આવશે.
Supreme Court issues notice to the concerned officials of Uttar Pradesh government for demolition action at a mosque in Kushinagar, in alleged violation of November 13, 2024, order restraining demolition actions across the country without prior notice and opportunity of hearing.… pic.twitter.com/gbU2r7CYOX
— ANI (@ANI) February 17, 2025
મસ્જિદ પ્રશાસન વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, 9 ફેબ્રુઆરી, 2025ના રોજ, કોઈપણ પૂર્વ સૂચના વગર પ્રશાસને મદની મસ્જિદના બાહ્ય ભાગ અને પ્રવેશદ્વારને તોડી પાડ્યો હતો. અરજદારોનો દાવો છે કે, આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટના 13 નવેમ્બર, 2024ના આદેશનું ઉલ્લંઘન છે, જેમાં નોટિસ અને સુનાવણી વિના કોઈપણ ઇમારત તોડી પાડવા પર રોક લગાવવામાં આવી હતી.
વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, મસ્જિદ માન્ય મંજૂરી સાથે ખાનગી જમીન પર બનાવવામાં આવી હતી અને તેને 1999માં નગરપાલિકા તરફથી મંજૂરી પણ મળી હતી. જોકે, એક સ્થાનિક નેતાની ફરિયાદ બાદ વહીવટીતંત્રે ડિસેમ્બર 2024માં મસ્જિદ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસ દરમિયાન, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે (SDM) પુષ્ટિ કરી કે મસ્જિદનું બાંધકામ કાયદાના દાયરામાં હતું. તેમ છતાં, 9 ફેબ્રુઆરીના રોજ, કોઈ સૂચના આપ્યા વિના, વહીવટીતંત્રે ભારે પોલીસદળ અને બુલડોઝર વડે મસ્જિદનો બહારનો ભાગ તોડી પાડ્યો હતો.
હવે આ મામલે યુપી સરકાર અને સંબંધિત અધિકારીઓએ બે અઠવાડિયામાં પોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે. ત્યાં સુધી મસ્જિદમાં કોઈપણ પ્રકારની તોડફોડ પર રોક લગાવવામાં આવી છે.