આઝમ અંસારી નામનાં વ્યક્તિની, કે જે પોતાની જાતને બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો કથિત હમશકલ માનેછે, લખનઉ પોલીસે 8મી મે ના રોજ શહેરના રસ્તાઓ પર શાંતિ ભંગ કરવા બદલ તેની ધરપકડ કરી હતી. 30 એપ્રિલે એક ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ થયા બાદ અંસારી સામે કાર્યવાહી કરવામાં આવી હતી જ્યાં તે ટ્રાફિકના કાયદાઓનો ઉલ્લંઘન કરીને રસ્તાની વચ્ચે શૂટિંગ કરી રહ્યો હતો. તેના આ સ્ટંટને કારણે લખનઉના ક્લોક ટાવરની આસપાસ ભારે ટ્રાફિક જામ થઈ ગયો. અન્સારી સામે સીઆરપીસીની કલમ 151 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
વીડિયોમાં તે સલમાન ખાનની હર દિલ જો પ્યાર કરેગા નામની ફિલ્મના ટાઈટલ સોંગ પર પરફોર્મ કરી રહ્યો હતો. તે સલમાન માફક ચાલતો હતો અને રસ્તાની વચ્ચે ઉભો રહી ગયો હતો, જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને અસુવિધા ઉભી થઈ હતી. તેની ધરપકડ બાદ, અન્ય ઘણી રીલ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ રસ્તાની વચ્ચે, સ્મારકો, ધાર્મિક સ્થળોની સામે અને રેલ્વે સ્ટેશન પર પણ બનેલી આવી અનેક રીલોથી ભરેલું છે.
લખનઉ પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ, પોલીસ સ્ટેશનમાંથી અંસારીના ફોટા પણ વાયરલ થયા હતા જેમાં તે પોતાના આ મફત પ્રચારથી ખુશ દેખાઈ રહ્યો હતો. પત્રકાર સૌરભ શર્માએ તેની તસ્વીર શેર કરીને લખે છે કે “સલમાન ખાનના ચાહકો ક્યારેય ઉદાસ થતા નથી. આઝમ અંસારી, સલમાન ખાનનો મોટો પ્રશંસક છે, તેની ઉત્તર પ્રદેશના લખનઉની શેરીઓમાં જ્યાં-ત્યાં નાચવા બદલ ધરપકડ કરવામાં આવી.”
ગાઝિયાબાદમાં ગર્લ્સ સ્કૂલની બહાર સ્ટંટ કરવા બદલ અન્ય એક યુવકની ધરપકડ
8 મેના રોજ દુષ્યંત કુમાર નામના અન્ય એક યુવકની તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગાઝિયાબાદ પોલીસે ધરપકડ કરી હતી, વિડીયોમાં તે સુશીલા ગર્લ્સ ઇન્ટર કોલેજની બહાર સ્ટંટ કરતો જોવા મળ્યો હતો.
ગાઝિયાબાદ નગર પોલીસ અધિક્ષકે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે છોકરીઓ કોલેજમાંથી બહાર આવી રહી હતી ત્યારે દુષ્યંતે સ્ટંટ કર્યો હતો. દુષ્યંત કુમાર સામે કાયદાકીય ધોરણો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
યુવકનો વીડિયો શેર કરતાં ભાજપના નેતા ડૉ શલભ મણિ ત્રિપાઠી લખે છે કે , “આજકાલના યુવાનો શાળાએ જવાને બદલે શાહરૂખ ખાનના પ્રશંશકો બની ગયા છે. આ યુવક પણ શાહરૂખ ખાનની માફકજ ગર્લ્સ કોલેજની બહાર સ્ટંટબાજી કરે છે.”
વધુમાં તેમણે ઉમેર્યું, “જો કે, તે ભૂલી ગયો છે કે યુપીની સત્તામાં સીએમ યોગી છે. હાલ આ યુવક પોલીસ કસ્ટડીમાં છે. તેને નૈતિક શિક્ષણ પર યોગ્ય પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.”