Saturday, February 1, 2025
More
    હોમપેજવગેરે...મનોરંજનસૈફ અલી ખાન પર હુમલો, લોકોના ગળે નથી ઉતરી રહી ‘ચોરીના પ્રયાસ’વાળી...

    સૈફ અલી ખાન પર હુમલો, લોકોના ગળે નથી ઉતરી રહી ‘ચોરીના પ્રયાસ’વાળી વાત: ઘરની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠી રહ્યા છે સવાલ, કરીના કપૂરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ ચર્ચામાં

    ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ લોકોના ગળે એ વાત ઉતરી રહી નથી કે એક ઇસમ આ રીતે અભિનેતાના ઘરમાં ઘૂસી જાય અને હુમલો કરી આવે.

    - Advertisement -

    અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પર તેમના જ ઘરમાં હુમલો થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સર્જરી કરવામાં આવી. અત્યાર સુધી સામે આવેલી વિગતો અનુસાર, રાત્રે સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો. એક ઇસમ ચોરીના ઈરાદે તેમના ઘરમાં ઘૂસી ગયો અને જ્યારે અભિનેતા સાથે સામસામે આવી ગયા તો ચાકુ મારી દીધું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. 

    હુમલા બાદ સૈફ અલી ખાનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સર્જરી કરવામાં આવી. લીલાવતી હૉસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે અભિનેતાને 6 ઘા વાગ્યા છે. જેમાંથી 2 ઘા ગંભીર છે. એક કરોડરજ્જુ નજીક વાગ્યો હતો. એક ઘા કાંડા પર વાગ્યો છે. જેના ઈલાજ માટે પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. જોકે અભિનેતા જોખમમાંથી બહાર છે એવું હૉસ્પિટલનું કહેવું છે. 

    બીજી તરફ, ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ લોકોના ગળે એ વાત ઉતરી રહી નથી કે એક ઇસમ આ રીતે અભિનેતાના ઘરમાં ઘૂસી જાય અને હુમલો કરી આવે. બાંદ્રા જેવા વિસ્તારમાં, એક અભિનેતાના ઘરમાં સુરક્ષા વ્યવસ્થા ન હોય કે સુરક્ષાકર્મીઓ હજાર ન હોય તે વાત લોકોના માનવામાં આવી રહી નથી અને હવે જાતજાતની થિયરીઓ ફરતી થઈ છે. 

    - Advertisement -

    એક જાણકારી એવી મળી છે કે હુમલો કરનાર સંભવતઃ પહેલેથી જ ઘરમાં હાજર હતો, કારણ કે CCTV ફૂટેજમાં મધ્યરાત્રિ પછી કોઈ વ્યક્તિ અંદર જતી જોવા મળી રહી નથી. આ સમયગાળો હુમલાના 2 કલાક પહેલાંનો છે. ઘટના 2:30 વાગ્યે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જણાવાય રહ્યું છે કે અડધી રાત્રે હુમલો કરનાર અને સૈફ અલી ખાનના ઘરે કામ કરતી મેઇડ વચ્ચે કોઈ વાતે બોલાચાલી થતી હતી ત્યારે સૈફ અલી ખાને જાગીને બહાર આવતાં હુમલો કરનાર મળી ગયો અને ત્યારબાદ તેણે અભિનેતા પર હુમલો કરી દીધો. પોલીસ એ જાણવાના પ્રયાસ કરી રહી છે કે હુમલો કરનાર મેઇડ સાથે સંબંધિત છે કે કેમ. જોકે, તેણે આ મહિલાને પણ ઈજાગ્રસ્ત કરી હતી, જેની પણ સારવાર ચાલી રહી છે. 

    અમુક યુઝરોનું કહેવું છે કે આ ઘટના માત્ર એક ‘ચોરી’ની ન હોય શકે અને અંડરવર્લ્ડ દ્વારા વસૂલી માંગવાનો કેસ હોય તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. 

    ઈન્ટરનેટ પર ચર્ચા એ ચાલી રહી છે કે હવે તો સામાન્ય એપાર્ટમેન્ટ્સ અને સોસાયટીઓમાં પણ સુરક્ષાકર્મીઓ તહેનાત હોય છે. સૈફ અલી ખાન જ્યાં રહે છે એ વિસ્તાર પૉશ એરિયા છે અને અનેક મોટી હસ્તીઓનાં રહેઠાણ આવેલાં છે. આ સંજોગોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હોય એ વાત માનવામાં આવી રહી નથી. બીજું, જો સુરક્ષાકર્મીઓ હાજર હોય તો હુમલો કરનાર આટલી સરળતાથી પહોંચી કઈ રીતે ગયો એ પણ એક પ્રશ્ન છે. અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે હુમલો કરનાર અંદરનો જ કોઈ માણસ હોય. 

    આ ચર્ચામાં ફિલ્મ પ્રમોશનનો એન્ગલ પણ સામે આવ્યો છે. અભિનેતાઓ પોતાની આવનારી ફિલ્મોના પ્રમોશન માટે અવારનવાર સ્ટન્ટ કરતા રહેતા હોય છે. એક યુઝરે સૈફ અલી ખાનની આગામી ફિલ્મ ચોરી પર જ આધારિત હોવાનું જણાવીને કહ્યું કે, આશા રાખીએ કે આ માર્કેટિંગ સ્ટન્ટ ન હોય, નહીંતર આ પ્રમોશનનું અત્યંત નીચલું સ્તર હશે. જોકે, હાલ આવી શક્યતાઓ ઓછી જણાય રહી છે. 

    આ બધામાં સૈફની પત્ની કરીના કપૂરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ ચર્ચાનું કારણ બની છે. કરીનાએ લગભગ રાત્રે 1-2 વાગ્યાની આસપાસ ઇન્સ્ટાગ્રામ ઉપર એક સ્ટોરી શૅર કરી હતી, જેમાં તે કરિશ્મા કપૂર અને સોનમ કપૂર વગેરે સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે. જેના વિશે અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. 

    ટૂંકમાં આ આખી વાત લોકોના ગળે ઊતરી રહી નથી અને હાલ અનેક થિયરીઓ ચર્ચામાં છે. હજુ સુધી ઠોસ બાબતો સામે આવી નથી, કારણ કે પોલીસ પણ તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસ પ્રાથમિક તપાસ બાદ જાણકારી આપે ત્યારપછી જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં