રાજકોટના જેતપુરમાં થીએટરમાં ચાલુ રાષ્ટ્રગીત દરમિયાન ઉભા થઈને સન્માન ન આપવા બદલ ટોકનાર હિંદુ યુવાન પર મુસ્લિમ યુવકોએ હુમલો કરી દેવાની ઘટના સામે આવી છે.
ઘટના બુધવારે (30 ઓગસ્ટ, 2023) રાત્રે બની હતી. પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલા હિંદુ યુવકે ફિલ્મ શરૂ થવા પહેલાં વાગતા રાષ્ટ્રગીત દરમિયાન ઉભા ન થયેલા બે મુસ્લિમ યુવાનોને ટોક્યા હતા, જેનાથી ઉશ્કેરાઈ ગયેલા બંનેએ તેમના મિત્રોને પણ બોલાવી લઈને ફિલ્મ ઈન્ટરવલ દરમિયાન હિંદુ યુવાન સાથે મારપીટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી છૂટ્યા હતા. આ મામલે જેતપુર શહેર પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી છે, જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
વધુ વિગતો એવી છે કે, જેતપુરના મયંક તેરૈયા નામના યુવાન બુધવારે તેમના પરિવાર સાથે શહેરના બાલાજી સિનેપ્લેક્સમાં ફિલ્મ જોવા માટે ગયા હતા. ફિલ્મ શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રગીત શરૂ થયું, જેને સન્માન આપવા માટે દર્શકો ઉભા થયા પરંતુ તેમની આગળની લાઈનમાં બેઠેલા બે મુસ્લિમ યુવાનો ઉભા થયા ન હતા. જેમાંથી એકની ઓળખ નવાઝ તરીકે થઇ છે. જેથી રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ મયંકે બંનેને ટોક્યા હતા અને રાષ્ટ્રગીતને સન્માન આપવા કહ્યું હતું. જેનાથી ઉશ્કેરાઈ ગયેલા બંનેએ તેમની સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી, પરંતુ આસપાસના લોકોએ પણ મયંકનો સાથ આપતાં બંને બેસી ગયા હતા.
ફરિયાદ અનુસાર, ફિલ્મનો ઈન્ટરવલ પડ્યો ત્યારે નવાઝ અને તેનો મિત્ર મયંક પાસે પહોંચી ગયા હતા અને ગાળાગાળી અને બોલાચાલી કરવા માંડ્યા હતા. ત્યારબાદ ‘અહીં પબ્લિક બહુ છે, તું બહાર આવ’ તેમ કહીને તેમને બહાર બોલાવ્યા હતા. જ્યાં અન્ય ત્રણ મુસ્લિમ યુવાનો પણ દોડી આવ્યા હતા. જેમણે મયંક સાથે મારામારી શરૂ કરી દીધી હતી અને ફાવે તેમ ગાળો ભાંડી હતી. આખરે આસપાસના લોકો પણ દોડી આવતાં તેઓ ભાગી છૂટ્યા હતા. જોકે, જતાં-જતાં પણ તેઓ તેમને ‘આજે તો બચી ગયો પણ ફરી મળ્યો તો પતાવી દઈશું’ તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા.
ઇજા પામેલ મયંક ત્યારબાદ સરકારી દવાખાને પહોંચ્યા હતા અને સારવાર મેળવી હતી. ત્યારબાદ પરિજનો સાથે જેતપુર શહેર પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે નવાઝ પલેજા, અઝીમ અને અન્ય ત્રણ ઈસમો સામે IPCની કલમ 323 (જાણીજોઈને ઇજા પહોંચાડવી), 504 (ગેરવર્તન કરવું), 506(2) (મારી નાખવાની ધમકી) અને 114 (ગુનો બનવા સમયે દુષ્પ્રેરક તરીકે હાજરી) હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ પાંચેય આરોપીને ઝડપી પાડ્યા હતા.
બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને રામધૂન બોલાવીને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હિંદુ અગ્રણીઓએ કહ્યું કે, રાષ્ટ્રનું અપમાન ક્યારેય સાંખી લેવામાં નહીં આવે અને અમારી પોલીસને રજૂઆત છે કે રાષ્ટ્રવિરોધી તત્વોને પકડીને જેલભેગા કરવામાં આવે.
તેમણે માફી માંગવાની તૈયારી દર્શાવી, પણ હું કેસ પરત ખેંચીશ નહીં: પીડિત
પીડિત મયંક તેરૈયાએ ઑપઇન્ડિયા સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે, “બંને યુવાનો ચાલુ રાષ્ટ્રગીત દરમિયાન બેઠા રહ્યા હતા અને મજાક-મસ્તી કરતા હતા, જેથી રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ તેમણે તેમને કહ્યું હતું કે, તેઓ શા માટે ઉભા થયા ન હતા અને તેમને શરમ આવવી જોઈએ. જેનાથી બંને ઉશ્કેરાઈ ગયા હતા પરંતુ આસપાસના લોકોએ પણ મારો સાથ આપતાં તેઓ બેસી ગયા હતા. પરંતુ પછી તેમણે પોતાના અન્ય મિત્રોને ફોન કરીને થીએટર બહાર બોલાવી લીધા હતા.”
તેમણે આગળ જણાવ્યું કે, ઈન્ટરવલ વખતે આ બંનેએ બાકીના ત્રણ સાથે મળીને તેમની ઉપર હુમલો કરી દીધો હતો અને ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાણવા મળ્યા અનુસાર, ધરપકડ બાદ પાંચેય આરોપીઓએ માફી માંગવાની અને આવું ફરી ક્યારેય નહીં થાય તેની ખાતરી આપવાની તૈયારી દર્શાવી છે, પરંતુ તેઓ કેસ પરત ખેંચી રહ્યા નથી.