જયપુરથી મુંબઈ જતી ટ્રેનમાં પાલઘર નજીક સોમવારે (31 જુલાઈ,2023) સવારે અંદાજે 5 વાગ્યે રેલવે સુરક્ષા દળના (RPF) એક કૉન્સ્ટેબલે પોતાના ઉપરી અધિકારી પર ફાયરિંગ કર્યું હતું. જેમાં ASI સહિત 3 યાત્રિકોના પણ મોત થયાં હતાં. પોલીસે આરોપી કૉન્સ્ટેબલ ચેતનની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના મહારાષ્ટ્રના પાલઘરની હોવાનું સામે આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, જયપુર-મુંબઈ ટ્રેનના B-5 કોચમાં કૉન્સ્ટેબલે ફાયરિંગ કર્યું હતું. રેલવે સુરક્ષા દળના કૉન્સ્ટેબલ ચેતન અને તેના ઉપરી અધિકારી વચ્ચે મૌખિક ઝઘડો થયો હતો. ત્યારબાદ ચેતને તેમના અધિકારી પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટના વખતે ટ્રેન પાલઘર અને મુંબઈની વચ્ચે દહિસર વિસ્તારમાં પહોંચી હતી. ASIને ગોળી વાગતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. તેમની આસપાસ રહેલા યાત્રીઓએ અચાનક થયેલ આ હુમલાથી બચવાના પ્રયાસ કર્યા હતા તેમ છતાં 3 યાત્રિકોના પણ મોત નિપજ્યા હતાં. ફાયરિંગ દરમિયાન અમુક ગોળીઓ કાચ તોડી બહાર નીકળી ગઈ હતી.
આરોપી ચેતન જે એસ્કોર્ટ ટીમનો કૉન્સ્ટેબલ છે, તે એસ્કોર્ટ ટીમના પ્રભારી (ASI) ટીકારામ હોવાની માહિતી મળી રહી છે. ફાયરિંગની ઘટના બાદ આરોપીએ દહિસર નજીક ચાલુ ટ્રેને કૂદીને ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે તેની ધરપકડ કરી તેની પાસે રહેલા હથિયારો પણ જપ્ત કર્યા છે.
સમગ્ર ઘટના અંગે રેલવેએ વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈના DRM નીરજ કુમારે જણાવ્યું હતું કે, “સવારે અંદાજે 6 વાગ્યે સમગ્ર ઘટનાની જાણ થઇ હતી કે આરપીએફ જવાને ફાયરિંગ કર્યું છે. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. આરોપી કૉન્સ્ટેબલ એસ્કોર્ટ ડ્યુટીમાં હાજર હતા.”
#WATCH | Mumbai: DRM Neeraj Kumar says, "At around 6 am we got to know that an RPF constable, who was on escorting duty opened fire…Four people have been shot dead…Our railway officer reached the spot. The families have been contacted. Ex-gratia will be given." pic.twitter.com/Zl7FfoUd8i
— ANI (@ANI) July 31, 2023
વધુ માહિતી આપતા DRM નીરજ કુમારે કહ્યું હતું કે, રેલવે અધિકારી હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. ટ્રેનમાં મુસાફરી કરનાર 3 મૃતકોના પરિવારને પણ આ ઘટના અંગે જાણ કરાઈ હતી. આ ઉપરાંત મૃતકોના વળતર બાબતે પણ તેમના સંબંધીઓને જણાવવામાં આવશે.
આરોપી ચેતનનું માનસિક સંતુલન ઠીક ન હોવાની માહિતી મળી રહી છે. આ ઉપરાંત તે પારિવારિક ચિંતામાં પણ હતો તેવું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટના બાદ તમામ મૃતકોના મૃતદેહોને બોરીવલી ખાતે રખાયા બાદ ટ્રેનને આગળ જવા માટે રવાના કરવામાં આવી હતી.