ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલ (Sambhal) જિલ્લામાં 23 નવેમ્બર 2024ના રોજ થયેલી હિંસા (Violence) બાદ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. પરંતુ આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે પૈકીનું એક નામ નસીમ રઝા ઝૈદીનું (Naseem Raza zaidi) છે, જે પોતાને પત્રકાર ગણાવે છે. પોલીસે શનિવાર (7 ડિસેમ્બર 2024)ના રોજ નસીમની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરી છે. આરોપ છે કે, નસીમ માર્યા ગયેલા તોફાનીઓને ‘શહીદ’ ગણાવીને તેના નામે પૈસા પડાવી રહ્યો હતો.
પોલીસને બાતમી મળી હતી કે, નસીમ સોશિયલ મીડિયા પર ભડકાઉ મેસેજ ફેલાવીને લોકોને પોલીસ વિરુદ્ધ ભડકાવી રહ્યો છે. તે તોફાનીઓને ‘શહીદ’ કહીને તેમની પ્રશંસા કરી રહ્યો હતો અને પોલીસને હિંસક અને આક્રમક તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નસીમે QR કોડ જારી કરીને પૈસા ભેગા કરવાનું પણ શરૂ કર્યું હતું. તે દાવો કરી રહ્યો હતો કે, આ પૈસાનો ઉપયોગ હિંસામાં સામેલ લોકોની મદદ માટે કરવામાં આવશે.
कहने को पत्रकार,असल में जिहादी,संभल में नसीम ज़ैदी गिरफ़्तार,यही है मीडिया जिहाद !! pic.twitter.com/wNAmlCcvcG
— Dr. Shalabh Mani Tripathi (@shalabhmani) December 7, 2024
જ્યારે પોલીસે નસીમને પકડીને પૂછપરછ કરી તો તેણે પોતાની ઓળખ એક સમાચાર સંસ્થાના પત્રકાર તરીકે આપી હતી. પરંતુ જ્યારે પોલીસે સંસ્થા પાસેથી માહિતી લીધી તો જાણવા મળ્યું કે, નસીમનો દાવો ખોટો હતો. તેના ઓળખ કાર્ડ પણ નકલી નીકળ્યા હતા. પોલીસે નસીમની આ છેતરપિંડી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ અધિક્ષક સંભલના જણાવ્યા અનુસાર, નસીમ વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતા (BNS)ની કલમ 318, 338, 336 અને 340 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નસીમ રઝા ઝૈદીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હવે તેણે આટલા પૈસા ક્યાંથી ભેગા કર્યા અને ક્યાં વાપર્યા તે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ ધારાસભ્ય શલભ મણિ ત્રિપાઠીએ નસીમની કાર્યવાહીને ‘મીડિયા જેહાદ’ ગણાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધવા જેવું છે કે, 24 નવેમ્બરના રોજ સંભલની જામા મસ્જિદનો સરવે કરવા પહોંચેલી ટીમ પર સ્થાનિક મુસ્લિમ ટોળાંએ હુમલો કરી દીધો હતો. સરવે ટીમ પર પથ્થરમારો કર્યો હોવાના પણ અહેવાલ સામે આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તે સિવાય ટોળાંમાંથી કેટલાક શખ્સોએ ફાયરિંગ કરીને કેટલાક વાહનોને આગ ચાંપી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં ચાર તોફાનીઓના મોત પણ થયા હતા.