બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાએ રોહિંગ્યા મુસ્લિમોને બોજ ગણાવ્યા છે અને ભારત પાસે મદદ માંગી છે. બાંગ્લાદેશ પીએમ હસીનાએ કહ્યું કે, રોહિંગ્યા મુસ્લિમો તેમના શાસન માટે પડકારરૂપ બની ગયા છે અને ભારત મોટો દેશ હોવાથી તેમને સહન કરી શકે, પરંતુ બાંગ્લાદેશ તેમ કરવામાં સક્ષમ નથી.
બાંગ્લાદેશ પીએમ શેખ હસીનાએ ન્યૂઝ એજન્સી ANIને ઇન્ટરવ્યૂ આપતાં આ વાતો કહી હતી. તેમણે કહ્યું કે, રોહિંગ્યાઓને પરત તેમના દેશમાં જ મોકલી આપવા જોઈએ અને તેમાં ભારત મોટો ભાગ ભજવી શકે તેમ છે. તેમણે એમ પણ કહ્યું કે, આ લોકોને તેમના દેશમાં પરત મોકલવા માટે તેઓ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને પાડોશી દેશો સાથે વાત કરી રહ્યાં છે.
#WATCH | Bangladesh PM says,"For us,it's a big burden…On humanitarian grounds,we give them(Rohingyas)shelter&everything but how long will they stay here?Some engage in drug/women trafficking. As soon as they return it's good.We're discussing with them.India can play big role." pic.twitter.com/eCK1h1FrO8
— ANI (@ANI) September 4, 2022
ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ ઘૂસણખોરી કરી રહેલા રોહિંગ્યા મુસ્લિમો એક મોટી સમસ્યા બની ગયા છે. મ્યાનમારમાંથી અત્યાચારના નામે તેઓ બાંગ્લાદેશ અને ભારતમાં ઘૂસી રહ્યા છે. પૂર્વોત્તર રાજ્ય મિઝોરમ અને બાંગ્લાદેશ થઈને આસામમાં આ લોકોની વસ્તી ધીમે-ધીમે વધી રહી છે. જે મુદ્દો ભારતમાં પણ અવારનવાર ચર્ચામાં રહે છે.
બાંગ્લાદેશનાં વડાંપ્રધાને રોહિંગ્યાઓના ગુનાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેમને કોઈ કેટલા દિવસ સુધી રાખી શકે? તેઓ ડ્રગ તસ્કરી, માનવ તસ્કરી એ હથિયારોના ખરીદ-વેચાણમાં સામેલ રહે છે. તેમજ દિવસેને દિવસે તેમની ગુનાહિત ગતિવિધિઓ વધતી જ જઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, તેમ છતાં તેમણે માનવીય આધાર પર ઘૂસણખોરોની મદદ કરી અને તેમને આશ્રય પણ આપ્યો અને કોરોના સમયે રસી પણ આપી.
શેખ હસીનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં તેમણે પાડોશી દેશોની પણ સંભાળ રાખી અને કોરોનાની રસી ઉપલબ્ધ કરાવી. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ભારતે બચાવ્યા. તેમણે કહ્યું કે, કેટલાક મુદ્દે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો હોય શકે છે, પરંતુ તે માટે સમાધાનનો રસ્તો અપનાવવામાં આવે છે અને વાતચીત થઇ શકે છે.
તેમણે કહ્યું કે, ભારત અને બાંગ્લાદેશ પાડોશી દેશો છે. હું હંમેશા પાડોશી દેશો સાથે મિત્રતાને મહત્વ આપું છું. કારણ કે મને લાગે છે કે આ મિત્રતા આપણા લોકો માટે છે. બંને દેશો વચ્ચે વ્યાપાર વધુ સારો કઈ રીતે બનાવી શકાય તે જોવાની જવાબદાર અમારી છે.
સોમવાર (5 સપ્ટેમ્બર 2022)ના રોજથી બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીના ભારત આવી રહ્યાં છે. તેઓ ચાર દિવસ માટે ભારતની યાત્રા પર હશે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ દરમિયાન અનેક મહત્વના મુદ્દે વાતચીત થવાની શક્યતા છે.