અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રીરામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. ભવ્ય મહોત્સવ અને અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ રામ મંદિર પરિસરમાં આયોજિત સમારોહમાં PM મોદી, UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સંબોધન કર્યું હતું. આ પવિત્ર અવસર પર સંબોધન કરતી વખતે સંઘ પ્રમુખ મોહન ભાગવત તમામ બલિદાની રામભક્તોને યાદ કરીને બોલ્યા હતા કે, આજે 500 વર્ષો બાદ રામલલા પરત ફર્યા છે અને જેમના પ્રયાસોથી આજે આપણે આ સ્વર્ણ દિવસ જોઈ રહ્યા છીએ તેમને કોટિ-કોટિ નમન કરીએ છીએ. આ ઉપરાંત મોહન ભાગવતે વડાપ્રધાન મોદીને તપસ્વી પણ ગણાવ્યા હતા.
22 જાન્યુઆરીના પાવન દિવસે અયોધ્યાના રામ મંદિરમાં પ્રભુ શ્રીરામલલા વિરાજમાન થયા છે. ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા વિધિ બાદ PM મોદી અને યોગી આદિત્યનાથે સંબોધન પણ કર્યું હતું. જે બાદ RSSના વડા મોહન ભાગવત દ્વારા પણ સંબોધન આપવામાં આવ્યું હતું. સંબોધન દરમિયાન તેમણે તે તમામ બલિદાનીઓ અને રામભકતોને નમન કર્યું હતું, જેમણે રામકાજ માટે પ્રાણ અર્પણ કરી દીધા હતા. સંઘ પ્રમુખે કહ્યું કે, “રામલલાની સાથે ભારતનું ગૌરવ પરત ફર્યું છે. આ યુગમાં રામલલાના આવ્યાનો ઇતિહાસ જે કોઈપણ શ્રવણ કરશે તે રાષ્ટ્ર માટે હશે. રાષ્ટ્રનાં તમામ દુઃખ અને પીડા દૂર થશે. એટલું સામર્થ્ય આ ઇતિહાસમાં છે.”
‘વડાપ્રધાન મોદી તપસ્વી છે’
સંબોધન કરતી વખતે મોહન ભાગવતે વડાપ્રધાન મોદી અને તેમના અનુષ્ઠાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “મને જાણ થઈ કે આ સમારોહ માટે વડાપ્રધાને કઠોર વ્રત રાખ્યું હતું. જેટલું કઠોર તપ રાખવાનું હતું તેનાથી પણ કઠોર તપ રાખ્યું હતું. મારો તેમની સાથેનો જૂનો પરિચય છે. હું જાણું છું, તેઓ તપસ્વી છે.” મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, “પ્રધાનમંત્રીજીએ તપ કર્યું હવે આપણે પણ તપ કરવાનું છે. રામરાજ્ય કેવું હતું તે યાદ રાખવાનું છે. આપણે પણ ભારતવર્ષની સંતાનો છીએ. કોટિ-કોટિ કંઠ આપણાં છે, જે જયગાન કરે છે.”
#WATCH | RSS chief Mohan Bhagwat says "Today after 500 years, Ram Lalla has returned here and due to his efforts we are seeing this golden day today, we pay our utmost respect to him. The history of this era has so much power that whoever listens to the stories of Ram Lalla, all… pic.twitter.com/YkxcpvYkOo
— ANI (@ANI) January 22, 2024
ભાગવતે ઉમેર્યું કે, “સારો વ્યવહાર કરવાનું તપ આચરવું પડશે. આપણે પણ તમામ કલેશને વિદાય આપવાની છે. નાના-નાના મતભેદો રહે છે, નાના-નાના વિવાદો રહે છે. તેને લઈને લડાઈ કરવાની આદત છોડવી પડશે. સત્ય કહે છે કે, તમામ ઘટકો રામ છે. આપણે સમન્વયથી ચાલવું પડશે.” આ ઉપરાંત મોહન ભાગવતે કહ્યું હતું કે, સંપૂર્ણ વિશ્વને ત્રાસદીથી રાહત આપનારું એક નવું ભારત ઊભું થશે. આજનો કાર્યક્રમ તેનું પ્રતીક છે.
‘પરસ્પરના મતભેદોનો લાવવો પડશે અંત’
રામરાજ્યનો ઉલ્લેખ કરતાં મોહન ભાગવતે કહ્યું કે, “રામરાજ્યના સામાન્ય નાગરિકોના વર્ણન પ્રમાણે આપણે પણ આ દેશના સંતાનો છીએ. આપણે બધા વિવાદોને, પરસ્પરના મતભેદોને વિદાય આપવી પડશે, નાના વિવાદો પર લડવાની આદત છોડવી પડશે. ભગવાન ધર્મના ચાર મૂલ્યો છે.- સત્ય, કરુણા, સૂચિતા, અનુશાસન. તેને સ્વીકારવા પડશે. પરસ્પર સમન્વય રાખીને ચાલવું સત્યનું આચરણ છે.”
ભાગવતે વધુમાં કહ્યું કે, “આપણે સૌ સાથે મળીને ચાલશું અને પોતાના દેશને વિશ્વગુરુ બનાવીશું. 500 વર્ષોના સંઘર્ષ બાદ આ ક્ષણ આવી છે. આજનો દિવસ જેમણે સંઘર્ષ કર્યો તેમને યાદ કરવાનો દિવસ છે. તેમનું આ વ્રત આપણે આગળ લઈને જવાનું છે. જે ધર્મસ્થાપના માટે રામલલા આવ્યા છે તેમનો આદેશ મસ્તક પર ધારણ કરીને આપણે અહીંથી જવાનું છે.”