કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે જ્યાં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સીટી ખાતે સ્વતંત્રતાના 75 વર્ષ બાદ ભારતના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે એક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ એક રાષ્ટ્રના રૂપમાં ભારતના અસ્તિત્વને નકારવાથી લઈને ભારતના આંતરિક મુદ્દાઓમાં પશ્ચિમી દેશોના હસ્તક્ષેપની માંગ સુધી અનેક ભારત વિરોધી નિવેદનો આપ્યાં હતાં. આ જ ઉપક્રમને જાળવી રાખતા રાહુલ ગાંધીએ આજે ભારત વિરોધી અને પાકિસ્તાન સમર્થક જેરેમી કોર્બિન સાથે મુલાકાત કરી હતી. તેઓ બ્રિટનની લેબર પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલ તસ્વીરમાં રાહુલ ગાંધી અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડા જેરેમી કોર્બિન સાથે જોવા મળ્યા હતા. નોંધવું જોઈએ કે રાહુલ ગાંધીની જેમ કોર્બિન પણ પોતાની પાર્ટીને બે ચૂંટણીમાં હાર અપાવી ચૂક્યા છે.
કોણ છે આ જેરેમી કોર્બિન અને કેમ રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત ભારતીયોને પસંદ આવી નથી. એકે નજર તેમના પાછલા રેકોર્ડ પર નાંખીએ અને સમજીએ કે શા માટે ભારતમાં ચૂંટણી જીતવા માંગતા વ્યક્તિએ કોર્બિનથી અંતર જાળવી રાખવું જોઈએ.
કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવાના પ્રયત્નો કરી ચૂક્યા છે
કોર્બિન હંમેશા કાશ્મીરી ભાગલાવાદીઓનું સમર્થન કરતા આવ્યા છે અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરતા આવ્યા છે. લેબર પાર્ટીના અધ્યક્ષ તરીકે તેમણે તેમના કાર્યકાળ દરમિયાન તેમની પાર્ટીના સાંસદોએ અનેક વખત પાકિસ્તાનનો પક્ષ લઇ કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવાના પ્રયત્નો કર્યા હતા. લેબર પાર્ટીએ એક પ્રસ્તાવ પણ પાસ કર્યો હતો જેમાં કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ અને કોર્બિનના કાર્યકાળ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વમાં જનમત સંગ્રહ કરવાની પણ વાત કહી હતી.
ઉપરાંત, કોર્બિને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિઓને મળ્યા હતા અને કોંગ્રેસ પાર્ટીના માધ્યમથી કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. જોકે, નોંધવાલાયક વાત એ છે કે ત્યારે ન કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી કે ન કોર્બિન.
A very productive meeting with UK representatives from the Indian Congress Party where we discussed the human rights situation in Kashmir.
— Jeremy Corbyn (@jeremycorbyn) October 9, 2019
There must be a de-escalation and an end to the cycle of violence and fear which has plagued the region for so long. pic.twitter.com/wn8DXLohJT
પાકિસ્તાની સમર્થક કોર્બિન સાથે પાર્ટીના પ્રતિનિધિમંડળે મુલાકાત કર્યા બાદ ભારતમાં કોંગ્રેસનો વિરોધ શરૂ થઇ ગયો હતો. જે બાદ કોંગ્રેસ પાર્ટીએ એમ કહીને છટકબારી શોધી લીધી હતી કે તેઓ લેબર પાર્ટીના નેતા દ્વારા કાશ્મીર મુદ્દે પાસ કરવામાં આવેલ પ્રસ્તાવની નિંદા કરવા માટે મળ્યા હતા.
Our meeting with @jeremycorbyn was held to condemn the Kashmir resolution passed by his Party & to reiterate that J&K is an internal matter & outside intervention will not be accepted. @BJP4India‘s malicious statements are another attempt to distract people from their failures.
— Indian Overseas Congress UK (@TeamIOCUK) October 10, 2019
એટલું જ નહીં, લેબર પાર્ટીના સાંસદ લિયામ બર્ને એક પાકિસ્તાની ભીડનું નેતૃત્વ પણ કર્યું હતું, જે માર્ચમાં લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરવામાં આવી હતી. પોતે મુસ્લિમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ હોવાના કારણે બર્ન અગાઉ પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરી ચૂક્યા છે.
આતંકવાદ સમર્થક જેરેમી કોર્બિન
જેરેમી કોર્બિન હંમેશા આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓનું સમર્થન કરતા આવ્યા છે. કાશ્મીર મુદ્દો હોય કે આયરલેન્ડ, કે પછી લેબનાન કે ગાઝાનો વિવાદ હોય, કોર્બિને હંમેશા આતંકીઓ કે કટ્ટરપંથીઓ પ્રત્યે નરમ વલણ દાખવ્યું છે.
ભૂતકાળમાં કોર્બિન કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદીઓ હમાસ અને હિઝબુલ્લાહને ‘મિત્ર’ ગણાવી ચૂક્યા છે. જોકે, તેમણે આ નિવેદન અંગે ખેદ વ્યક્ત કર્યો હતો પરંતુ બીજી તરફ તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ તેમની સાથે વાત કરવાનું બંધ નહીં કરે. જે બાદ હમાસ તરફથી તેમને ‘સેલ્યુટ’ મળી હતી અને એક નિવેદનમાં હામાસે કહ્યું હતું કે, “બ્રિટિશ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિન તરફથી સામુહિક રેલીમાં ભાગ લેનારાઓ માટે પાઠવવામાં આવેલ સંદેશથી અમને ખૂબ આદર અને પ્રશંસા મળ્યા છે.”
