મળતી જાણકારી મુજબ નેપાલમાં પોતાની રજાઓ ગાળી રહેલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટી સંગઠનમાં મતભેદો ઉકેલવા માટે ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નારાજ હાર્દિક પટેલને સંદેશ મોકલવ્યો છે.
કોંગ્રેસ પાર્ટીના સૂત્રોનો દાવો છે કે રાહુલ ગાંધીએ પોતે હાર્દિક પટેલને પાર્ટીમાં ચાલુ રાખવા માટેનો સંદેશો મોકલ્યો છે. તેમણે પક્ષના પ્રભારી અને અન્ય નેતાઓને મતભેદોને ઉકેલવા પટેલ સુધી પહોંચવા પણ કહ્યું છે.
કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ પણ પુષ્ટિ કરી છે કે પાર્ટી નેતૃત્વએ હાર્દિક પટેલ સાથે વાત કરી છે. “તે વાતચીતની વિગતો ફક્ત રાજ્ય પ્રભારી રઘુ શર્મા જ શેર કરી શકે છે,” સુરજેવાલાએ કહ્યું હતું.
હાર્દિક પટેલની નારાજગી
રાજ્યના નેતૃત્વ દ્વારા તેમને આપવામાં આવતી પ્રાધાન્યતાના અભાવથી ગુસ્સે થયેલા, હાર્દિકે સોમવારે તેના ટ્વિટર બાયોમાંથી “કોંગ્રેસ” અને તેના પ્રોફાઇલ ચિત્રમાંથી પાર્ટીના પ્રતીકની તસવીર હટાવી દીધી હતી.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે જો હાર્દિક પાર્ટી છોડશે તો તે કોંગ્રેસ માટે નુકસાન થશે.
પટેલ ભાજપમાં જોડાવા અંગે અટકળો વહેતી થઈ હતી જેને કોંગ્રેસના નેતાએ વારંવાર ફગાવી દેતા જણાવ્યું હતું કે તેમની પાસે આવી કોઈ યોજના નથી, જ્યારે એમ પણ ઉમેર્યું હતું કે તેઓ રાજ્યના પક્ષના નેતૃત્વથી નારાજ છે.
તેમણે તાજેતરમાં જ કલમ 370 હટાવવા અને રામ મંદિરના નિર્માણ માટે ભાજપ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટતા જારી કરી છે કે તેઓ પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીથી નારાજ નથી પરંતુ તેઓ રાજ્યના નેતૃત્વથી નારાજ છે.
“હું રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીથી નારાજ નથી. હું રાજ્યના નેતૃત્વથી નારાજ છું. હું શા માટે નારાજ છું? ચૂંટણીઓ આવી રહી છે અને આવા સમયમાં પ્રમાણિક અને મજબૂત લોકો સાથે મળીને કામ કરવું જોઈએ. તેમને હોદ્દા આપવા જોઈએ, ” તેણે ઉમેર્યુ.
અહેવાલો અનુસાર, જુલાઇ 2015માં પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કરીને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર પટેલ છેલ્લા ઘણા સમયથી પાર્ટીના નેતૃત્વ સાથે તાલમેળ મેળવી શકતા નથી.
“તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા માંગતા હતા પરંતુ તેમને માત્ર કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હોવા છતાં રાજ્ય નેતૃત્વ દ્વારા મોટા નિર્ણયો પર તેમનો અભિપ્રાય લેવામાં આવતો નથી,” સૂત્રોએ જણાવ્યું હતું.
ભાજપમાં જોડાવાના તેમના ઇનકાર પછી, અટકળો છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
હાર્દિક પટેલને અપાતાં મહત્વથી જૂના કોંગ્રેસ નેતાઓ નારાજ
નોંધનીય છે કે પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલ અને માત્ર 3 વર્ષ પહેલા કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલને કોંગ્રેસનાં શીર્ષ નેતૃત્વ દ્વારા આટલું મહત્વ અપાતાં ઘણા જૂના અને મોટા કોંગ્રેસ નેતાઓ નારાજ થયા છે.
તહસીન પૂનાવાલાએ નેતૃત્વ પર આરોપ લગાવતા કહ્યું, “હાર્દિક પટેલ વળી ઘટના સાથે ફરી એકવાર એક વાત સાબિત થાય છે જે મેં હંમેશા કહ્યું છે – તમારા INC બાળકોને, IYC, NSUI બાળકોને નેતા બનાવો! તેમને ટિકિટ આપો– બહારના લોકોએ હંમેશા રાહુલ ગાંધીને નિરાશ કર્યા છે! પીછો કરવાનું અને તેમને મહત્વ આપવાનું બંધ કરો!!”
With the #HardikPatel episode once again a theory I have always told – make your INC kids, IYC, NSUI kids leaders ! Give them tickets– the outsiders have always let #RahulGandhi down ! Stop chasing & giving them importance!!
— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) May 3, 2022
આ સાથે ગુજરાતનાં પણ ઘણા મોટા કોંગ્રેસ નેતાઓ હાર્દિક પટેલને મળી રહેલ અકારણ મહત્વથી નારાજ છે.