ચંદ્રયાન-3ના લેન્ડરે બુધવારે (23 ઓગસ્ટ, 2023) ચંદ્રમા પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યા બાદ આગળના તબક્કાનું કામ શરૂ કરી દીધું છે. લેન્ડરમાં રહેલું રોવર પણ હવે બહાર આવી ગયું છે અને ‘મૂનવૉક’ શરૂ કરી દીધું છે. જેનો એક વિડીયો ISROએ પોસ્ટ કર્યો હતો.
ઈસરોએ X (ટ્વિટર) પર એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ચાલતું સ્પષ્ટપણે જોઈ શકાય છે. જેને મૂનવૉક પણ કહેવાય છે. આ વિડીયો વિક્રમ લેન્ડરમાં રહેલા કેમેરાથી ઉતારવામાં આવ્યો હતો. વિડીયો 25 ઓગસ્ટનો છે, જે શનિવારે પોસ્ટ કરવામાં આવ્યો હતો. સાથે ઈસરોએ લખ્યું કે, દક્ષિણ ધ્રુવ પર ચંદ્રમાના રહસ્યોની શોધ માટે પ્રજ્ઞાન રોવર શિવશક્તિ પોઇન્ટની આસપાસ ફરી રહ્યું છે. ઈસરોનો આ વિડીયો 4 કલાકથી ઓછા સમયમાં 11 લાખ વખત જોવાયો છે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 26, 2023
🔍What's new here?
Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM
ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ઈસરો વૈજ્ઞાનિકોને સંબોધિત કરતાં ‘શિવશક્તિ પોઇન્ટ’ની જાહેરાત કરી હતી. શિવશક્તિ ચંદ્રમાના એ સ્થળનું નામ છે, જ્યાં વિક્રમ લેન્ડર ઉતર્યું હતું. ચંદ્રમાના લેન્ડિંગ પોઇન્ટને નામ આપવાની એક પરંપરા રહી છે, જે અત્યાર સુધી જે-જે દેશ ત્યાં પહોંચ્યા છે તેમણે નિભાવી છે. ભારતનું ચંદ્રયાન-2ના પદચિહ્ન જ્યાં પડ્યાં હતાં તેને ‘તિરંગા’ નામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-1ના મૂન ઈમ્પૅક્ટર પ્રોબના અવશેષો જ્યાં પડ્યા હતા તેને ‘જવાહર’ નામ આપવામાં આવ્યું હતું. તે સમયે (2008માં) કોંગ્રેસની સરકાર હતી.
રોવર એ એક રોબોટિક વાહન છે, જેમાં વ્હીલ લગાવવામાં આવ્યાં છે. આ રોવર ચંદ્રની સપાટી પર ફરીને માહિતી એકઠી કરશે અને લેન્ડરને આપશે. ઉપરાંત, તે જ્યાં-જ્યાંથી પણ પસાર થશે ત્યાં ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છાપતું જશે તેમજ સાથે ઈસરોનો લોગો પણ છાપશે. ચંદ્ર પર હવા હોતી નથી, જેથી આવનારાં હજારો વર્ષો સુધી આ ચિહ્ન આમ જ યથાવત રહેશે અને ભારતની ઐતિહાસિક ઉપલબ્ધિની સાક્ષી પુરાવતાં રહેશે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 26, 2023
Of the 3⃣ mission objectives,
🔸Demonstration of a Safe and Soft Landing on the Lunar Surface is accomplished☑️
🔸Demonstration of Rover roving on the moon is accomplished☑️
🔸Conducting in-situ scientific experiments is underway. All payloads are…
ઇસરોએ મિશન વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, મિશનના મુખ્ય ત્રણ હેતુઓમાંથી 2 સર કરી લેવામાં આવ્યા છે. જેમાંથી પહેલો હતો- ચંદ્રમાની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ કરવું. જે 23 ઓગસ્ટ, 2023ની સાંજે 6 વાગ્યે ને 4 મિનિટે લેન્ડરના સોફ્ટ લેન્ડિંગ સાથે પૂર્ણ થયો. બીજો- ચંદ્રમા પર રોવરનું ભ્રમણ- જે પણ સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. હવે ત્રીજો હેતુ છે- વૈજ્ઞાનિક પરીક્ષણો, જે હાલ ચાલી રહ્યાં છે.