Sunday, April 28, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનસુશાંત સિંહ રાજપૂતની ત્રીજી પુણ્યતિથિએ ભાવુક થયા ચાહકો: 50માંથી 37 સપનાં હંમેશા...

    સુશાંત સિંહ રાજપૂતની ત્રીજી પુણ્યતિથિએ ભાવુક થયા ચાહકો: 50માંથી 37 સપનાં હંમેશા માટે રહી ગયા અધૂરા, લાખો યુવાનોને પ્રેરણા આપી ગયા અભિનેતા

    સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ જેની સૌથી વધુ ચર્ચા થઈ, એ હતી અભિનેતાની ‘બકેટ લિસ્ટ’. મૃત્યુના અમુક દિવસો પહેલાં જ સુશાંતે તેના 50 સપનાંની યાદી બનાવી હતી, જે સામે આવ્યા બાદ બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા.

    - Advertisement -

    અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના આજે 3 વર્ષ પૂરા થયા છે. 14 જૂન 2020ના રોજ સુશાંતનો મૃતદેહ તેના બાંદ્રા સ્થિત ફ્લેટમાં મળી આવ્યો હતો. એક યુવા કલાકારની આવી અણધારી વિદાયથી કરોડો ચાહકો આઘાતમાં ડૂબી ગયા હતા. માત્ર અભિનય જ નહીં, ખરા અર્થમાં મલ્ટી-ટેલેન્ટેડ એવા અભિનેતા અને લાખો યુવાનોની પ્રેરણાનો આ રીતે અંત આવશે તે કોઈ માનવા તૈયાર ન હતું. આજે પણ સુશાંતનું નામ સાંભળીને ચાહકોને એક કંપારી છૂટી જાય છે.

    ..અને એ 37 સપનાં હંમેશા માટે અધૂરા રહી ગયા

    સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ જેની સૌથી વધુ ચર્ચા થઈ, એ હતી અભિનેતાની ‘બકેટ લિસ્ટ’. મૃત્યુના અમુક દિવસો પહેલાં જ સુશાંતે તેના 50 સપનાંની યાદી બનાવી હતી, જે સામે આવ્યા બાદ બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા. અભિનેતા આમાંથી ફક્ત 13 સપનાં પૂરા કરી શક્યા હતા, બાકીના 37 સપનાં હંમેશા માટે અધૂરા રહી ગયા.

    સુશાંતની આ યાદીમાં વિમાન ઉડાડવું, વૃક્ષો વાવવાં, ડાબા હાથથી ક્રિકેટ મેચ રમવું, બાળકોને ઇસરોના વર્કશોપમાં મોકલવા, ટેનિસ રમવું, મોર્સ કોડ શીખવા, ચેમ્પિયન સાથે પોકર રમવું, ડિઝનીલેન્ડ જવું, ક્રિયા યોગ શીખવું, વૈદિક જ્યોતિષશાસ્ત્ર સમજવું, જંગલમાં એક અઠવાડિયું વિતાવવું, છ મહિનામાં સિક્સ પેક એબ્સ બનાવવા, 10 ડાન્સ ફોર્મ્સ શીખવા, ઘોડેસવારી શીખવી, નાસા વર્કશોપ, યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચમાં જોડાવું, એક પુસ્તક લખવું, મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવી, મફત શિક્ષણ માટે કામ કરવું, એન્ટાર્કટિકા જવું વગેરે સપનાં સામેલ હતા.

    - Advertisement -
    ફોટો સાભાર: Twitter

    34 વર્ષની વયે દુનિયાને કહી દીધું અલવિદા

    સુશાંતે એકવાર ઇન્સ્ટાગ્રામ પર તેની આ ડ્રીમ લિસ્ટ શેર કરી હતી, જે બાદમાં તેણે ડિલીટ કરી નાખી હતી. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર ન્યાયની માંગણી કરી હતી, જે આજે પણ જારી છે. કહેવાય છે કે, 34 વર્ષીય અભિનેતા લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હતા અને એ કારણે સ્યુસાઈડનું પગલું ભર્યું હતું.

    ફોટો સાભાર: Twitter

    એક ડાન્સરમાંથી ટીવી કલાકાર અને બાદમાં ફિલ્મી દુનિયામાં કાઠું કાઢનાર સુશાંત સિંહ રાજપૂતે લાખો યુવાનોને એ શીખવાડ્યું હતું કે, મહેનત અને સમર્પણથી સપનાં પૂરા થઈ જ શકે છે. સુશાંત સિંહ રાજપૂતે ‘છિછોરે’, ‘કાઈપો છે’, ‘એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘સોનચિરીયા’ જેવી યાદગાર ફિલ્મો આપી છે. સુશાંતના મૃત્યુ બાદ તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ કરવામાં આવી હતી. આજે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના ત્રણ વર્ષ પૂરા થતાં ચાહકો સોશિયલ મીડિયા પર અભિનેતાને અંજલિ આપી રહ્યા છે. તેણે કરેલું ઉમદા કામ ચાહકોના દિલમાં કાયમ રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં