ત્રણ વર્ષથી યુદ્ધ કરી રહેલા રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે હવે યુદ્ધવિરામ (Ceasefire) થવાની આશા જાગી છે. જાણવા મળી રહ્યું છે કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) ઈસ્તાંબુલમાં 15 મેના રોજ યુક્રેન સાથે સીધી વાતચીત માટેનો પ્રસ્તાવ (Direct peace talk) રાખ્યો છે. સાથે એવું પણ કહ્યું છે કે, તેમનો ઉદ્દેશ્ય સ્થાયી શાંતિ સ્થાપિત કરીને યુદ્ધના મૂળ કારણોને સમાપ્ત કરવાનો છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ આ પહેલનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે, કીવ શાંતિ વાટાઘાટો માટે તૈયાર છે. સાથે તેમણે એવું પણ કહ્યું છે કે, મોસ્કોએ યુદ્ધવિરામ પર સહમત થવું પડશે.
પુતિને વર્ષ 2022માં રશિયાના હુમલા બાદ થયેલા શાંતિ વાટાઘાટોનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, સમજૂતી તોડવા પાછળ રશિયા નહીં, પરંતુ યુક્રેન જવાબદાર હતું. પુતિને કહ્યું છે કે, “2022માં યુક્રેને વાટાઘાટો તોડી હતી. તેમ છતાં અમે પ્રસ્તાવ રાખી રહ્યા છીએ કે, કોઈપણ પૂર્વ શરત વગર સીધી વાતચીત કરવામાં આવે.” પુતિને કહ્યું કે, તેઓ કીવ અધિકારીઓને ગુરુવારે ઈસ્તાંબુલમાં ફરી શાંતિ વાર્તા શરૂ કરવાની ભલામણ કરી રહ્યા છે.
BREAKING: Ukrainian President Volodymyr Zelenskyy says he is pleased to see that Russia is finally engaging with finding an end to the war, but there must be a ceasefire before peace talks can start. https://t.co/CUKjkRasv4
— The Associated Press (@AP) May 11, 2025
આ સાથે ઝેલેન્સ્કીએ પણ રશિયાના આ પ્રસ્તાવને માન્ય રાખ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદનમાં કહ્યું છે કે, “આ એક સકારાત્મક સંકેત છે કે રશિયા આખરે યુદ્ધને સમાપ્ત કરવા પર વિચારી રહ્યું છે. પરંતુ કોઈપણ યુદ્ધને વાસ્તવમાં સમાપ્ત કરવા માટેનું પહેલુ પગલું યુદ્ધવિરામ છે.” વધુમાં તેમણે આશા વ્યક્ત કરી છે કે, રશિયા 12 મેના રોજથી પૂર્ણ યુદ્ધવિરામની પુષ્ટિ કરશે અને યુક્રેન પણ તેના માટે તૈયાર છે.
યુરોપિયન નેતાઓએ પણ યુદ્ધવિરામની કરી હતી વાત
નોંધનીય છે કે, શનિવારે યુરોપિયન શક્તિઓએ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનથી બિનશરતી 30 દિવસના યુદ્ધવિરામ પર ભાર મૂક્યો હતો અને પુતિનને ચેતવણી આપી હતી કે, જો તેઓ થોડા દિવસોમાં તેનો સ્વીકાર નહીં કરે તો તેમના પર નવા પ્રતિબંધો લગાવવામાં આવશે. યુરોપિયન શક્તિઓએ કહ્યું હતું કે, તેઓ યુદ્ધના સ્થાને યુક્રેનમાં સંઘર્ષને ખતમ કરવા માંગે છે, જેને તેનું પ્રશાસન યુનાઈટેડ સ્ટેટ્સ અને રશિયા વચ્ચેના પ્રોક્સી વોર તરીકે જુએ છે.
નોંધનીય છે કે, ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેનમાં પોતાના હજારો સૈનિકો મોકલી દીધા હતા, જેના કારણે 1962ના ક્યુબા મિસાઇલ સંકટ બાદ રશિયા અને પશ્ચિમ વચ્ચેની સૌથી ગંભીર અથડામણ શરૂ થઈ ગઈ હતી. યુક્રેન અને રશિયા વચ્ચે પ્રત્યક્ષ યુદ્ધ પણ શરૂ થઈ ગયું હતું અને હાલ સુધી તે ચાલી રહ્યું છે. જોકે, હવે પુતિનના પ્રસ્તાવના કારણે યુદ્ધવિરામ લાગુ થઈ શકવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.