પ્રયાગરાજમાં (Prayagraj) મહાકુંભ (Mahakumbh) ચાલી રહ્યો છે. લગભગ 56 કરોડ લોકો સંગમ સ્નાન કરીને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે. પરંતુ સનાતન ધર્મના આ સૌથી મોટા પર્વ મહાકુંભને લઈને પણ એક ગેંગ સતત રાડારાડ કરતી જોવા મળી રહી છે. કોઈ નિઃશુલ્ક જ્ઞાન પીરસી રહ્યું છે તો કોઈ મફતની સલાહો આપી રહ્યું છે. તેમાં ગુજરાતની ગેંગ પણ પણ બાકાત નથી રહી. જાણીતાં RJ દેવકી (Devaki) પણ મહાકુંભ પર જ્ઞાન આપવામાંથી બાકાત રહ્યાં નથી. તેમણે ફેસબુક પર એક વિડીયો પોસ્ટ કરીને સુફિયાણી સલાહો આપવાના પ્રયાસ કર્યા છે.
ફેસબુક પર પોસ્ટ કરેલા વિડીયોમાં તેઓ કહેતા સંભળાય છે કે, “પાપ ધોવા માટે નદીમાં ડૂબકી લગાવો છો, એ નદીને પ્રદૂષિત કર્યાનું કેટલું પાપ લાગશે એ વિચાર્યું છે?” આ સાથે જ તેમણે NGT અને CPCBનો હવાલો આપીને કહ્યું કે, “12 અને 15 જાન્યુઆરીની વચ્ચે પાણીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં ખબર પડી કે, કુંભમાં જ્યાં તમે ડૂબકી લગાવી રહ્યા છો તે પાણી નાહવાલાયક પણ નથી.”
રિપોર્ટનો હવાલો આપ્યા બાદ હવે તેમણે આગળ ચલાવ્યું. “ત્યાં જ આવી પરિસ્થિતિ છે તો ત્યાંથી આગળ જતું પાણી ખેતરોમાં જતું હશે અને તેમાંથી આવનારો પાક ઊગશે, જે આપણે આરોગીશું. તમે ઇમેજિન કરી શકો કે, આપણે કેટલું મોટું નુકસાન જમીનો માટે અને આપણા પોતાના માટે કરી રહ્યા છીએ. ઘણાં ગામડાં આ પાણીનો ઉપયોગ કરતાં હશે, તે પાણી કઈ હદ સુધી ‘નીચલી કક્ષા’નું થઈ ગયું હશે. કારણ કે, કરોડો લોકો ‘પોતાનાં પાપ’ ધોવા માટે તેની અંદર ડૂબકી લગાવવા ગયા છે. માત્ર પોતાના વિશે વિચારવું અને સમગ્ર સૃષ્ટિ વિશે ભૂલી જવું…આ પુણ્યનું કામ છે?”
જોકે, સૃષ્ટિ વિશે વિચારવાની વાતો કરતા RJને લોકોએ કૉમેન્ટ બોક્સમાં જ સાચી સમજ આપવાનું શરૂ કરી દીધું છે. અઢળક ફેસબુક યુઝર્સે કૉમેન્ટ બોક્સમાં જઈને સમજ આપવાનો પ્રયાસ કર્યો છે.
એક યુઝરે લખ્યું કે, આટલી ચિંતા હોય તો RJએ કાર, એસી અને અન્ય સગવડો, જેના કારણે હવાનું પ્રદૂષણ ફેલાય છે તે વાપરવાનું બંધ કરી દેવું જોઈએ. સાથે એમ પણ કહ્યું કે, આવી વાતોથી કરોડો લોકોની આસ્થા પર પ્રહાર થાય છે અને બીજા ઘણા તહેવારો અને રિવાજો છે, જો ખરેખર બોલવું અને વિરોધ જ કરવો હોય તો ત્યાં પણ સલાહ-સૂચન આપવાની હિંમત કરવી જોઈએ.

અન્ય એક યુઝરે કૉમેન્ટ કરીને જણાવ્યું છે કે, તેઓ આ જ પાણીમાં બે વખત નાહ્યા છે અને પાણી પણ એકદમ સ્વચ્છ છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, દરિયાનું અને નદીનું પાણી વહેતું હોય છે, તેથી ગંગાના પાણીના ટેસ્ટ ન લેવાના હોય. તેમણે એવું પણ કહ્યું કે, તેમના જ ઘરમાં એક મહિનાથી તે પાણી પડ્યું છે અને હજુ સુધી કોઈ બેક્ટેરિયા કે કીટાણુ પણ પડ્યા નથી અને પાણી એકદમ કાચ જેવું સ્વચ્છ છે.

