બુધવારે (13 સ્પ્ટેમ્બર) હરિયાણામાં ગૌરક્ષક મોનુ માનેસરની ધરપકડ બાદ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ રાજસ્થાન સરકાર પર વોટ બેંકની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવતા સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. VHPના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે દાવો કર્યો છે કે થોડા સમય પહેલા રાજસ્થાન પોલીસે તેમને નિર્દોષ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે મોનુ માનેસરની ધરપકડ મુસ્લિમ વોટ બેંકને ખુશ કરવા માટે કરવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું કે, “વોટ બેંકની રાજનીતિ માટે એક નિર્દોષ ગૌરક્ષકની ધરપકડ કરવી રાજસ્થાન સરકારને મોંઘી પડશે.” તેમણે આશ્વાસન પણ આપ્યું હતું કે, ગૌરક્ષક મોનુ માનેસરની ધરપકડ થયાનો વિરોધ કરવા સહિત VHP દરેક રીતે મદદ કરશે.
निर्दोष गौभक्त मोनू मानेसर को राजस्थान पुलिस ने गिरफ्तार किया है,जबकि कुछ समय पहले ही राजस्थान पुलिस ने निर्दोष माना था,चुनावों में मुस्लिम वोट बैंक लिए गौभक्त मोनू की गिरफ्तारी हुई है, जो उन्हें बहुत भारी पड़ेगा। विश्व हिंदू परिषद गौभक्त मोनू मानेसर को हर प्रकार से सहायता करेगी…
— Vishva Hindu Parishad -VHP (@VHPDigital) September 12, 2023
સોશિયલ મિડિયા સાઇટ X પર તેમણે કહ્યું કે, “નિર્દોષ ગૌભક્ત મોનુ માનેસરની રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જ્યારે થોડા સમય પહેલા રાજસ્થાન પોલીસે તેને નિર્દોષ ગણાવ્યો હતો. ચૂંટણીમાં મુસ્લિમ વોટ બેંક માટે ગૌરક્ષક મોનુ માનેસરની ધરપકડ કરવામાં આવી છે, તેમને આ મોંઘું પડશે. વિશ્વ હિન્દુ પરિષદ ગૌભક્ત મોનુ માનેસરને દરેક સંભવ મદદ કરશે અને જરૂર પડ્યે વિરોધ પ્રદર્શન પણ કરશે.” શક્ય છે કે આગામી દિવસોમાં VHP આ વિષયને લઈને દેશવ્યાપી આંદોલન પણ કરે.
મંગળવારે થઈ હતી ધરપકડ
મંગળવારે, 12 સપ્ટેમ્બરના રોજ, હરિયાણા પોલીસ દ્વારા ગૌરક્ષક મોનુ માનેસરની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો હતો.
બજરંગ દળના અગ્રણી નેતા અને હરિયાણાના ગુરુગ્રામ વહીવટીતંત્રના સ્પેશિયલ ગાય પ્રોટેક્શન ટાસ્ક ફોર્સના સભ્ય માનેસરનું નામ રાજસ્થાનમાં કેટલાક ગૌતસ્કરોના મૃત્યુ સાથે સંબંધિત કેસોમાં લેવામાં આવ્યું હતું.
જો કે, અગાઉ 14 ઓગસ્ટના રોજ રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ બે ગાય તસ્કરો, નસીર અને જુનૈદની કથિત હત્યામાં મોટો ખુલાસો કર્યો હતો અને આ કેસમાં મોનુ માનેસરની સીધી સંડોવણીને નકારી કાઢી હતી.