તદુપરાંત, કોર્બિન આયરલેન્ડને બ્રિટનથી મુક્ત કરાવવા માટે આતંકવાદનો સહારો લેનાર આયરિશ રિપબ્લિકન આર્મીને પણ ખુલ્લું સમર્થન આપી ચૂક્યા છે. વામપંથી જર્નલ લેબર બ્રિફિંગે આયરિશ આર્મીનું સમર્થન કર્યું હતું અને બ્રાઈડન હોટેલ બોમ્બિંગનું પણ સમર્થન કર્યું હતું, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને અન્ય 31 ઈજાગ્રસ્ત થયા હતા. કોર્બિન આ જર્નલના સંપાદકીય બોર્ડના જનરલ સેક્રેટરી હતા.
2015માં બીબીસી રેડિયો અલ્સ્ટર પર વાતચીત કરતા કોર્બિને આઈઆરએ દ્વારા થતી હિંસા અને આતંકવાદની નિંદા કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો અને જવાબ આપવાની જગ્યાએ ફોન કાપી નાંખ્યો હતો. બ્રિટિશ ઇતિહાસ કાર અને ‘ધ ટેલિગ્રાફ’ માટે લખતા પત્રકાર લિયો મૅકક્રિસ્ટી કોર્બિન વિશે લખે છે કે, “તેઓ એ વ્યક્તિ છે જેમણે 1980 ના દાયકામાં હિંસક આયરિશ રિપબ્લિકન સામે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. 1984 માં તેમણે બ્રાઇડન બોમ્બિંગના એક પખવાડિયા બાદ IRA ના માણસોને આમંત્રિત કર્યા હતા. તેમજ 1987 માં એક હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓના ‘સન્માન’માં તેમણે એક મિનિટનું મૌન પણ પાળ્યું હતું.
લાગી ચૂક્યા છે યહૂદી વિરોધી ગતિવિધિઓના આરોપ
લેબર પાર્ટીના નેતા તરીકે કોર્બિનના કાર્યકાળ દરમિયાન પાર્ટીમાં યહૂદી વિરોધી ગતિવિધિઓના કારણે અનેક સમર્થકોએ પાર્ટી છોડી દીધી હતી. યુકે સ્થિત એક માનવઅધિકાર પ્રહરી નેતાએ આ ઉત્પીડન અને ભેદભાવ માટે કોર્બિનના સાડા ચાર વર્ષના કાર્યકાળને જવાબદાર ઠેરવ્યો હતો. આખરે યહૂદી વિરોધી ગતિવિધિઓ અંગે સ્વીકાર કરવાનો ઇન્કાર કરતા પાર્ટીએ તેમને કાઢી મૂક્યા હતા.
અન્ય ‘કરતૂતો’
જેરેમી કોર્બિનના મિત્રોએ શૅર કરેલી જાણકારી અનુસાર, તેમના પહેલાં લગ્ન તૂટ્યા બાદ કોર્બિને કેટલાક વામપંથી મિત્રોને જાણીજોઈને બોલાવ્યા હતા અને તેમના રૂમમાં લઇ ગયા હતા, જ્યાં તેમની તત્કાલીન પ્રેમિકા અને હાલ બ્રિટિશ સાંસદ ડાયેના અબોટ તેમના બેડ પર નગ્ન હાલતમાં જોવા મળી હતી. કોર્બિને વામપંથી મિત્રો સામે દેખાડો કરવા માટે આ કર્યું હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત, ઈરાની પત્રકાર મઝિયાર બહારી સાથે થયેલ અત્યાચારનું ફિલ્માંકન કરનાર ઈરાની ચેનલ પર આવવા માટે કોર્બિનને લગભગ 27,000 ડોલર મળ્યા હતા. તેઓ 2009 થી 2012 વચ્ચે પાંચ વખત ચેનલ પર જોવા મળ્યા હતા.
કટ્ટર ઇસ્લામવાદી અને યહૂદીઓના વિરોધી રાયદ સલાહને પણ તેઓ સમર્થન જાહેર કરી ચૂક્યા છે. રાયદે અગાઉ યહૂદીઓ વિરુદ્ધ નફરત અને હિંસા ભડકાવવાનો આરોપ લગાવતા 9/11 માટે તેમને જવાબદાર ગણાવ્યા હતા. જેમના વિશે કોર્બિને કહ્યું હતું કે, “તેઓ એક સન્માનિત નાગરિક છે, તેઓ એક અવાજ છે જેને સાંભળવામાં આવવો જોઈએ. તેઓ ખતરનાક વ્યક્તિ તો બિલકુલ નથી અને હું તેમને ચા પીવા આમંત્રણ આપવાનું પસંદ કરીશ.”
આ પ્રકારે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એવા બ્રિટિશ રાજનેતા સાથે મુલાકાત કરી આવ્યા છે જેમનો આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓનું સમર્થન કરવાનો ઇતિહાસ રહ્યો છે અને જેઓ હંમેશા કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો પક્ષ લેતા આવ્યા છે અને એટલું જ નહીં અગાઉ કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપના પ્રયત્નો પણ કરી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ એવા રાજનેતા સાથે મુલાકાત કરી હતી જેમને યહૂદી વિરોધી ગતિવિધિઓ માટે પાર્ટીએ કાઢી મૂકવા પડ્યા હતા અને જેઓ દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદીઓને પોતાના મિત્ર ગણાવે છે.