કેન્દ્રીય એજન્સી CBIએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને (Satyapal Malik) એક કેસ મામલે પૂછપરછ માટે નોટિસ પાઠવીને હાજર રહેવા માટે જણાવ્યું છે.
CBI has asked me to come to their Delhi office to give clarification regarding the alleged insurance scam in J&K on 27th or 28th April: Former J&K Governor Satyapal Malik on alleged insurance scam involving Reliance General Insurance
— ANI (@ANI) April 21, 2023
(file photo) pic.twitter.com/t9kLr3Dvrp
સત્યપાલ મલિકે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના ઇન્સ્યોરન્સ સ્કેમને લઈને અમુક સ્પષ્ટીકરણ આપવા માટે CBIએ તેમને આગામી 27 કે 28 એપ્રિલના રોજ તેમની દિલ્હી સ્થિત ઓફિસે હાજર રહેવા માટે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે મલિક ભૂતકાળમાં જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
વર્ષ 2018માં સત્યપાલ મલિકને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવીને જમ્મુ-કાશ્મીર અને લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધા હતા. ત્યારબાદ મલિકને મેઘાલયના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.
સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોબર, 2019 સુધીના તેમના જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકેના કાર્યકાળ દરમિયાન બે ફાઈલોને મંજૂરી આપવા માટે લાંચ આપવાની ઓફર કરવામાં આવી હતી.
તેમણે ભાજપ નેતા રામ માધવ પર આરોપ લગાવીને કહ્યું હતું કે તેઓ એક સ્કીમ પાસ કરાવવા માટે તેમની પાસે આવ્યા હતા. જેને લઈને રામ માધવે સ્પષ્ટતા કરતાં આ વાત તદ્દન પાયાવિહોણી ગણાવી હતી અને સાથે સત્યપાલ મલિકને માનહાનિની નોટિસ પણ મોકલી હતી. તેમણે કહ્યું હતું કે, મલિક પ્રાસંગિક બની રહેવા માટે આ પ્રકારનાં નિવેદનો આપી રહ્યા છે.
મલિકે દાવો કર્યો હતો કે તેમને બંને વિભાગોના સચિવોએ જણાવ્યું હતું કે તે એક કૌભાંડ છે અને ત્યારબાદ તેમણે બંને ડીલ રદ કરી દીધી હતી. ત્યારબાદ ગત એપ્રિલમાં CBIએ સરકારી કર્મચારીઓ માટે સમૂહ ચિકિત્સા વીમા યોજનાના કોન્ટ્રાકટ અને કિરુ હાઈડ્રોઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ સબંધિત 2,200 કરોડના સિવિલ વર્કમાં સત્યપાલ મલિક દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો સબંધે બે FIR દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
આ મામલે CBIએ ગત ઓક્ટોબર મહિનામાં પણ સત્યપાલ મલિકને સમન્સ પાઠવીને પૂછપરછ કરી હતી. હવે ફરીથી તેમને અમુક સ્પષ્ટીકરણ આપવા માટે સમન્સ મોકલવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સત્યપાલ મલિક વિવાદોમાં આવ્યા હતા જ્યારે તેમણે પુલવામા હુમલાને લઈને મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા અને અન્ય મુદ્દાઓ ઉપર પણ ટિપ્પણીઓ કરી હતી. લેફ્ટિસ્ટ પ્રોપેગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે એ વાત પણ સ્વીકારી હતી કે તેમણે ખેડૂતોના મુદ્દે પીએમ મોદી સાથેની ચર્ચા બાદ ગૃહમંત્રી અમિત શાહને ટાંકીને મોદી વિશે જે નિવેદન આપ્યું હતું તે તેમણે જાતે જ બનાવી કાઢ્યું હતું અને અમિત શાહે તેવું કંઈ પણ કહ્યું ન હતું.