ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અનુસંધાને દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો સતત બે-ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્ય છે અને ઘણા જિલ્લાઓના ગામો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. રાજકોટનું ઉપલેટા બેટમાં ફેરવાઇ ગયું હોય એવી પરિસ્થિતી ઊભી થઈ છે.
સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા અને જુનાગઢને ધમરોળ્યા બાદ હવે મેઘરાજાએ રાજકોટને પણ ધમરોળી નાખ્યું છે. રાજકોટના ઉપલેટા તાલુકાનાં લાઠ, કુઢેચ, મજેઠી અને ભીમોરા ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તાલુકામાં 2 કલાકમાં લગભગ 12 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને હાલ પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. ઉપલેટામાં ભારે વરસાદના પરિણામે કમર સમા પાણી ભરાઈ ચૂક્યા છે જેના લીધે ઘણા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતર કરેલા લોકોને ગામની શાળાઓમાં રાખવામાં આવ્યા છે. આ સાથે જ સ્થાનિક તંત્ર પણ સક્રિય થઈ ચૂક્યું છે. સ્થળાંતરીત થયેલા લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર ખાતેના ઉપલેટાના લાઠ ગામમાં 2 જ કલાકમાં લગભગ 11 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. લાઠ ગામ ધોધમાર વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. ખેતરો પણ પાણીમાં ડૂબી ગયા છે. સમગ્ર પાક નિષ્ફળ જવાની સંભાવનાઓ છે. ગામમાં આવવા કે જવાના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે તેથી પ્રશાસન પણ મદદ માટે પહોંચી ન શકે એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમ છતાં બચાવ કામગીરીની ટીમો ખડેપગે છે. ઉલ્લેખનીય છે કે, આસપાસની નદીઓના પાણીના સ્તર પણ ઉપર આવી ચૂક્યા છે. જેના કારણે કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોમાં પાણી ઘૂસી ગયા છે.
નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં જરૂરી કરતાં 38 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે, પરંતું ઉત્તર ગુજરાતમાં હાલ 20થી 59 ટકા વરસાદની ઘટ છે. ત્યારે આગામી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. છેલ્લાં 14 કલાકમાં રાજ્યના કુલ 137 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરતમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
નોંધવા જેવુ છે કે, શનિવાર(20 જુલાઈ)ના રોજ પોરબંદર અને દ્વારકામાં આભ ફાટવાના કારણે ભારે હાલાકી સર્જાઈ હતી. પોરબંદર અને દ્વારકામાં 24 કલાકમાં 25 ઈંચ વરસાદ પડ્યો હતો. ઘેડ પંથકમાં ઓઝત અને ભાદર નદીનાં પાણી ફરી વળ્યાં જેનાથી ભારે તારાજી સર્જાઈ હતી. પોરબંદર અને દ્વારકાના લોકોનું પણ તાત્કાલિક સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું હતું અને પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરીથી સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થવાના કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે અને આ ગામોમાં માનવજીવન ઠપ થઈ ગયું છે. હાલ સ્થાનિક વહીવટી તંત્ર સક્રિય છે અને રેસ્ક્યુ ટીમો પણ 24 કલાક ખડેપગે છે.