પશ્ચિમ બંગાળની આરજી કર મેડીકલ કોલેજ અને હોસ્પિટલનો બહુચર્ચિત રેપ વિથ મર્ડર કેસ નવા વળાંકો લઈ રહ્યો છે. ત્યારે હવે આ મામલે તપાસ એજન્સી CBIએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એજન્સીએ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના પૂર્વ ઇન્ચાર્જ અભિજીત મંડલ બંનેને સિયલદહની એડીશનલ ચીફ જજની કોર્ટમાં રજુ કર્યા હતા. CBI આ બંને જણને વધુ સમય ન્યાયિક કસ્ટડીમાં રાખવા માંગે છે અને તેના માટે તેમણે કોર્ટ પાસે તેમની ન્યાયિક કસ્ટડીની સમય મર્યાદા વધારવા અરજી પણ કરી છે. આમ કરવા પાછળ CBIએ આપેલું કારણ ચોંકાવનારૂ છે.
CBIએ આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને એજન્સીએ બંનેની ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ કરી હતી. એજન્સીએ કહ્યું હતું કે, સંદીપ ઘોષ અને પોલીસ અધિકારી અભિજીત મંડલ આ આખી ઘટનાને દબાવવા માંગતા હતા. એજન્સીએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, આ બંને આરોપીઓ બળાત્કાર અને ક્રૂર રીતે કરવામાં આવેલી આ ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
આ મામલે CBIએ કહ્યું છે કે, બળાત્કાર અને હત્યાના મામલે કોઈ મોટું કાવતરું થયું હતું અને તેઓ તે દિશામાં તપાસ કરી રહ્યા છે. એજન્સીના કહ્યા અનુસાર, પુરાવાઓ નષ્ટ કરવા અને બળાત્કાર અને હત્યાની ઘટના પર પડદો પાડીને તેને આત્મહત્યામાં ખપાવવા માટેના જે પ્રયત્નો કરવામાં આવ્યા તે તરફ પણ તપાસ કરવામાં આવી રહી છે. CBIએ પોતાના સબમિશનમાં તેમ પણ જણાવ્યું છે કે, ઘોષ અને મંડલ બંનેની 1 ઓક્ટોબરથી 3 ઓકટોબર સુધી જેલમાં પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. એજન્સીએ કોર્ટને જણાવ્યું છે કે બંનેમાંથી એકે પણ તપાસમાં સહયોગ નથી આપ્યો.
CBIના જણાવવા અનુસાર, બંને સવાલોના જવાબો આપવાનું ટાળી રહ્યા છે. CBIએ જણાવ્યું કે, ઘોષ અને મંડલે જે અન્ય સાક્ષીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી તે ડેટાની પુષ્ટિ કરવી જરૂરી છે. એજન્સીએ કહ્યું કે, “તાલા પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ, તેના DVR, હાર્ડ ડિસ્ક, અને બંને આરોપીઓના મોબાઈલ ફોનનો ડેટા FSLમાં આપી દેવામાં આવ્યા છે અને તેમાં જ પુષ્ટિ થઇ છે કે, તેઓ આરજી કર કેસને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.” એજન્સીએ કહ્યું કે, આ માટે બંનેની વધુ પૂછપરછ કરવાની જરૂર પડી શકે છે અને આ બધા કારણોસર એજન્સીએ કોર્ટ પાસે આ બંનેની કસ્ટડીનો સમય વધારવાની માંગ કરી છે.