કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે (5 મે 2023) દિલ્હી યુનિવર્સિટીની એકાએક મુલાકાત લીધી હતી જેના પર DU એડમિનિસ્ટ્રેશને વાંધો ઉઠાવ્યો છે. DUની બોય્ઝ હોસ્ટેલમાં રાહુલ ગાંધીની એન્ટ્રીને પ્રશાસને ગેરકાયદે કહી છે. યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે કે રાહુલ ગાંધીની આમ અચાનક અને અનધિકૃત મુલાકાત સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
‘અમે યુનિવર્સિટીને રાજકીય અખાડો નથી બનાવવા ઇચ્છતા’
દિલ્હી યુનિવર્સિટીના પ્રોક્ટર રજની અબ્બીએ કહ્યું કે, “અમે યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવવા નથી ઇચ્છતા. આ માટે જે પણ જવાબદાર હશે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.”
રજની અબ્બીએ આરોપ લગાવ્યો કે, DUની બોય્ઝ હોસ્ટેલમાં રાહુલ ગાંધી પરવાનગી વગર પહોંચ્યા હતા અને આના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ છે.
ભીડ સાથે પહોંચેલા રાહુલ ગાંધીના કારણે વિદ્યાર્થીઓને ભોજન ન મળ્યું
રજની અબ્બીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધીએ ગેરકાયદે દિલ્હી યુનિવર્સિટીની મુલાકાત લીધી. આ કોઈ પબ્લિક પ્લેસ નથી કે તમે ફરવા આવી જાઓ.” DUનું કહેવું છે કે હોસ્ટેલમાં માત્ર 75 લોકો માટે જમવાનું બને છે. એવામાં રાહુલ ગાંધી ભીડ સાથે પહોંચી ગયા હોવાથી અમુક વિદ્યાર્થીઓને બપોરનું ભોજન મળી શક્યું ન હતું. આ અંગે વિદ્યાર્થીઓએ લેખિત ફરિયાદ નોંધાવી છે.
#WATCH | Delhi: Yesterday I got a message that Rahul Gandhi has entered PG men's hostel. When I entered the hostel there was a mob of students who were outsiders, NSUI or some office-bearers. It was in a staged manner. They should have informed University or the area SHO. He is a… pic.twitter.com/6XcSFzBLMC
— ANI (@ANI) May 6, 2023
યુનિવર્સિટી ઓફિસને જાણ કર્યા વગર પહોંચી ગયા હતા રાહુલ ગાંધી
રાહુલ ગાંધીના DU કેમ્પસમાં અચાનક પ્રવેશથી સુરક્ષાનો ભંગ થયો છે તેવું પ્રશાસનનું કહેવું છે. DUએ કહ્યું છે કે, “રાહુલ ગાંધીએ આવતા પહેલા પ્રોક્ટર અથવા કાર્યાલયને જાણ કરવી જોઈએ. એમની પાસે Z+ સુરક્ષા છે. જો ભૂલથી કંઈ થઈ ગયું તો કોણ એની જવાબદારી લેશે?”
બીજી તરફ ઇન્ડિયન નેશનલ ટીચર્સ કોંગ્રેસ (INTEC) એ યુનિવર્સિટીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “યુનિવર્સિટી રાહુલ ગાંધીની વિઝિટને બિનજરૂરી મુદ્દો બનાવી રહી છે. રાહુલ ગાંધી રાષ્ટ્રીય નેતા છે અને યુવાનો સાથે વાતચીત કરવા, તેમની સમસ્યાઓ ઉકેલવા માટે તેમણે હોસ્ટેલની મુલાકાત લીધી હતી. જો કેન્દ્રમાં કોંગ્રેસ હોત તો યુનિવર્સિટીના V-C સહિતના સત્તાધીશો રેડ કાર્પેટ સાથે તેમની રાહ જોતાં હોત.”
યુનિવર્સિટી કોર્ટ મેમ્બર અમન કુમારે પણ યુનિવર્સિટીના વલણની નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધી સેન્ટ સ્ટીફન્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થી છે અને યુનિવર્સિટીએ તેમની મુલાકાતનું સ્વાગત કરવું જોઈએ.”
એકાએક બોય્ઝ હોસ્ટેલમાં પહોંચી ગયા હતા પૂર્વ સાંસદ
રાહુલ ગાંધી ગત શુક્રવારે (5 મે 2023) દિલ્હી યુનિવર્સિટીની પીજી બોય્ઝ હોસ્ટેલમાં પૂર્વ જાણકારી વગર પહોંચી ગયા હતા. રાહુલે હોસ્ટેલની મેસમાં લંચ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતો કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યની યોજનાઓ અને કરિયર અંગે પૂછ્યું હતું. થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મળવા માટે મુખર્જી નગર પહોંચ્યા હતા.