જાણીતા હ્યુમરિસ્ટ, સટાયરિસ્ટ ‘અધીર અમદાવાદી’એ વિજ્ઞાન આધારિત તર્કબદ્ધ ઉત્તર આપીને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી. તેઓ કહે છે, “મને વિશ્વાસ છે કે, તમે આ વિડીયો પોતાના વિજ્ઞાન અને એન્જિનિયરિંગના અભ્યાસના આધારે પોસ્ટ નથી કર્યો. રિપોર્ટમાં મહાકુંભના પાણીની ગુણવત્તા વિશે જણાવવામાં આવ્યું છે અને રિપોર્ટમાં એવું કહેવાયું છે કે, પાણી પ્રદૂષિત છે, કારણ કે, તેમાં વધુ માત્રામાં BOD છે. પરંતુ, તમે જે ખૂબ જ એનિમેટેડ રીતે રજૂ કર્યું છે, જેમ કે પાક અને પ્રાણીઓનું શું થશે વગેરે, તે તમારી કલ્પના માત્ર છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “BOD અને DO કુદરતી રીતે સ્વ-શુદ્ધિકરણના માધ્યમથી ઠીક થઈ જાય છે, ખાસ કરીને ત્યારે કે, જ્યારે ગંગા બળ સાથે વહે છે અને કુદરતી વાયુમિશ્રણ પણ થઈ રહ્યું છે. તેથી પાંચ કિલોમીટર ડાઉનસ્ટ્રીમમાં શું થાય છે તે સ્થાન પર ટેસ્ટ કર્યા વગર કહી શકાય નહીં. પરંતુ મને ટેકનિકલ બાબતોમાં ઊંડી ડૂબકી મારવાનો તમારો આ આત્મવિશ્વાસ ગમ્યો. જોકે, તમારી આ ‘ડૂબકી’ પણ પર્યાવરણ માટે એટલી જ હાનિકારક છે, જેટલું કુંભમાં સ્નાન કરવાનું છે.”
અન્ય એક યુઝરે લખ્યું છે કે, “બકવાસ ન ફેલાવો. તેઓ દરરોજ નદીના કિનારા પર સફાઈ કરે છે. તમે લોકો સમાજને ગુમરાહ કરવા અને તેમની ધાર્મિક પ્રથાઓથી વિચલિત કરવા માટે પોતાના પદનો દુરુપયોગ કરો છો. કાર ન ચલાવો, મોટી સંખ્યામાં ગરબા સમારોહમાં ન જાઓ. કારણ કે, તેનાથી વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ પણ થાય છે. બધું જ્ઞાન માત્ર હિંદુઓ માટે જ આરક્ષિત છે?”

ચિરાગ વાળાએ વૉટરપાર્ક અને સ્વિમિંગ પુલના પાણી સાથે તુલના કરતાં કહ્યું કે, તે પાણી આ બધા કરતાં તો લાખ દરજ્જે સારું હોય છે. કારણ કે, તે સતત વહેતું રહે છે. તે સિવાય કેટલાક યુઝર્સે આખો રિપોર્ટ વાંચવાની સલાહ પણ આપી છે.

રાજેશ પટેલ લખે છે કે, મહાકુંભ સ્નાન એ ફક્ત પાપ ધોવા માટે નથી. પણ પુણ્ય કમાવવા માટે પણ છે. દેહશુદ્ધિથી આત્મશુદ્ધિની ભાવના તેની પાછળ છુપાયેલી છે, જે ઘણાને નથી દેખાતી.

શું ખરેખર પાપ ધોવા માટે શ્રદ્ધાળુઓ કરે છે કુંભ સ્નાન?
કુંભ સ્નાન અને સંગમ સ્નાનનો મહિમા આજકાલનો નહીં, પરંતુ સદીઓથી ચાલ્યો આવે છે. મહાભારતના એક સંવાદમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આધ્યાત્મિક માર્ગની શોધ વિશે જણાવે છે. દરમિયાન તેઓ કહે છે કે, ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીનો જ્યાં સંગમ થાય છે, ત્યાં સ્નાન કરવાથી આત્મશુદ્ધિ અને આંતરિક શાંતિ મળે છે. તે સિવાય આધ્યાત્મની રાહ પર નીકળેલા યાત્રિકો પણ સંગમ સ્નાનથી શરૂઆત કરે છે. એટલે આધ્યાત્મ તરફ નીકળેલા મનુષ્યો પાપ અને પુણ્યના દાયરામાંથી બહાર નીકળીને માત્ર સત્યની શોધમાં લાગી જાય છે.
આ સત્યની શોધનો એક પડાવ સંગમ સ્નાન છે. તેથી દેશના અને વિદેશના કરોડો માણસો પાપ ધોવા માટે સંગમ સ્નાન નથી કરતા. પરંતુ, આંતરિક શાંતિ અને આત્મશુદ્ધિ માટે સંગમ સ્નાન કરે છે અને મહાકુંભને આધ્યાત્મના એક પર્વ તરીકે જુએ છે. આધ્યાત્મની રાહ પર નીકળેલા માણસો પાપ-પુણ્યનો હિસાબ નથી કરતા. તેમના માટે ઈશ્વરની શોધ જ પ્રાથમિક અને અંતિમ ધ્યેય હોય છે. પાપ ધોવાય કે ન ધોવાય, પુણ્ય મળે કે ન મળે, મોક્ષ મળે કે ન મળે, પરંતુ તેઓ માત્ર સનાતન સત્યને પામી જવા માટે સંગમ સ્નાન કરતા હોય છે. તેથી હવાઈ હુમલામાં માત્ર પાપ ધોવા માટે જ લોકો મહાકુંભમાં જાય છે, તેવું કહેવું ધર્મની અજ્ઞાનતા અને મૂર્ખામી સિવાય વધુ કાંઈ જ નથી.